<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

કેપિટલ ગેઈન ટેક્‍સ મુદ્દે આપેલી IT નોટિસમાં વ્‍યાજ ભરવામાંથી મુક્‍તિ

૩૧ ડિસેમ્‍બર પહેલા ટેક્‍સ ભરનારાઓને જ રાહત મળશે : રિટર્ન ભરી દીધા બાદ આઇટીએ ટેક્‍સની ટકાવારીમાં ફેરફાર કર્યો હતો

 

મુંબઈ,તા.૨૩: ઇન્‍કમટેક્‍સના નિયમોમાં ફેરફાર થવાના કારણે ગત વર્ષે આઇટી રિટર્ન ભરનારા અનેક કરદાતાઓને નોટિસ આપીને ટેક્‍સ અને વ્‍યાજ સહિતની રકમ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમાં રાહત આપતો નિર્ણય કરીને ટેક્‍સ ભરી દેવામાં આવશે તો વ્‍યાજ વસૂલ કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ ટેક્‍સની રકમ ૩૧ ડિસેમ્‍બર પહેલા ભરી દેવા માટેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઇન્‍કમટેક્‍સ વિભાગે જૂન મહિનામાં શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સ અને લોંગ ટર્મ ગેઇન ટેક્‍સની રકમમાં ફેરફાર કર્યો હતો. તે પહેલા અનેક કરદાતાઓએ આઇટી રિટર્ન ફાઇલ કરી દીધું હતું. જોકે ડિસેમ્‍બર પહેલા તેમાં સુધારો પણ કરી દીધો હતો. જોકે જે કરદાતાઓએ સુધારો કર્યો નહોતો તેવા હજજારો કરદાતાઓને ઇન્‍કમટેક્‍સ વિભાગે નોટિસ ફટકારીને ટેક્‍સ અને વ્‍યાજની રકમ ભરવા માટે અલ્‍ટિમેટમ આપ્‍યું હતું. તેના કારણે અનેક કરદાતાઓ ટેક્‍સ અને વ્‍યાજ ભરી પણ દીધો હતો. જ્‍યારે કેટલાક કરદાતાઓ અપીલમાં ગયા છે. જોકે હવે ઇન્‍કમટેક્‍સ વિભાગે તેમાં સુધારો કરીને જે પણ કરદાતાઓ ટેક્‍સની રકમ ભરપાઈ કરવા તૈયાર હોય તો તેઓએ વ્‍યાજ ભરવાનું રહેશે નહીં તેવુ સત્તાવાર જાહેરનામું બહાર પાડયું છે. આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે અનેક કરદાતાઓના રિફંડમાંથી પણ વ્‍યાજ અને ટેક્‍સના નાણા કપાઈ ગયા છે. જ્‍યારે જે કરદાતાઓ અપીલમાં ગયા છે તેઓ અપીલ પાછી ખેંચીને કેસનું સમાધાન થઈ જાય તેવા કારણોસર આ જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. પરંતુ જે લોકોએ રિટર્ન ભર્યા બાદ તેઓના રિફંડમાંથી ટેક્‍સ અને વ્‍યાજની રકમ પહેલેથી જ કાપી લેવામાં આવી છે તેઓને હવે વિભાગ દ્વારા કેવી રીતે નાણાં પરત કરશે તેની સ્‍પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી.(૪૦.૧૪)

(9:51 AM IST)