News of Tuesday, 23rd September 2025
વિશ્વ ક્રિકેટમાં શોક: દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડનું નિધન, 92 વર્ષની વયે દુનિયાને અલવિદા!
તેમણે 66 ટેસ્ટ મેચ અને 69 વન-ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું હતું, જેમાં ત્રણ વર્લ્ડ કપ ફાઇનલનો પણ સમાવેશ થાય છે: તેમનું યોગદાન અને વારસો હંમેશા યાદ રહેશે

લંડન : ક્રિકેટ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના અનોખા વ્યક્તિત્વ અને અમ્પાયરિંગ માટે જાણીતા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડનું 92 વર્ષની વયે નિધન થયું છે. યોર્કશાયર ક્રિકેટ ક્લબે મંગળવારે સાંજે આ સમાચારની પુષ્ટિ કરી, જેના પગલે વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
એક સફળ ક્રિકેટરથી મહાન અમ્પાયર સુધીની સફર
ડિકી બર્ડે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું ન હતું, પરંતુ તેમણે યોર્કશાયર અને લેસ્ટરશાયર માટે 93 ફર્સ્ટ-ક્લાસ મેચો રમી હતી, જેમાં 3,314 રન બનાવ્યા હતા. 32 વર્ષની ઉંમરે ઈજાને કારણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે કોચિંગ અને ત્યારબાદ અમ્પાયરિંગમાં કારકિર્દી બનાવી.
બર્ડને તેમની અમ્પાયરિંગ કારકિર્દી માટે જ સૌથી વધુ યાદ કરવામાં આવે છે. તેમણે 66 ટેસ્ટ મેચ અને 69 વન-ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું હતું, જેમાં ત્રણ વર્લ્ડ કપ ફાઇનલનો પણ સમાવેશ થાય છે. તેમને ક્રિકેટ ઇતિહાસના સૌથી લોકપ્રિય અને સન્માનિત મેચ અધિકારીઓમાંના એક ગણવામાં આવે છે.
યોર્કશાયર કાઉન્ટી ક્લબે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "ક્રિકેટના સૌથી પ્રિય ચહેરાઓમાંના એક હવે આપણી વચ્ચે નથી. તેમને ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લોકપ્રિય મેચ અધિકારીઓમાંના એક તરીકે યાદ કરવામાં આવશે."
ડિકી બર્ડનું નિધન ક્રિકેટ જગત માટે એક મોટી ખોટ છે. તેમનું યોગદાન અને વારસો હંમેશા યાદ રહેશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
