<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

જીએસટી બચત ઉત્‍સવ માટે પહેલાં જ દિવસથી શહેરીજનોમાં ઉત્‍સાહ

એસી. મોબાઇલ સહિત વિવિધ ચીજોની ખરીદી શરૂ થઇ : ઘી, તેલ સહિત આવશ્‍યક ચીજ વસ્‍તુઓના ભાવ ઘટાડાનો અમલ શરૂ

 

નવી દિલ્‍હી,તા.૨૩: કેન્‍દ્ર સરકાર દ્વારા આજથી બચત ઉત્‍સવના ભાગરૂપે જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે, ત્‍યારે શહેરીજનોમાં પહેલાં જ દિવસથી ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આજે વિવિધ શ રૂમ, શોપિંગ મોલ ખાતે જઈને ગ્રાહકોએ વિવિધ ચીજ વસ્‍તુની ખરીદી શરૂ કરી હતી. ૧૦ ટકા ઉપરાંતના ઘટાડેલા ભાવથી ખરીદી પણ શરૂ કરવામાં આવી હતી. આમ ગ્રાહકોના લાખો રૂપિયાની બચત પ્રથમ દિવસે થઇ છે.

જ્‍યારે નાના વેપારીઓને ત્‍યાં પણ કઈ એફએમસીજી ચીજના કેટલા ભાવ ઘટશે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. નાના વેપારીઓ દ્વારા તેમને ચીજ વસ્‍તુ આપનાર ડીલરો પાસેથી સુધારેલા ભાવ મેળવવામાં આવી રહ્યા છે. એફએમસીજી ચીજો એટલેકે ગ્રાહકની રોજ બરોજની ખરીદી માટેની ચીજ ઉપર ૧૮ ટકા જીએસટી પરથી ૫ ટકા જીએસટી કરાયો છે. આમ ૧૩ ટકા જીએસટીનો લાભ ગ્રાહકો આપવામાં આવનાર છે. ડેરી તથા અમૂલની વિવિધ બનાવટો ઉપર ભાવ ઘટાડવામાં આવ્‍યા છે. જે મુજબ ભાવ ઘટાડાની જાહેરાત કરાઈ છે.

જોકે કેટલીક એફએમસીજી કંપનીઓ દ્વારા અગાઉ જે બેઝ રેટ રૂા.૧૦૦ હતો અને તેની ઉપર ૧૮ ટકા જીએસટી લેવામાં આવતો હતો તે હવે રૂા.૨ થી રૂા.૩ વધારવામાં આવ્‍યો છે અને તેની ઉપર પ ટકા જીએસટી ગણીને ગ્રાહકોની પાસેથી ભાવ વસૂલવા જણાવાયું છે. આમ ગ્રાહકોને વિવિધ ચીજ ચોક્કસ ઘટાડેલા ભાવે મળશે પણ કંપનીઓનું માર્જિન પણ વધી જશે. આ નવી ફોર્મ્‍યુલા મુજબ હવે આજથી વેપારીઓ ભાવ વસૂલશે. આમ ગ્રાહકોને ચોક્કસ ઘટાડેલા ભાવ ચીજ વસ્‍તુઓ મળશે પણ જીએસટી કાપનો પુરેપુરો લાભનહિ મળે. એફએમસીજી વેપારમાં વેપારીઓને ૫ ટકા માર્જિન મળતું હોય છે.(૪૦.૧૨)

જીએસટી બચત ઉત્‍સવમાં ધૂમ ખરીદી નિકળશે તેવી આશા

જીએસટી બચત ઉત્‍સવ દરમિયાન ધૂમ ખરીદી નિકળશે તેવી વેપારીઓને આશા છે. દિવાળી પૂર્વના એક મહિના દરમિયાન આ ખરીદી થશે. વેપારીઓ પણ વિવિધ ચીજના ઘટેલા ભાવથી વેપાર કરશે. આજે પ્રથમ દિવસે પણ વેપારી સંગઠનો દ્વારા ઘટાડેલા દરથી વેચાણ સંદર્ભે માહિતી મેળવવામાં આવી હતી. પરેશ પરીખ, પ્રમુખ CAIT ગુજરાત

ઇ- કોમર્સ કંપનીઓ દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા યોજનાઓ રજૂ

ઇ- કોમર્સ કંપનીઓ દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા માટે યોજનાઓ રજૂ કરાઇ છે. જેમાં બિગ બિલિયન ડેઝ, ગ્રેટ ઇન્‍ડિયન ફેસ્‍ટિવલ, બ્‍લોક બસ્‍ટર સેલ જેવી યોજનાઓ રજૂ કરવામાં આવી છે તેમાં ગ્રાહકોને એમઆરપી ઉપર ૧૨ ટકાથી લઇને ૪૨ ટકા ઘટાડો થશે તેમ જણાવાયું છે. આ સાથે કેશ બેક રિવોર્ડની યોજના રજૂ કરવામાં આવી છે.

જીએસટી ઘટાડાનું મોનિટરિંગ સીબીઆઇસી દ્વારા થશે

જીએસટીના દર ૫ ટકા અને ૧૮ ટકા કરાયા છે ત્‍યારે દર ઘટાડાનો લાભગ્રાહકોને અપાયો છે કે નહિ તે માટે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડિરેક્‍ટ ટેક્‍સિસ અને કસ્‍ટમ્‍સ (સીબીઆઇસી) દ્વારા તેની તમામ ક્ષેત્રિય કચેરીઓને મોનિટરિંગ કરવા જણાવાયું છે. બીજી તરફ કેન્‍દ્ર સરકાર પણ રાજ્‍ય સરકાર પાસેથી આ સંદર્ભમાં વિગતો મગાવશે.

પ્રથમ નોરતે ઓટોમોબાઇલ ડીલરોને ત્‍યાંથી વાહનોની ડિલિવરી અપાઇ

શહેરમાં પ્રથમ નોરતે જ ઓટોમોબાઇલ ડિલરોને ત્‍યાંથી ટુ વ્‍હિલર, મોટરકારોની ડિલિવરી ઘટાડેલા ભાવે ગ્રાહકોને અપાઇ આપવામાં આવી હતી. સારા ચોઘડિયામાં વાહનોની પુજા કરીને તેની ડિલિવરી ગ્રાહકોએ પરિવાર સાથે જઇને મેળવી હતી. ઓટો ડિલરો પણ જીએસટીના દર ઘટતા કંપની દ્વારા કરાયેલા ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપી રહ્યા છે.

(9:53 AM IST)