<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

વિપક્ષ નહિ, ગુજરાતમાં શાસક બનવાનો જ ધ્યેયઃ ઇટાલિયા

‘આપ'ના ધુંઆધાર નેતા-ધારાસભ્‍ય ગોપાલભાઇ ‘અકિલા'ની મુલાકાતે : ગુજરાતમાં લોકોએ વધારે પડતું સહન કરી લીધું હવે આત્‍માને જગાડોઃ ત્રીસ વર્ષથી ગુજરાત વિપક્ષ વિહોણું, કોંગ્રેસ ભાજપને જીતાડવા મદદ કરે છેઃ વિસાવદરવાળી સૂત્ર લોકોએ આપ્‍યું છેઃ આપ અન્‍યાય સામે લડત આપશે અને લોકોનો વિશ્‍વાસ જીતીને ઉતમ શાસન આપશેઃ ગોપાલભાઇ

ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયા સાથે ‘‘આપ''ના અગ્રણીઓ અજીતભાઇ લોખીલ, દિલીપસિંહ વાઘેલા, દિનેશભાઇ જોશી વગેરે નજરે પડે છે. (ત.સં.બ.)

રાજકોટ તા.૨૪: આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષનો વિકલ્‍પ બનવા નહિ, શાસક બનવા મેદાનમાં આવી છે.  આ શબ્‍દો વિસાવદરના ધારાસભ્‍ય અને યુવા આઇકોન નેતા ગોપાલ ઇટાલિયાના છે.

ગોપાલભાઇ ‘‘અકિલા''ની મુલાકાતે  આવ્‍યા હતા. તેઓએ સંગઠનથી માંડીને રણનીતિ સુધીની વાતો કરી હતી. શ્રી ઇટાલિયાએ ગુજરાતમાં વિપક્ષ જેવું કંઇ નથી. કોંગ્રેસના નેતાઓ ભાજપને જીતાડવાનું કામ કરે છે. કોઇ રાજકીય પડકારના અભાવે ગુજરાતમાં ભાજપ બેજવાબદાર અને બેફામ બની ગયા છે. શ્રી ઇટાલિયાએ જણાવ્‍યું હતું કે ભાજપના નેતાઓ અહંકારી-અભિમાની બની ગયા છે. તેઓએ મુલાકાતમાં આક્ષેપો કર્યા હતા કે ભાજપનો વિજય વોટ ચોરીથી થાય છે. દિલ્‍હીમાં પણ વિધાનસભાની ચૂંટણી ભાજપ વોટચોરીથી જીત્‍યો હતો. આ સમયે કોંગ્રેસે મજા લીધી હતી, હવે કોંગ્રેસ મજા લીધી હતી, હવે કોંગ્રેસ આ મુદે વિરોધ કરે છે.

ગોપાલભાઇએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં લોકોએ વધારે પડતું સહન કર્યુ છે. જીવન સહન કરવા માટે નથી હોતું ગુજરાતમાં પ્રાથમિક સુવિધાથી માંડીને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અસહનીય બની છે.ભાજપે લોકોનો વિશ્‍વાસ તોડયો છે. લોકોએ આવા શાસકોને સહન કરવાની જરૂર નથી. જીવન પરેશાની ભોગવવા માટે નથી હોતું આત્‍માને જગાડો. જવાબદાર અને સક્ષમ લોકોને તક આપો

શ્રી ઇટાલિયાએ જણાવ્‍યું હતું કે, આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જન-જન સુધી પહોંચવાની સ્‍ટ્રોંગ રણનીતિ ઘડી છે. આગામી તાલુકા પંચાયત, અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પક્ષ એકલા હાથે લડશે. આ માટે ગામે ગામ જનસભાઓના આયોજનો ચાલે છે. અત્‍યાર સુધીમાં ૧૦૦૦ સભાઓ થઇ ગઇ છે. અત્‍યાર સુધીમાં અઢી લાખ લોકોનો સીધો સંપર્ક પક્ષ કરી ચૂકયો છે. ગુજરાભરના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે.

