<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

વાહ આને કહેવાય સંબંધઃ સાસુએ પોતાની કિડની આપી વહુનો જીવ બચાવ્‍યો, સગી માએ ના પાડી દીધી

લખનઉમાંથી સાસુ-વહુના સંબંધની મિસાલ રજૂ કરતી ભાવુક ઘટના સામે આવી

લખનઉ તા.૨૫: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી સાસુ-વહુના સંબંધની મિસાલ રજૂ કરતી ભાવુક ઘટના સામે આવી છે. અહીં એટાની રહેવાસી એક મહિલાએ પોતાની વહુને કિડની દાનમાં આપીને તેની જિંદગી બચાવી લીધી છે. આ સાચી ઘટના અલીગંજ વિસ્‍તારના રામનગરની છે. સાસુએ કહ્યું કે, પૂજા તેમની વહુ નહીં દીકરી છે. કથિત રીતે સાસુએ પૂજાનો સાથ ત્‍યારે આપ્‍યો, જ્‍યારે તેની સગી માએ કિડની આપવાની ના પાડી દીધી.

હકીકતમાં જોઈએ તો, ફર્રુખાબાદની રહેવાસી પૂજાના લગ્ન નવેમ્‍બર ૨૦૨૩માં એટાના અશ્વિની પ્રતાપ સિંહ સાથે થયા હતા. ફેબ્રુઆરીમાં પૂજાએ દીકરીને જન્‍મ આપ્‍યો, પણ ડિલિવરી દરમ્‍યાન પેટમાં ગંભીર સંક્રમણ ફેલાઈ ગયું. તેનાથી પૂજાની બંને કિડનીઓ ૭૫ ટકા સુધી ખરાબ થઈ ગઈ.

પરિવાર સારવાર માટે કાનપુરથી લઈને કેટલીય હોસ્‍પિટલમાં ધક્કા ખાધા, પણ ફાયદો થયો નહીં. આખરે પૂજાને લખનઉની ડો. રામ મનોહર લોહિયા હોસ્‍પિટલમાં રેફર કરી. આરએમએલના ડોક્‍ટરે જણાવ્‍યું કે પૂજાનો જીવ બચાવવા માટે કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ છેલ્‍લો વિકલ્‍પ છે.

ત્‍યારે આવા સમયે સાસુ બીનમ દેવી આગળ આવ્‍યા, તેમનું બ્‍લડ ગ્રુપ મેચ થયું અને તેમણે પોતાની કિડની દાન કરી દીધી. ૧૩ સપ્‍ટેમ્‍બરના રોજ આરએમએલમાં સફળ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યું. હવે પૂજા એક વર્ષ સુધી ડોક્‍ટરની દેખરેખમાં રહેશે. પરિવારના લોકો તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. સારી વાત એ છે કે પૂજાનો જીવ બચી જશે.

આ ઘટના બાદ પૂજાએ જણાવ્‍યું કે મારી સાસુના કારણે મારો જીવ બચ્‍યો છે. હવે હું મારી દીકરીને ખોળામાં લઈને રમાડી શકીશ. ઈશ્વર આવી સાસુ બધાને આપે. તો વળી બીજી તરફ સાસુ બીનમ દેવીએ કહ્યું કે, જ્‍યારે કોઈએ મદદ ન કરી, ત્‍યારે મેં મારી વહુને કિડની આપી અને આજે તે એકદમ ઠીક છે.

આ પોઝિટિવ વાતે સાસુ-વહુના સંબંધની મિસાલ રજૂ કરી છે. લોકોએ સાસુમાંથી મા બનેલી બીનમ દેવીના વખાણ કર્યા છે. 

(9:52 AM IST)