News of Tuesday, 23rd September 2025
‘મહિલા શક્તિ’ નું પ્રદર્શન: કુખ્યાત ગુનેગારને પકડ્યો!: એન્કાઉન્ટરનું નેતૃત્વ ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ SO રીતુ ત્યાગીએ કર્યું: ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ પણ સામેલ
સહારનપુરના વતની રીતુ ત્યાગીએ જણાવ્યું કે આ તેનું પહેલું એન્કાઉન્ટર હતું: ઓપરેશનમાં કોઈ પુરુષ પોલીસ સામેલ નહોતા: કામગીરી ACP નંદગ્રામ ઉપાસના પાંડેના માર્ગદર્શન હેઠળ થઈ

ગાઝિયાબાદ : નવરાત્રીના પાવન પર્વમાં જ્યાં દેશભરમાં શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાની પૂજા થઈ રહી છે, ત્યાં ગાઝિયાબાદમાં મહિલા પોલીસે એક કુખ્યાત ગુનેગારને એન્કાઉન્ટરમાં પકડીને સાચા અર્થમાં 'મહિલા શક્તિ'નું પ્રદર્શન કર્યું છે. આ ઘટનામાં મહિલા પોલીસ સ્ટેશનની ટીમે એકલા હાથે ઓપરેશન પાર પાડીને એક ગુનેગારને ઘાયલ કરી તેની ધરપકડ કરી.
શું છે સમગ્ર ઘટના?
ગાઝિયાબાદના લોહિયા નગર પોલીસ ચોકી પાસે ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મહિલા પોલીસની ટીમે એક સ્કૂટર ચાલકને રોકવાનો ઈશારો કર્યો. રોકાવાને બદલે, આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. જવાબમાં, મહિલા પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં આરોપી જીતેન્દ્ર (રહે. અલીગઢ)ના પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થયો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ લૂંટ, ચોરી અને છીનવી લેવા સહિતના 8થી વધુ ગુના નોંધાયેલા છે. તેની પાસેથી ચોરીનું સ્કૂટર, ટેબ્લેટ, મોબાઈલ ફોન અને ગેરકાયદેસર હથિયાર પણ મળી આવ્યા છે.
કોણ છે 'લેડી સિંઘમ' રીતુ ત્યાગી?
આ એન્કાઉન્ટરનું નેતૃત્વ ગાઝિયાબાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ SO રીતુ ત્યાગીએ કર્યું હતું. 1998 બેચના કોન્સ્ટેબલ રહેલા રીતુ ત્યાગી 6 જૂન, 2024 થી આ પદ પર ફરજ બજાવી રહ્યા છે. સહારનપુરના વતની રીતુ ત્યાગીએ જણાવ્યું કે આ તેમના જીવનનું પહેલું એન્કાઉન્ટર હતું અને આ ઓપરેશનમાં કોઈ પુરુષ પોલીસ કર્મચારી સામેલ નહોતા.
આ સિવાય ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર વિનીતા યાદવ પણ સામેલ હતા, જેમણે ગોળીબાર કર્યો. વિનીતા યાદવે કહ્યું કે મહિલાઓની તાલીમ, ફરજ અને જવાબદારી કોઈ પુરુષ પોલીસ અધિકારીથી ઓછી નથી. આ આખી કામગીરી ACP નંદગ્રામ ઉપાસના પાંડેના માર્ગદર્શન હેઠળ થઈ હતી.
આ એન્કાઉન્ટર બાદ એસીપી ઉપાસના પાંડેએ ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે ગુનો છોડી દો, નહીંતર ગાઝિયાબાદ પોલીસ વળતો જવાબ આપવા તૈયાર છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
