News of Friday, 26th September 2025
ચાંદીમાં બેકાબુ તેજી :ભાવ ૧,૪ર,૧૦૦ની નવી ટોચે
આજે ૧૧૦૦ રૂા. વધ્યા બાદ બપોરે ફરી ભાવ ૩૦૦ રૂા. ઘટીને ૧,૪૧,૮૦૦ રૂા. થઇ ગયા : બે દિ'માં ચાંદીમાં ૩૮૦૦ રૂા.નો તોતીંગ વધારો : ચાલુ માસમાં ચાંદીમાં ર૦,૫૦૦ અને સોનામાં ૧૧,પ૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો

રાજકોટ, તા. ૨૬ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીએ તરખાટ મચાવ્યો છે. આજે ૧૧૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવે ૧,૪ર,૧૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. જો કે બપોરે ૩૦૦ રૂા. ઘટી ચાંદીના ભાવ ૧,૪૧,૮૦૦ રૂા. થઇ ગયા હતા. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે ૧૧૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૪૧,૦૦૦ રૂા. હતા તે ૧૧૦૦ રૂા. વધીને આજે ૧,૪ર,૧૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી. જો કે બપોરે ર વાગ્યે ચાંદીમાં ૩૦૦ રૂા. ઘટી ગયા હતા અને ચાંદીના ભાવ ૧,૪૧,૮૦૦ રૂા. થયા હતા.
સતત તેજીને પગલે છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૩૮૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. ગઇકાલે સવારે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૩૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૪૧,૮૦૦ રૂા. થયા છે. જો કે સોનાના ભાવો આજે સ્થિર રહયા હતા. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧૬,૮૦૦ રૂા. રહયા હતા. ચાલુ માસે સોનામાં ૧૧,પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
વિશ્વ માર્કેટમાં ઇન્વેસ્ટરોમાં સોના કરતા ચાંદીનુ આકર્ષણ વધતા અને ઇન્ડસ્ટ્રીયલ માંગના કારણે ચાંદીમાં સતત ભાવવધારો થઇ રહયો છે. ચાલુ માસે ચાંદીમાં ર૦,પ૦૦ રૂપીયાનો જબ્બર ઉછાળો થયો છે. આગામી દિવસોમાં ચાંદીમાં હજુ પણ નવી સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૨)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
