<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

કોલકાતામાં અતિ ભારે વરસાદના પગલે મૃત્યુ આંક ૧૦ થયો: મમતા બેનર્જીએ ડીવીસી અને સીઈએસસી પર દોષ મૂક્યો

બે દિવસ પછી ૨૫ સપ્ટેમ્બર આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડી પર બીજું નીચું દબાણ વિકસિત થવાની શક્યતા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં અતિ ભારે વરસાદને કારણે શહેરમાં વ્યાપક પાણી ભરાવાનું અને ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિઓના મોત થયા છે. મોટા ભાગના મોત વીજળીના શોકથી થયા છે, બંગાળની ખાડી પરના નીચા દબાણ વિસ્તારને કારણે આ વરસાદ થયો, જેના કારણે શહેરના મોટા ભાગમાં પાણી ભરાઈ ગયું અને દુર્ગા પૂજા તહેવારની તૈયારીઓને ફટકો પડ્યો છે

 

મુખ્યમંત્રી મમતા બાનર્જીએ દામોદર વેલી કોર્પોરેશન (ડીવીસી) અને કોલકાતા વીજળી વિતરણ કંપની સીઈએસસીને જવાબદાર ઠેરવ્યા છે અને પીડિતોના પરિવારોને પાંચ લાખ રૂપિયાનું વળતર તથા નોકરીની ખાતરી આપી છે.

કોલકાતામાં ૨૪ કલાકમાં ૨૫૧.૪ મિમી વરસાદ પડ્યો, જે સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો સૌથી વધુ વરસાદના રેકોર્ડ છે – ૧૯૭૮ના ૩૬૯.૬ મિમી અને ૧૯૮૬ના ૨૫૯.૫ મિમી પછી.

 

શહેરના કેટલાક વિસ્તારોમાં આ આંકડો વધુ હતો; જેમ કે ગારિયા કમદાહારીમાં ૩૩૨ મિમી, જોધપુર પાર્કમાં ૨૮૫ મિમી, કાલીઘાટમાં ૨૮૦ મિમી અને ટોપસિયામાં ૨૭૫ મિમી વરસાદ નોંધાયો. આ વરસાદ બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમ ભાગ પરના નીચા દબાણ વિસ્તારથી થયો, જેના કારણે શહેરના દક્ષિણ ભાગમાં – ખાસ કરીને ગારિયા, જોધપુર પાર્ક, હોવરા અને સીલડા સ્ટેશન વિસ્તારોમાં – ઘૂંટણથી કમર સુધીના પાણીનો ભરાવો થયો. મેટ્રો સેવા બંધ રહી, જ્યારે ૯૦ કરતા વધુ ફ્લાઇટ્સ રદ્દ થઈ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાને કારણે વિલંબ થયો. મમતાએ દોસ્ત નો ટોપલો સીઈએસસી પર ઢોળતા એક્સ (ટ્વિટર) પર લખ્યું, "આ અણધારી વરસાદને કારણે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. ડીવીસીના એકતરફી પાણી છોડવાથી નદીઓ અને ખાડા ભરાઈ ગયા હતા, અને ફરક્કા બંધારા પાસે બિહાર-ઉત્તર પ્રદેશમાંથી આવતા પાણીની અને નદીઓની કાપણીના અભાવને કારણે સ્થિતિ વધુ બગડી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, આ નીચા દબાવ વિસ્તારથી ઓડિશાના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

 

વધુમાં, બે દિવસ પછી ૨૫ સપ્ટેમ્બર આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડી પર બીજું નીચું દબાણ વિકસિત થવાની શક્યતા છે.

 

આઈએમડીના આગાહી મુજબ, ૨૪ સપ્ટેમ્બરે મોટેભાગે વાદળછાયું આકાશ, વરસાદ, વીજળીની કાજવીજ અને પવનના સુસવાટા (૩૦-૪૦ કિમી/કલાક) રહેશે. જ્યારે ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે વધુ તીવ્ર વરસાદ અને ગાજવીજની આગાહી છે, જે દુર્ગા પૂજા તહેવારને અસર કરી શકે. તાપમાન ૩૨-૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે, જ્યારે લઘુત્તમ ૨૬-૨૭ ડિગ્રી રહેશે. સ્થાનિક અધિકારીઓએ શાળા અને અન્ય ઇમારતોમાં આશરોની વ્યવસ્થા કરી છે અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી છે. મેયરે જણાવ્યું કે, જો વધુ વરસાદ ન પડે તો સાંજ સુધીમાં પાણી ઉતરી જશે.

 

પશ્ચિમ બંગાળ-ઓડિશા કાંઠાના માછીમારોને ૨૭ સપ્ટેમ્બર સુધી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ત્યાં ખરાબ હવામાન રહેશે.

(11:07 PM IST)