ગોપાલભાઇએ કહ્યું હતું કે વિસાવદરવાળી થશે. આ સૂત્ર લોકોએ  જ ગુજરાતભરમાં પ્રચલિત કરી દીધું છે. ભાજપને તેના કર્મો જ ભારે પડી રહ્યા છે. દારૂ-ડ્રગ્‍સ જેવા નશા ગુજરાતમાં છવાઇ ગયા છે. લોકોના સામાન્‍ય અને રીયલ કામો પણ પૈસા આપ્‍યા વગર થતા નથી. કોઇ વિરોધ કરે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. માર્ગોના ઠેકાણા નથી અને ટ્રાફિકના નિયમોનું પાલન માત્ર દંડ વસુલવા માટે જ થાય છે . લોકો ત્રસ્‍ત થઇ ગયા છે.

ગુજરાતની આ અવદશાનો વિરોધ આમ આદમી પાર્ટી એ સડકથી સંસદ સુધી કાર્યો છે અને કરે છે શિક્ષણ-આરોગ્‍ય, પ્રાથમિક સુવિધાઓ તથા કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વગેરે અંગે લડત આદરી છે.

ગુજરાતમાં પક્ષ પલટા અંગે ગોપાલભાઇએ જણાવ્‍યું હતુ કે પૂર આવે તેમાં કચરો તણાઇ જાય અમે તો સામા પૂરે તરનારા તરવૈયા છીએ. લોકોને થતા અન્‍યાય સામે લડત આપીને લોકોનો વિશ્‍વાસ જીતીને ગુજરાતમાં શ્રેષ્‍ઠ શાસન આપીશું.

ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ નથી, બેની લડાઇ

રાજકોટ તા.૨૪: ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જ જંગ છે, ત્રિપાંખિયો જંગ નથી. કોંગ્રેસ કયાય ચિત્રમાં નથી, આવું કહીને ગોપાલભાઇએ જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ ભાજપને જીતાડવવા જ મેદાનમાં આવે છે એ હવે લોકોને પણ ખ્‍યાલ આવી ગયો છે. આમ આદમી પાર્ટી સત્તા પ્રાપ્ત કરવા જ મેદાનમાં આવી છે.

કોન્‍સ્‍ટેબલથી ધારાસભ્‍ય

રાજકોટ તા.૨૪: વિસાવદરમાં વિજય પામીને ગોપાલભાઇ ઇટાલિયાએ ગુજરાતની રાજનીતિને ખળભળાવી દીધી છે. વિસાવદરવાળી થશે સૂત્ર ગુજરાતભરમાં ગુંજવા લાગ્‍યું છે. ગુજરાતમાં ચર્ચાસ્‍પદ બનેલા ગોપાલ ઇટાલિયાની કારકિર્દી રોમાંચક રહી છે. તેઓ પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે સેવારત હતા. પાટીદાર આંદોલનમાં રંગેચંગે ભાગ લીધો હતો. ગૃહપ્રધાન પર પગરખું ફેંકવાનો કથિત ઘટનામાં ચર્ચાસ્‍પદ બન્‍યા હતા. ગોપાલભાઇએ નોકરીમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટી જોઇન્‍ટ કરી હતી. પ્રદેશ પ્રમુખ પણ બન્‍યા હતા. તાજેતરમાં વિસાવદર ધારાસભ્‍યની પેટા ચૂંટણીમાં વિજયી બનીને સપાટો બોલાવ્‍યો હતો. તેઓ કહે છે કે, ભાજપે પૂરી તાકાત લગાવી હતી, છતાં લોકોએ આપને મત આપ્‍યા હતા.

વિસાવદરવાળી શબ્‍દ લોકોએ આપ્‍યો

રાજકોટ તા.૨૪: ગુજરાતભરમાં લોકોને અન્‍યાય થાય તો ત્રસ્‍ત લોકો વિસાવદરવાળી કરવા ધમકી આપે છે. આ સૂત્ર-શબ્‍દ લોકોએ આપ્‍યું છ ેતેમ કહીને ગોપાલભાઇએ જણાવ્‍યું હતું કે લોકોની આવી વાત સાંભળીને ભાજપના નેતાઓ પરેશાન થઇ. જાય.

(3:02 PM IST)