<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પવન કલ્‍યાણની ફિલ્‍મના રાત્રિના ૧ના શોની એક ટિકીટ ૧,૨૯,૯૯૯માં વેચાઈ

પવન કલ્‍યાણની જન સેના પાર્ટીના લાભાર્થી ખાસ શો યોજાયો, શોની આવક પાર્ટીને દાન કરી દેવાશે

 

હૈદ્રાબાદ,તા.૨૩: દિવસે અને દિવસે થિએટર અને મલ્‍ટિપ્‍લેક્‍સમાં ફિલ્‍મની ટિકિટના વધતા ભાવ પર અનેક લોકો વિરોધ પ્રગટ કરતા રહ્યા છે. પરંતુ કેટલાક ફેન એવા હોય છે, જે પોતાના ગમતા કલાકારની ફિલ્‍મ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રકમ ચુકવીને જોવા તૈયાર હોય છે. રવિવારે હૈદ્રાબાદમાં પવન કલ્‍યાણની ફિલ્‍મ 'ધે કોલ હિમ ઓજી'નું ખાસ સ્‍ક્રીનિંગ યોજાવાનું છે, જેમાં તેના એક ફેને સવાલાખ રૂપિયાની એક ટિકિટ ખરીદી હતી. તેલુગુ સ્‍ટાર પવન કલ્‍યાણની ફિલ્‍મનું ટ્રેલર ડીજીટલી લોંચ કરવાને બદલે હૈદ્રાબાદની એક ખાસ ઇવેન્‍ટમાં લોંચ કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં હાજર રહેલાં લોકો માટે જ માત્ર આ ટ્રેલર દર્શાવાયું હતું.

ત્‍યાર બાદ આ પવન કલ્‍યાણના રાજકીય પક્ષ જન સેના પાર્ટીના લાભાર્થે એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્‍યું છે, આ શોમાંથી મળેલી બધી જ આવક પાર્ટીના લાભાર્થે ખર્ચ થવાની છે. જેમાં તેના માટે ટિકિટનીએક હરાજી પણ થઈ હતી, જેમાં એક ફેને ૧,૨૯,૯૯૯ રૂપિયાની એક ટિકિટ ખરીદી હતી. લક્કરામ ગામના અમુદલા પરમેશ નામના વ્‍યક્‍તિએ આ ટિકિટ ખરીદી હતી. આ ટિકીટની મૂળ કિંમત માત્ર ૮૦૦ રૂપિયા હતી. પરંતુ હરાજીમાં શ્રિનિવાસા થિએટરમાં ૨૫ સપ્‍ટેમ્‍બરે રાત્રે ૧ વાગ્‍યાના શો માટે આ હરાજી થઈ હતી.

ટિકિટ ખરીદનાર પરમેશે જણાવ્‍યું હતું કે આ હરાજીમાંથી મળતી બધી જ રકમ જન સેના પાર્ટીના લાભાર્થે જવાની છે, તેના માટે લોકોએ આપેલું દાન તેમની પવન કલ્‍યાણ પ્રત્‍યેની ઉંડી લાગણી અને વફાદારી દર્શાવે છે, માત્ર એક એક્‍ટર તરીકે નહીં પણ એક નેતા તરીકે પણ.

ફિલ્‍મ રિલીઝ કરતા પહેલાં ટ્રેલર લોચ માટે હૈદ્રાબાદના લાલ બહાદુર સ્‍ટેડિયમમાં ભારે વરસાદ વચ્‍ચે પણ ૪૦૦૦૦ લોકો હાજર રહ્યા હતા. તેમાં પવન કલ્‍યાણે ગ્રાન્‍ડ એન્‍ટ્રી કરી હતી તેમજ તેના ફેન્‍સના આ પ્રેમ બદલ તેમનો આભાર પણ માન્‍યો હતો. આ પ્રસંગે તેની સાથે ફિલ્‍મમાં કામ કરનાર ઈમરાન હાશ્‍મી પણ હાજર રહ્યો હતો. આ એક ગેંગ્‍સ્‍ટર ડ્રામા ફિલ્‍મ છે, જે સુજીત દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવી છે.

આ ફિલ્‍મ માટે તેલંગણા સરકારે ખાસ વધેલી કિંમતોને પણ મંજુરી આપી છે. ૨૪ સપ્‍ટેમ્‍બરે એક ખાસ શોની મંજુરી આપવામાં આવી છે, જેની જીએસટી સહિત ટિકિટની કિંમત ૮૦૦ રૂપિયા છે. જ્‍યારે ૨૫ સપ્‍ટેમ્‍બરથી ૪ ઓક્‍ટોબર સુધી સિંગલ સ્‍ક્રીન થિએટરમાં પણ ૧૦૦ રૂપિયા વધારાના વસુલવામાં આવશે. જ્‍યારે મલ્‍ટીપ્‍લેક્‍સ ૧૫૦ રૂપિયા વધારાના વસુલી શકશે.(૪૦.૭)

(9:54 AM IST)