પંજાબના બે ભાઈઓની હૃદયદ્રાવક કહાની: લેન્ડિંગ ગિયરમાં છુપાઈને લંડન જવાનો પ્રયાસ, એક ભાઈનું મોત, બીજો બચ્યો, '6 વર્ષ ડિપ્રેશનમાં રહ્યો'
પ્રદીપ હાલ યુકેમાં રહે છે અને લંડનના હીથ્રો એરપોર્ટ પર કામ કરે છે. આ ભાઈઓની કહાની બતાવે છે કે ગરીબી અને વિદેશ જવાની ઝંખના અતિ જોખમી નિર્ણયો લેવા કરી શકે છે મજબૂર

નવી દિલ્હી: હાલમાં અફઘાનિસ્તાનના એક 13 વર્ષીય છોકરાની કહાની ચર્ચામાં છે, જે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો હતો. આ ઘટનાએ 1996ની એક જૂની અને હૃદયદ્રાવક કહાનીને ફરી જીવંત કરી દીધી છે, જેમાં પંજાબના બે ભાઈઓએ કંઈક આવું જ સાહસ કર્યું હતું, પરંતુ તેની કિંમત એકનું મૃત્યુ બની હતી.
લેન્ડિંગ ગિયરનો ખતરનાક પ્રવાસ
આ વાત 1996ની છે, જ્યારે પંજાબના પ્રદીપ સૈની (23) અને તેમના નાના ભાઈ વિજય સૈની (19) એ દિલ્હીથી લંડન ભાગી જવા માટે બ્રિટિશ એરવેઝના વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈ જવાનો અકલ્પનીય નિર્ણય લીધો હતો. 10 કલાકની આ ખતરનાક મુસાફરીમાં તાપમાન -60°C સુધી નીચું જતું હોય છે અને ઓક્સિજનની પણ ભારે કમી હોય છે.
એક બચ્યો, બીજાનું મૃત્યુ
આ ભયાનક યાત્રામાં પ્રદીપ સૈની ચમત્કારિક રીતે બચી ગયો, પરંતુ લંડન પાસે પહોંચતા જ વિમાનમાંથી વિજય નીચે પડી ગયો અને હાઇપોથર્મિયાને કારણે તેનું મૃત્યુ થયું. આ દુર્ઘટનાએ પ્રદીપને ઊંડા આઘાતમાં મૂકી દીધો. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પોતાના ભાઈના મૃત્યુ બાદ છ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. તેણે કહ્યું, "જો બંને મૃત્યુ પામ્યા હોત અથવા બંને બચી ગયા હોત, તો વાત અલગ હોત. પરંતુ મારો નાનો ભાઈ, મારો મિત્ર, મને છોડી ગયો."
પ્રદીપ હાલ યુકેમાં રહે છે અને લંડનના હીથ્રો એરપોર્ટ પર કામ કરે છે. આ બંને ભાઈઓની કહાની બતાવે છે કે ગરીબી અને વિદેશ જવાની ઝંખના માણસને કેવા અતિ જોખમી નિર્ણયો લેવા મજબૂર કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
