<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

પાકિસ્તાનમાં 'શાહબાઝ શરીફ' માત્ર નામનાં વડાપ્રધાન! સત્તાનો અસલી સ્વાદ તો આર્મી ચીફ 'અસીમ મુનીર' માણી રહ્યા છે!

આ તમામ ઘટનાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાનની રાજદ્વારી હવે સેનાના હાથમાં છે. આ વલણ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબીને નબળી પાડે છે,

નવી દિલ્હી,: પાકિસ્તાનમાં કોની સત્તા ચાલે છે - ચૂંટાયેલી સરકારની કે સેનાની? આ સવાલ ફરી એકવાર ચર્ચામાં છે, અને તેનું કારણ છે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની રાજદ્વારી પ્રવૃત્તિઓમાં વધેલી હાજરી. વિદેશ પ્રવાસોમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુનીરની સતત ઉપસ્થિતિએ દર્શાવી દીધું છે કે પાકિસ્તાનની અસલી રાજનીતિ 'વર્દીધારી રાજકારણીઓ'ના હાથમાં છે.

શાહબાઝ શરીફ માત્ર 'કાર્પેટ' બિછાવી રહ્યા છે?
નિષ્ણાતોનું માનવું છે કે શાહબાઝ શરીફ સતત વૈશ્વિક મંચો પર આર્મી ચીફને આગળ ધપાવી રહ્યા છે, જે તેમની નબળાઈ અને સેનાની વધતી મહત્વાકાંક્ષા દર્શાવે છે. તાજેતરમાં શાહબાઝ શરીફના સાઉદી અરેબિયા, બ્રિટન અને અમેરિકાના વિદેશ પ્રવાસો દરમિયાન જનરલ મુનીર તેમની સાથે દરેક જગ્યાએ જોવા મળ્યા હતા. રિયાધમાં તો બંનેએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે નવા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર પણ કર્યા. આ ઘટના પાકિસ્તાનની વિદેશ નીતિમાં સેનાની સીધી અને મોટી ભૂમિકાનો સ્પષ્ટ પુરાવો છે.

મુનીરનો વૈશ્વિક પ્રભાવ વધી રહ્યો છે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં પણ મુનીરની હાજરીને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તે જ મુનીર છે જેમને ટ્રમ્પે જૂનમાં વ્હાઇટ હાઉસમાં ખાસ આમંત્રણ આપ્યું હતું. ચીનમાં પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન, મુનીરે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી, જ્યાં માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ રાજકીય અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

આ તમામ ઘટનાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાનની રાજદ્વારી હવે સેનાના હાથમાં છે. આ વલણ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબીને નબળી પાડે છે, પરંતુ દેશમાં પણ એ ધારણાને મજબૂત બનાવે છે કે વાસ્તવિક સત્તા નાગરિક સરકાર પાસે નહીં, પરંતુ સૈન્ય પાસે છે. પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર ભલે હોય, પરંતુ તેના સૂત્રો સૈન્યના હાથમાં જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

(6:15 PM IST)