તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
ટ્રમ્પ તંત્રનો વધુ એક સપાટો: અમેરિકામાં વર્ષોથી આતંક મચાવનાર કુખ્યાત ગેંગ 'બેરિઓ ૧૮' આતંકવાદી સંગઠન જાહેર, વૈશ્વિક સંપત્તિઓ થશે ફ્રીઝ
આ ગેંગની પ્રવૃત્તિઓ માત્ર સ્થાનિક કાયદો અને વ્યવસ્થા માટે જ નહીં, પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની ગઈ હતી: આ ગેંગના હજારો સભ્યો છે: આ ક્ષેત્રના સૌથી ભયાનક સંગઠનોમાંનું એક માનવામાં આવે છે

વોશિંગ્ટન: અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે મધ્ય અમેરિકામાં સક્રિય અને પશ્ચિમી ગોળાર્ધની સૌથી મોટી અને ખતરનાક ગેંગ પૈકીની એક 'બેરિઓ ૧૮' ને વિદેશી આતંકવાદી સંગઠન (એફટીઓ) અને વૈશ્વિક આતંકવાદી (એસડીજીટી ) તરીકે ઘોષિત કરી છે. આ નિર્ણયને પગલે ગેંગ અને તેના સભ્યોની અમેરિકામાં રહેલી સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે અને કોઈપણ અમેરિકન નાગરિક કે સંસ્થા દ્વારા આ ગેંગને મદદ કરવી ગંભીર ગુનો ગણાશે. આ ગેંગ અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા અને હોન્ડુરાસ જેવા દેશોમાં સુરક્ષા દળો, સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિકો પરના ઘાતકી હુમલાઓ માટે જવાબદાર છે.
વિગતવાર જોઈએ તો અમેરિકી સરકારે મધ્ય અમેરિકામાં વર્ષોથી આતંક મચાવનાર કુખ્યાત 'બેરિઓ ૧૮' ગેંગ વિરુદ્ધ અત્યંત કડક પગલું ભર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર રીતે આ ગેંગને 'વિદેશી આતંકવાદી સંગઠન' (ફોરેન ટેરેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન– એફટીઓ) અને 'ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી' (સ્પેશિયલી ડેઝીગ્નેટેડ ગ્લોબલ ટેરેરિસ્ટ – એસડીજીટી) ની યાદીમાં સામેલ કરી દીધી છે. આ જાહેરાતની સાથે જ આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વૈશ્વિક સ્તરે અંકુશ લગાવવાનો માર્ગ મોકળો થયો છે.
'બેરિઓ ૧૮' ગેંગ, જે '૧૮મી સ્ટ્રીટ ગેંગ' તરીકે પણ ઓળખાય છે, તેની શરૂઆત લોસ એન્જલસમાં થઈ હતી, પરંતુ સમય જતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ મધ્ય અમેરિકાના દેશો, ખાસ કરીને અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા અને હોન્ડુરાસમાં ફેલાઈ ગઈ હતી. આ ગેંગ ખંડણી, હત્યા, ડ્રગ્સની હેરાફેરી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 'બેરિઓ ૧૮' ગેંગે સતત સુરક્ષા કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને હિંસક હુમલા કર્યા છે. આ ગેંગની પ્રવૃત્તિઓ માત્ર સ્થાનિક કાયદો અને વ્યવસ્થા માટે જ નહીં, પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની ગઈ હતી. આ ગેંગના હજારો સભ્યો છે અને તે આ ક્ષેત્રના સૌથી ભયાનક સંગઠનોમાંનું એક માનવામાં આવે છે.
નાણાકીય પ્રતિબંધ: આતંકવાદી સંગઠન જાહેર થવાથી 'બેરિઓ ૧૮' ની અમેરિકામાં અથવા અમેરિકન નાગરિકોના નિયંત્રણ હેઠળની તમામ સંપત્તિઓ અને ખાતાઓ તાત્કાલિક અસરથી ફ્રીઝ થઈ જશે.
પ્રવાસ પર પ્રતિબંધ: ગેંગના સભ્યો અને તેના સહયોગીઓ માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે અને જો તેઓ દેશમાં હાજર હશે તો તેમને દેશનિકાલ કરી શકાશે.
ફોજદારી કાર્યવાહી: કોઈપણ અમેરિકન વ્યક્તિ કે સંસ્થા જો જાણીજોઈને આ ગેંગને ભંડોળ, તાલીમ, હથિયાર કે અન્ય કોઈપણ પ્રકારની "ભૌતિક સહાય" પૂરી પાડશે, તો તે ગંભીર ફોજદારી ગુનો ગણાશે અને કઠોર સજાને પાત્ર બનશે.
અમેરિકી વિદેશ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે, "આ નિર્ણય અમેરિકન લોકોને ગેરકાયદેસર ડ્રગ્સ અને હિંસક ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આવી ગેંગ અને કાર્ટેલના નાણાકીય સ્ત્રોતોને તોડી પાડવા માટે સતત કાર્યરત રહીશું."
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
