<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી

આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધઃહવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ૬ ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે

લદ્દાખ, તા.૨૪

લદાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિ સામેલ કરવાની માંગ મુદ્દે મંગળવારે ભારે હિંસા અને અથડામણ થવાની ઘટનામાં ચાર લોકોના મોત અને ૭૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બન્યા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલીક અસરથી વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જારી કરાયેલા આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જાહેર શાંતિનો ભંગ કરવા જેવા અથવા કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો થઈ શકે તેવા વાંધાજનક નિવેદન આપવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે, જો તેનું ઉલ્લંઘન થશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

લદાખમાં ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૃપ ધારણ કરતાં ચાર લોકોના મોત અને ૭૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેહમાં બુધવારે બંધ અને વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યાલયમાં આગ ચાંપવામાં આવી હતી અને ઘણા વાહનોને પણ સળગાવાયા હતા. પોલીસે જણાવ્યું કે, કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો અને સુરક્ષા દળો પર હુમલો કરતાં ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસા વચ્ચે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે ૧૫ દિવસ બાદ ઉપવાસ તોડ્યો છે અને યુવાનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'કોઈપણ પ્રકારની હિંસા કરવાથી અને આંગ ચાંપવાની ઘટનાઓ ઊભી કરવાના કારણે આંદોલનની નૈતિકતા નબળી પડી શકે છે. હું તમામ યુવાઓને હિંસા ન કરવા માટે અપીલ કરું છું. હું મારો ઉપવાસ ખતમ કરી રહ્યો છું અને તંત્રને પણ ટિયર ગેસના સેલ ન છોડવા કહી રહ્યો છું. કોઈ પણ ભૂખ હડતાળ ત્યાં સુધી સફળ નથી, જ્યાં સુધી સંઘર્ષમાં કોઈનો જીવ જાય.'

લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી ન થવાના કારણે આ આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણીઓને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ૬ ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે.

(10:01 PM IST)