<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

યુરોપના દેશોથી વિપરીત, ઈટાલીનો પેલેસ્ટાઈનને માન્યતા આપવાથી ઈનકાર: મિલાનમાં હિંસા ફાટી નીકળી, ઠેર ઠેર આગચંપી અને તોડફોડ

કાળા કપડાં પહેરેલા સેંકડો પ્રદર્શનકારીઓનું ટોળું શહેરના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘૂસી ગયું: સ્ટેશન પરિસરમાં અનેક જગ્યાએ આગ લગાવી, સરકારી સંપત્તિને વ્યાપક નુકસાન: ટ્રેનોને રોકવાનો પ્રયાસ: પોલીસ પર પથ્થરો, બોટલો અને સ્મોક બોમ્બ વડે હુમલો: ભીડને વિખેરવા પોલીસ દ્વારા બળપ્રયોગ

રોમ/મિલાન: ફ્રાન્સ, બ્રિટન અને કેનેડા જેવા દેશો દ્વારા પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપ્યા બાદ, ઈટાલીની જ્યોર્જિયો મેલોની સરકારે આવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ નિર્ણયના વિરોધમાં ઈટાલીના મિલાન શહેરમાં હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા, જેમાં પ્રદર્શનકારીઓએ સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘૂસીને આગચંપી અને તોડફોડ કરી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

વિગતવાર જોઈએ તો છેલ્લા કેટલાક કલાકોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ જેવા મોટા દેશોએ પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ તરીકે ઔપચારિક માન્યતા આપી દીધી છે, ત્યાં બીજી તરફ ઈટાલી, અમેરિકા અને ઈઝરાયેલે આ નિર્ણયને સ્વીકાર્યો નથી. ઈટાલીની વડાપ્રધાન જ્યોર્જિયો મેલોનીની સરકારે પેલેસ્ટાઈનને માન્યતા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરતાં દેશમાં, ખાસ કરીને મિલાન શહેરમાં, ભયંકર હિંસા અને અજંપાનો માહોલ સર્જાયો છે.

*મિલાનમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ*

મેલોની સરકારના નિર્ણયના ૨૪ કલાકની અંદર જ પેલેસ્ટાઈનના સમર્થકો અને સરકાર વિરોધી જૂથો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મિલાન શહેરમાં પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે કાળા કપડાં પહેરેલા સેંકડો પ્રદર્શનકારીઓનું ટોળું શહેરના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોતજોતામાં પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પ્રદર્શનકારીઓએ સ્ટેશન પરિસરમાં અનેક જગ્યાએ આગ લગાવી, સરકારી સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચાડ્યું અને ટ્રેનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ટોળાએ પોલીસ પર પથ્થરો, બોટલો અને સ્મોક બોમ્બ વડે હુમલો કર્યો હતો.

પોલીસે પણ ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વિરોધાભાસી દાવાઓ

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને એક્સ (ટ્વિટર), ફેસબુક અને યૂટ્યુબ પર જુદા જુદા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. 

કેટલાક જમણેરી વિચારધારા ધરાવતા યૂઝર્સ અને પત્રકારો, આ હિંસા માટે ઈટાલીના ડાબેરી સંગઠન અને બહારથી આવેલા પ્રવાસીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમના મતે, આ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો દ્વારા પ્રેરિત હુમલાઓ છે. 

જોકે, અન્ય ડિજિટલ મીડિયા સંસ્થાનોના અહેવાલો મુજબ, આ પ્રદર્શનો સ્થાનિક પેલેસ્ટાઈન સમર્થક જૂથો અને સરકારની નીતિઓથી નારાજ નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા.

હાલમાં, મિલાન સહિત ઈટાલીના અન્ય મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાએ ઈટાલીમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે અને મેલોની સરકાર પર આંતરિક અને બાહ્ય દબાણ વધ્યું છે.

(1:04 PM IST)