<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

છાતી પર ૨૧ સજળ કળશ રાખીને નવરાત્રિના તમામ દિવસ નિર્જળા ઉપવાસની ઘોર તપસ્‍યા

નવરાત્રિ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાંથી તેઓ વ્રત શરૂ કરે છે

પટના,તા.૨૪: પટનામાં શરદ નવરાત્રિના આરંભની સાથે નૌલખા મંદિરમાં બાબા નાગેશ્વરની તપસ્‍યા પણ શરૂ થઈ ગઈ છે. તેઓ છેલ્‍લાં ૨૯ વર્ષથી અનોખી પરંપરા નિભાવી રહ્યા છે. તેઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને છાતી પર ૨૧ કળશ સ્‍થાપિત કરીને નવરાત્રિના તમામ દિવસ એ જ સ્‍થિતિમાં માતાજીની આરાધનામાં લીન રહે છે. નૌલખા મંદિરમાં માતાજીનાં દર્શન કરવા આવનારાઓ માના આ અનોખા ભક્‍તને પણ નમન કરે છે.  ૬૪ વર્ષના બાબા નાગેશ્વર આ મંદિરના પૂજારી છે. તેમનું કહેવું છે કે ૨૯ વર્ષ પહેલાં તેમણે નવરાત્રિ દરમ્‍યાન એક કળશ છાતી પર રાખીને ઉપવાસ કરવાનું શરૂ કર્યું હતું. દર વર્ષે એક-એક વધારતાં જઈને તેમની સાધના ૨૧ કળશ સુધી પહોંચી. એ પછીથી તેમણે દર વર્ષે ૨૧ કળશ લઈને નિર્જળા ઉપવાસ સાધના કરી છે. ખાસ વાત એ છે કે આ કળશ ખાલી નહીં, પાણીથી ભરેલા હોય છે એટલે એનું વજન લગભગ ૫૦ કિલો જેટલું થઈ જાય છે.

નવરાત્રિ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાંથી તેઓ વ્રત શરૂ કરે છે. ધીમે-ધીમે તેઓ અન્ન-જળનો ત્‍યાગ કરે છે. નવરાત્રિના બે દિવસ પહેલાંથી તેઓ ખાવા-પીવાનું છોડી દે છે એટલે નવરાત્રિ દરમ્‍યાન ન તો તેમને ભૂખ લાગે છે ન તરસ. શૌચાલય પણ જવું નથી પડતું. નવરાત્રિ પૂરી થાય એ પછી પાણી અને દશેરા પછી ભોજન ગ્રહણ કરે છે. 

(9:14 AM IST)