<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

લોકોનાં ચહેરા પર સ્‍મિત આવે એજ મારો એવોર્ડઃ પ્રીત કામાણી : જુઓ વિડિયો

રાજકોટનાં યુવા અભિનેતા પ્રીત કામાણીની ફિલ્‍મ ‘હીર એકસપ્રેસ' ધૂમ મચાવે છે : *ગુજરાતનાં દિલમાં વસવા એક ગુજરાતી ફિલ્‍મ કરવી છે * હું પૈસા કમાવવા આ ક્ષેત્રમાં નથી મને ઇશ્વરનું વરદાન છે * મારા હ્‍દયને સ્‍પર્શે તેજ ફિલ્‍મો કરવી છે * મારા પિતા હરેન કામાણીએ મને સંબંધોની મૂડી આપી છે : મોબાઇલ યુગમાં એકબીજાને સાંભળવા-સમજવા જરૂરીઃ પ્રીત કામાણી

હાલ સિનેમા ઘરમાં ધૂમ મચાવતી ફિલ્મ હીર ઍકસપ્રેસના હિરો અકિલાનાં મહેમાન બન્યા હતા. ત્યારે અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હિરો પ્રીત કામાણી અને તેનાં પિતા હરેનભાઇ કામાણી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર: સંદિપ બગથરિયા

રાજકોટ, તા. રપઃ તાજેતરમાં થિયેટરમાં ધૂમ મચાવનાર ફિલ્‍મ ‘હીર એકસપ્રેસ' માં હિરોની ભૂમિકા નિભાવનાર રાજકોટનો યુવા અભિનેતા પ્રિત કામાણી હાલ રાજકોટમાં છે અને આજે અકિલાના આંગણે મહેમાન બન્‍યા હતા. આજે હીર એકસપ્રેસ બીજા અઠવાડિયામાં ધૂમ મચાવી રહી છે. રાજકોટનો આ દિકરો બોલીવુડમાં પોતાની જગ્‍યા બનાવતો હીર એકસપ્રેસ સુધી પહોંચ્‍યો છે.

પ્રીત કામાણી એ જણાવ્‍યું હતું કે, ફિલ્‍મના ડાયરેકટર ઉમેશ શુકલા કે જેમણે ઓહ માય ગોડ, વન ઝીરો ટુ નોટ આઉટ જેવી ફિલ્‍મ બનાવી છે તેમણે મને ડિરેકટ કર્યો તે મારા માટે તક હતી અને ચેલેન્‍જ પણ હતી. તેમણે મારી ફિલ્‍મ મસ્‍કા નેટ ફિલ્‍કસ પર જોઇ હતી અને મને મળવા બોલાવ્‍યો અને તેમની ઓફિસમાં આવતાવેત તેમણે કહયું, તારી ચાલ પરથી જ કહી દઉં કે તું મારી ફિલ્‍મમાં હિરો છો.

હીર એકસપ્રેસમાં સહકલાકારો, આશુતોષ રાણા, સંજય મિશ્રા, ગુલશન ગ્રોવર સહિત તમામ કલાકારો અનુભવી હતા. જેથી મને ખુબ શીખવા અને જાણવા મળ્‍યું. આજે ફિલ્‍મો થિયેટરમાં બહું મુશ્‍કલથી આવે છે અને આવે છે તો ટકતી નથી તે સમયે આવી તક મળે તે મારા પરિવાર, રાજકોટનાં લોકો, મિત્રોના આર્શીવાદ ને સહકારથી શકય બન્‍યું છે.

