<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

લદાખમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ચાર લોકોના મોત અને 50 થી વધુ ઘાયલ થયા

પ્રદર્શનકારીઓ હિંસક બનતા પોલીસ પર પથ્થરમારો કર્યો: પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો.

લદ્દાખમાં અલગ દરજ્જાની માંગણી સાથે મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી. વિરોધ પ્રદર્શન દરમિયાન ચાર લોકોના મોત થયા અને 50 થી વધુ ઘાયલ થયા. પ્રદર્શનકારીઓ હિંસક બનતા, તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના કારણે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. 

પ્રદર્શનકારીઓ લદ્દાખ માટે અલગ દરજ્જાની માંગ કરી રહ્યા હતા. સોનમ વાંગચુક પણ ભૂખ હડતાળ પર હતા. હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. સાંજ સુધીમાં, તેમણે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, લેહ એપેક્સ બોડી (LAB) ની યુવા પાંખે 10 સપ્ટેમ્બરથી 35 દિવસની ભૂખ હડતાળનું એલાન કર્યું હતું. હડતાળ દરમિયાન 15 લોકોમાંથી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, અને આ બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

વાંગચુકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુવાનોમાં હતાશા વધી રહી છે કારણ કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોનું કોઈ પરિણામ નથી આવી રહ્યું. હિંસાએ એક જ દિવસમાં આપણા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવી દીધા, અને એવું લાગે છે કે તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે. અહીંના રાજકીય પક્ષો અસમર્થ છે અને યુવાનોને માર્ગદર્શન આપવાની ક્ષમતાનો અભાવ ધરાવે છે. લોકો ગુસ્સે છે.

  લદ્દાખમાં વિરોધ પ્રદર્શ અંગે ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર લદ્દાખમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે લદ્દાખમાં રમખાણો ભડકાવનાર વ્યક્તિ ફુન્ટસોગ સ્ટેનઝિન ત્સેપાગ છે, જે અપર લેહ વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર છે. તે ભીડને ઉશ્કેરતા અને ભાજપ કાર્યાલય અને હિલ કાઉન્સિલને નિશાન બનાવતી હિંસામાં ભાગ લેતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. શું રાહુલ ગાંધી આવી જ અશાંતિની કલ્પના કરી રહ્યા છે?

 

(9:43 PM IST)