હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવા ૧૭ તાલુકાઓ રચવાની ગતિવિધિ ચૂંટણી પાછી ઠેલાવાની શકયતા
કેબીનેટ બેઠકમાં નવા ૧પ થી ૧૭ તાલુકાઓ બનાવવાની ચર્ચા થયાના વાવડઃ લાગુ પડતા વિસ્તારોમાં નવુ સીમાંકન થવાના સંજોગો

રાજકોટ, તા. ર૪: રાજયમાં હાલ રપ૧ તાલુકાઓ છે તેમાં વધારો થઇ શકે છે ૧૭ જેટલા નવા તાલુકાઓની રચના માટે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટ બેઠકમાં ચર્ચા થયાના અહેવાલ છે. સરકાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વે જ નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરી શકે છે.
જો નવા તાલુકાઓની રચના થાય તો નવા સીમાંકન સહિતની કામગીરી કરવી જરૂરી બને. જાન્યુઆરી-ફેબ્રુઆરી ર૦ર૬ માં પાલિકા-પંચાયતની ચૂંટણી આવવા પાત્ર છે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવે તો લાગુ પડતા તાલુકા-જિલ્લા પંચાયતોની અથવા તમામ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી પાછી ઠેલાઇ અને અમુક સમય માટે સબંધિત પંચાયતોમાં વહીવટકાર શાસન આવે તેવી શકયતા રાજકીય વર્તુળો નકારતા નથી.
જાણવા મળેલ માહિતી મુજબ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે ૧૫થી ૧૭ નવા તાલુકાઓની રચના થઈ શકે છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઇ શકે છે. તેનાથી રાજકીય અને ભૌગોલિક સમીકરણો પર અસર થશે.
વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો કરશે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. તેવુ સરકારી સૂત્રોનું કહેવુ છે.
જો આ નિર્ણય અમલમાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા તાલુકાઓ અને અમુક નગરપાલિકાઓની રચના અંગે સરકારના નિર્ણય તરફ પંચાયતના વર્તુળોની મીટ છે.(૬.૧પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
