News of Tuesday, 23rd September 2025
કોલકાતામાં ભારે વરસાદથી જળબંબાકાર: કરંટ લાગતાં 5 લોકોના મોત : રેલ્વે અને મેટ્રો સેવાઓને માઠી અસર
મુસાફરોની સુરક્ષા માટે શહીદ ખુદીરામ અને મેદાન સ્ટેશનો વચ્ચે રેલવે સેવાઓ રોકી દેવાઈ: ઈન્ડિગો એરલાઈન્સે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી

કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે આખી રાત થયેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે શહેરમાં 5 લોકોના મોત થયા છે. રસ્તાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રેલ અને મેટ્રો સેવાઓ ખોરવાઈ ગઈ છે. વરસાદને કારણે ઘણા ઘરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
કોલકાતા મેટ્રો રેલવેની બ્લુ લાઇનના મધ્ય ભાગમાં ખાસ કરીને મહાનાયક ઉત્તમ કુમાર અને રવીન્દ્ર સરોવર સ્ટેશનો વચ્ચે પાણી ભરાવવાને કારણે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. મેટ્રોના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા માટે શહીદ ખુદીરામ અને મેદાન સ્ટેશનો વચ્ચે સેવાઓ રોકી દેવામાં આવી છે, જ્યારે દક્ષિણેશ્વરથી મેદાન સુધી મર્યાદિત સેવા ચાલી રહી છે. ટૂંક સમયમાં સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે.
પૂર્વીય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે સિયાલદહ દક્ષિણ વિભાગમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાથી ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે બંધ છે. સિયાલદહ ઉત્તર અને મુખ્ય વિભાગોમાં માત્ર નામમાત્ર સેવાઓ ચાલી રહી છે. હાવડા અને કોલકાતા ટર્મિનલ સ્ટેશનો પરથી આવતી-જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે અને ચિતપુર યાર્ડમાં પાણી ભરાવાને કારણે સર્ક્યુલર રેલવે લાઇન પર પણ ટ્રેનો રોકાઈ ગઈ છે.
વિમાન કંપની ઈન્ડિગો એરલાઈન્સે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે કોલકાતામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આશંકાને કારણે એરપોર્ટ પરથી આવતી-જતી ફ્લાઈટ્સમાં વિલંબ અને ટ્રાફિક ધીમો થવાની સંભાવના છે. કંપનીએ મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અને એરપોર્ટ પહોંચવા માટે થોડો વધુ સમય ફાળવવાનો વિચાર કરવા વિનંતી કરી છે.
શહેરના રસ્તાઓ પર ભારે જળબંબાકારને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઓફિસે જતા લોકોને જાહેર પરિવહનની અછત અને ટ્રાફિક જામને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી શાળાઓએ ભારે વરસાદ અને જળબંબાકારને કારણે રજા જાહેર કરી દીધી હતી.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવાર સુધી દક્ષિણ બંગાળના જિલ્લાઓ જેવા કે પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તરીય બંગાળની ખાડીમાં વધુ એક નિમ્ન દબાણ ક્ષેત્ર બનવાની આશંકા છે, જેનાથી ભારે વરસાદ વરસી શકે છે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
