News of Thursday, 25th September 2025
આઇટીસઆરની વિગતો અને એએસ ૨૬નો ટાંગામેળ ન થતા રિફંડમાં વિલંબ
સરકાર અને કરદાતાના ડેટા મેચ થઇ રહ્યા નથી કેપિટલ ગેઈન, બિઝનેસ ઈનકમ, વિદેશી સંપત્તિ અથવા વધારે પ્રમાણમાં ડિડક્શન થયા હોય તેવા કિસ્સામાં રિફંડ આપવામાં થઈ રહેલો વિલંબ

મુંબઇ તા.૨૫: કેપિટલ ગેઈન, બિઝનેસ ઈનકમ, વિદેશી સંપત્તિ અથવા વધારે પ્રમાણમાં ડિડક્શન થયા હોય તેવા કિસ્સામાં રિફંડ આપવામાં થઈ રહેલો વિલંબ અનેક કરદાતાઓએ સમય પહેલાં તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભર્યા હોવા છતાં હજુ સુધી રિફંડ મળ્યું નથી. તેમાંય ખાસ કરીને જેઓએ જૂનમાં જ રિટર્ન ભર્યું હતું તેઓને સપ્ટેમ્બર અંત સુધી રાહ જોવી પડી રહી છે. આ પરિસ્થિતિ પહેલાથી રિટર્ન ફાઈલ કરનારા અનેક કરદાતાઓને ભોગવવી પડી રહી છે.
રિફંડમાં થઈ રહેલા વિલંબનું કારણ આપતા વેરાના નિષ્ણાતો કહે છે કે મુખ્યત્વે વધારાની ચકાસણી અને ચુસ્ત સ્કૂટિનીને પરિણામે રિફંડ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમાંચ જે કરદાતાઓનું રિફંડ મોટું હોય, તેમ જ તેમના ડિડક્શન વધારે હોય અથવા તો જેમણે ટીડીએસ કરવામાં વિશેષ છૂટ માગી હોય તેવા કરદાતાઓના રિફંડમાં વિલંબ થઈ રહ્યો છે.
તેમના TDSના સરકાર પાસે ઉપલબ્ધ ડેટા અને કરદાતાએ તેમના રિટર્નમાં દર્શાવેલી ટીડીએસના ડેટા એકબીજા સાથે મેચ થતાં નથી. કરદાતાના બેંક ખાતાની વિગતો વ્યવસ્થિત ન હોવાને કારણે તેમ જ ઈ-વેરિફિકેશન કરવામાં વિલંબ થયો હોવાથી પણ રિફંડ અટક્યું હોવાની શક્યતા રહેલી છે. નોકરિયાતોના પગારવાળા રિટર્ન સામાન્ય રીતે બેથી પાંચ અઠવાડિયામાં પ્રોસેસ થઈ જાય છે. પરંતુ તેમાં કેપિટલ ગેઈન, બિઝનેસ ઇનકેમ, વિદેશી સંપત્તિ અથવા વધારે પ્રમાણમાં ડિડક્શન થયા હોવાનું જોવા મળે છે તેવા કેસોમાં રિફંડ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમાંય ખાસ કરીને જૂની કરપદ્ધતિ હેઠળ મોટા ડિડક્શન કરનારાઓ, સ્વરોજગારી ધરાવતા વ્યાવસાયિકો, બિન નિવાસી ભારતીયો અને વિદેશી સંપત્તિ દર્શાવનારાઓને વધુ ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેમના રિફંડ પણ વિલંબમાં પડી રહ્યા છે. ફોર્મ ૨૬ એએસ અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની વિગતો એકબીજા સાથેના મેળમાં ન હોય તેવા સંજોગોમાં પણ રિફંડ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. પાનકાર્ડ-પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ અને બેન્ક કાર્ડને અગાઉથી લિન્ક ન કરાવ્યું હોય તેવા કરદાતાઓના રિફંડમાં પણ મોડું થઈ રહ્યું છે. આવકવેરા કચેરીઓમાં રાજસ્ટર્ડ થયેલા કરદાતાઓની સંખ્યા ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૩.૪૯ કરોડની છે. તેમાંથી આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ના રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા ૭.૫૮ કરોડની છે. હજી સુધી ૯.૮૭ કરોડ રિટર્નની ચકાસણી કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સીપીસી-સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં પ્રોસેસ થઈ ગયા હોય તેવા રિટર્નની સંખ્યા ૫.૦૧ કરોડની છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