પાંચ હિન્‍દી ફિલ્‍મો કર્યા પછી ગુજરાતી ફિલ્‍મ કરવાનો કોઇ વિચાર ખરો ? પ્રીત કામાણીએ કહયું કે, મેં મારા બા ને વચન આપ્‍યું હતું કે, એક ગુજરાતી કલાકાર તરીકે માતૃભાષામાં એક ફિલ્‍મતો આપીશ જ. ભાષા છે એ માત્ર માધ્‍યમ છે પણ તમારી સ્‍ટોરી કઇ છે તે અગત્‍યનું છે પણ રાજકોટ અને ગુજરાતનાં દિલમાં વસવા એક ગુજરાતી ફિલ્‍મતો કરવી જ પડશે અને તે સાબિત કરવું છે કે ગુજરાતી છોકરો બોલીવુડમાં સુપર સ્‍ટાર બની શકે છે. પ્રીત કહે છે, મારે લોકપ્રિયતા જોઇએ છે, પૈસા કમાવવા છે એટલે આ ક્ષેત્રમાં નથી પણ મને ઇશ્વરનું વરદાન મળ્‍યું છે કે મને કલા આપી છે મારા કામથી લોકોનાં ચહેરા પર સ્‍મિત આવે તેજ મારો એવોર્ડ હાલ રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં આયોજીત નવરાત્રીમાં સતત પ્રીત કામાણી ને આમંત્રણ મળે છે. હિન્‍દી ફિલ્‍મોમાં પસંદગીનાં પ્રોજેકટ કરતાં પ્રીત કામાણીએ જણાવ્‍યું કે, એકટર તરીકે અભ્‍યાસ નથી કર્યો પણ જીવનનાં અનુભવથી જ હું શિખ્‍યો છું. સારી ફિલ્‍મો જોઇને શિખ્‍યો છું. મારા હ્‍દયને સ્‍પર્શે તેજ ફિલ્‍મ કરવામાં મને રસ છે મારી પાસે ના પાડવાનું કોઇ લોજીક હોતું નથી. પરિવાર મને ખીજાય પણ જયારે હું કામ કરતો હૂં ત્‍યારે એ મહેનત મને મહેનત ન લાગે કારણ મારા હ્‍દયથી નકકી છે કે મારે આ કામ કરવું છે. મેં પરિવાર સાથે જોઇ શકાય તેવી ફિલ્‍મો કરી છે.

 આવનારી ફિલ્‍મો વિશે પ્રીત કામાણી એ જણાવ્‍યું કે, એક ફિલ્‍મ સુપર સ્‍ટાર સાથે આવી રહી છે જેનું એનાઉન્‍સમેન્‍ટ ટુંક સમયમાં થવાનું છે જયારે બીજી ફિલ્‍મ છે ‘બકરા ક્રિકેટ', જે ઉતરાખંડમાં નાનકડા ગામમાં શૂટ થઇ છે જે સત્‍ય હકીકત પર આધારીત છે જેમાં જીતનાર ટીમને એક બકરો મળે છે જેને ભગવાન માને છે લોકો. મારૂ પાત્ર લોકોને અંધવિશ્વાસ ન રાખવાનું સમજાવે છે. આ ફિલ્‍મ કોમેડી-ડ્રામા છે.

પ્રીત કામાણી લોકો વિના કંઇજ નથી તેમ કહેતા પ્રીતે કહયું કે, હું ફિલ્‍મનું પ્રમોશન કરવા નથી આવ્‍યો પણ રાજકોટનો-ગુજરાતનો છોકરો બોલીવુડમાં ફાઇટ કરે છે જેનાં તમે સાક્ષી બનો. મારે બધાના આશીર્વાદની જરૂર છે. ઘણી શોર્ટ ફિલ્‍મમાં મને પૈસા નથી લેતો પણ સારા કલાકાર જોઇતા હોય તેમનાં માટે કામ કરૂં છું. કાન્‍સ ફેસ્‍ટીવલમાં  આવી જ શોર્ટ ફિલ્‍મમાં મને તક મળેલી.

