<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

પીએમ મોદીનો મોર્ફ ફોટો શેર કર્યો તો ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતાને જાહેરમાં સાડી પહેરાવી દીધી

વિડીયો વાયરલ થયો

 

થાણે તા.૨૪: થાણેના ડોંબિવલીમાં ભાજપ પાર્ટીના નેતાઓએ કોંગ્રેસના એક સિનિયર કાર્યકર્તાને જાહેરમાં બળજબરી સાડી પહેરાવી હતી. ત્‍યાર બાદ કલ્‍યાણ અને ડોંબિવલીના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી છે. કોંગ્રેસના વૃદ્ધ નેતાનું નામ પ્રકાશ પગારે ઉર્ફ મામા પગારે છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે મામા પગારેએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો એક મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેની સાથે એક ગીત પણ હતું. આ તસવીર બાદ ભાજપના નેતાઓ ગુસ્‍સે થઈ ગયા હતા અને તેમણે મામા પગારેને બળજબરી સાડી પહેરાવી દીધી. આ દરમિયાન ભાજપના નેતા વૃદ્ધને કહી રહ્યા છે કે તારી ઔકાત છે શું? પીએમ પર ટિપ્‍પણી કરવાની, ત્‍યાર બાદ વૃદ્ધ નેતા સાડી પહેરવાની ના પાડે છે, બાદમાં તેમને બળજબરીપૂર્વક સાડી પહેરાવવામાં આવે છે.

આ દરમિયાન પ્રકાશ પગારેએ પહેલા વિરોધ કર્યો અને કહ્યું કે, તમે લોકો આ શું કરી રહ્યા છો, પણ ભાજપ કાર્યકર્તાઓએ તેમનો હાથ પકડી બળજબરીપૂર્વક સાડી પહેરાવી દીધી. બાદમાં વીડિયોમાં જોવા મળ્‍યું કે અમુક કાર્યકર્તાઓએ તેમના ગાલને થપથપાવા લાગ્‍યા અને પછી આ લોકો અહીંથી નીકળી ગયા.

ભાજપના કલ્‍યાણ જિલ્‍લાધ્‍યક્ષ નંદૂ પરબે કહ્યું કે પ્રધાનમંત્રીની આ રીતે મોર્ફ કરેલી તસવીર અપમાનજનક અને અસ્‍વીકાર્ય છે. તેમણે ચેતવણી આપી કે જો ફરી વાર આવો પ્રયાસ થયો તો ભાજપ વધારે મજબૂતીથી જવાબ આપશે.

તો વળી કોંગ્રેસે ભાજપની આ કાર્યવાહીની નિંદા કરી. કલ્‍યાણ કોંગ્રેસ અધ્‍યક્ષ સચિન પોતેએ કહ્યું કે, ભાજપ ઈચ્‍છતી તો પ્રકાશ પાંગરે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી શકતા હતા, પણ આ પ્રકારનો વ્‍યવહાર નિંદનીય છે.(૩૮.૪)

(9:37 AM IST)