<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

બરેલીમાં જુમ્માની નમાજ બાદ ભારેલો અગ્નિ: વિરોધ પ્રદર્શનના એલાન બાદ ભીડ બેકાબૂ બની

પોલીસ પર પથ્થરમારો: લાઠીચાર્જ અને ટીયર ગેસ: શહેરમાં કલમ ૧૪૪ લાગુ

ઉત્તર પ્રદેશના બરેલીમાં આજે શુક્રવારે જુમ્માની નમાજ બાદ 'આઈ લવ મુહમ્મદ' પોસ્ટર વિવાદને લઈને સ્થિતિ તંગ બની હતી. મૌલાના તૌકીર રઝાના વિરોધ પ્રદર્શનના એલાન બાદ એકઠી થયેલી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

 

વિગતવાર જોઈએ તો ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. 'આઈ લવ મુહમ્મદ' પોસ્ટર વિવાદના સંદર્ભમાં ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (આઈએમસી)ના વડા મૌલાના તૌકીર રઝાએ વિરોધ પ્રદર્શન અને ઈસ્લામિયા ગ્રાઉન્ડ ખાતે ધરણાનું એલાન કર્યું હતું. જોકે, પ્રશાસન દ્વારા આ કાર્યક્રમ માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી.

 

નમાજ બાદ, મૌલાના તૌકીર રઝાના આવાસ અને આલા હઝરત દરગાહ પાસે મોટી સંખ્યામાં લોકો 'આઈ લવ મુહમ્મદ' લખેલા બેનરો અને પોસ્ટરો સાથે એકઠા થવા લાગ્યા હતા. ભીડ ઈસ્લામિયા ગ્રાઉન્ડ તરફ કૂચ કરવા માંગતી હતી. પોલીસે બેરિકેડ લગાવીને ભીડને રોકવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. ટોળાએ ઉગ્ર નારાબાજી શરૂ કરી દીધી અને જોતજોતામાં પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો.

 

ઉપદ્રવીઓએ કેટલાક વાહનો અને દુકાનોમાં પણ તોડફોડ કરી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો. સ્થિતિ વણસતી જોઈને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. 

 

આ ઘટના બાદ બરેલીના કોતવાલી અને બારાદરી સહિતના અનેક વિસ્તારોમાં તણાવ ફેલાઈ ગયો હતો. બડા બજાર, કુતુબખાના અને સિવીલ લાઈન્સ જેવા મુખ્ય બજારોમાં દુકાનદારોએ ગભરાટના કારણે પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા.

 

પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળ્યો હતો. ડીઆઈજી અજય કુમાર સાહનીએ જણાવ્યું કે, "કેટલાક તોફાની તત્વોએ નારાબાજી કરી અને પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો અને કેટલાક તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે. આ એક પૂર્વ-આયોજિત ષડયંત્રનો ભાગ હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

 

હાલમાં, પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજીને શાંતિ જાળવવા અપીલ કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) સહિત ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વીડિયો ફૂટેજના આધારે તોફાનીઓને ઓળખીને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળે છે.

(10:17 PM IST)