પ્રીત કામાણી કહે છે મારા પિતા હકીકતમાં એક સ્‍ટાર છે લોકો સંતાનોને મૂડી આપે પણ પિતાએ મને સંબંધોની મૂડી આપી છે. પ્રીત કામાણી સારૂ ગાય પણ છે ‘જાને વો કેસે લોગ થે જીનકે' ગીત ગાય ને પણ તેમણે સંભળાવ્‍યું હતું. યુવાનોને મેસેજ આપતા પ્રીત કામાણીએ કહયું કે આપણે આજે મોબાઇલમાં એટલા બધા ખોવાય ગયા છીએ કે એકબીજાને સમજતા સાંભળતા ભુલી ગયા છીએ. લોકોને આજે પ્રેમ આપવો જરૂરી છે.

રાજકોટને જરાય મીસ કરતો નથીઃ પ્રીત કામાણી

મુંબઇ ગયા પછી રાજકોટને કેટલું મીસ કરો છો? પ્રીત કામાણીએ જણાવ્‍યું કે, જરાય મીસ કરતો જ નથી. દર વર્ષે આવી જાઉ છું. પણ ખાસ નવરાત્રીમાં આવું છું. અમુક એવા મિત્રો છે જેને વર્ષમાં એકવાર તો  મળવાનું થાય જ. વધુમાં મારા કુળદેવતાનું મંદિર ગિર પાસે ચાપરડામાં આવેલું છે ત્‍યાં મારે આવવાનું થાય. મારા દેશથી ખુબ પ્રેમ છે. ગાંઠિયા- ચા પણ અહિં જેવા કયાંય મળતા નથી. આમ પણ જે સુરક્ષા- પ્રેમ ગુજરાતમાં મળે છે તે કયાંય નથી મળતા. મને ખૂબ ગર્વ છે કે હું એક જૈન કાઠિયાવાડી પરિવારનો છું. જયારે પણ શુટીંગમાં જાઉ ત્‍યારે ટીફીન ઘરેથી લઇ જાઉં અને બધાને જમાડુ છું
 

પ્રમાણિકતા, સંઘર્ષ અને સમર્પણને મેં જીવનમાં ઉતાર્યા છેઃ હરેનભાઇ કામાણી

વર્ષ ૨૦૦૧માં રાજકોટ છોડી હરેનભાઇ કામાણી મુંબઇ ગયા. તેઓ કહે છે, મારી કારકિર્દીના સાક્ષી પૂજય કિરીટકાકા છે જેમના આશીર્વાદથી હું આગળ વધ્‍યો છું. મુંબઇ ગયો એ પહેલા રાજકોટમાં પબ્‍લીસીટીમાં મારૂ સારૂ નામ હતું પણ ધીમે-ધીમે આર્થિક સંકળામણ વધી ત્‍યારે વિચાર્યું કે આટલી મહેનત પછી મારૂ ભવિષ્‍ય યોગ્‍ય નથી દેખાતુ તો એજ કારર્કિદી હું દીકરાને કઇ રીતે આપુ? મેં ફરી કારકિર્દી ઘડવાનો નિર્ણય કર્યો કારણ મને સંઘર્ષથી ડર નહોતો મારા શુભેચ્‍છકો, મિત્રો મારી સાથે હતા. ૨૦૦૧થી મુંબઇ પરિવાર સાથે ગયો. સંઘર્ષ કર્યો. બા નાં આશીર્વાદ સાથે હતાં. આજે મારા બંને બાળકો વેલ સેટલ્‍ડ છે. પ્રીતથી મોટી બહેન કેમીબેન છે જે મારવેલ સ્‍ટુડિયોમાં પ્રોજેકટ કરે છે. વીએફએકસ એકસપર્ટ છે. પ્રમાણિકતા, સંઘર્ષ અને  સમર્પણને મેં જીવનમાં ઉતાર્યા છે અને બાળકોને મૂડી રૂપે આપ્‍યા છે. આજે ૨૫ વર્ષે એક સ્‍થાન પર જઇ બેસી શકયો છું તેનો આનંદ છે.

 

(3:26 PM IST)