News of Saturday, 27th September 2025
સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિમીના રૂટ પર દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન
અમદાવાદથી મુંબઈ જેવા બે મોટા શહેરો વચ્ચેનું અંતર કાપવામાં માત્ર 2 કલાક અને 7 મિનિટ જ લાગશે: કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી

મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી 4 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની આશા સેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મનાતી બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે, તેવો પ્રશ્ન છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહ્યો છે. જેનો જવાબ ખુદ સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય રેલવે મંત્રીએ આપ્યો છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે, દેશની પહેલી બુલેટ ટ્રેનનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. 2027 સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિલોમીટર ટ્રેક પર બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. જ્યારે 2029 સુધીમાં મુંબઈથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.
વધુમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે, એકવખત બુલેટ ટ્રેન શરૂ થઈ જશે, તે પછી મુંબઈથી અમદાવાદ જેવા બે મોટા શહેરોનું અંતર માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ કાપી શકાશે.
આજે સુરત પહોંચેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં હાલ કામ ચાલી રહ્યું છે. આ સાથે જ તેમણે સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
જે બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણનવે જણાવ્યું કે, બુલેટ ટ્રેન માટે સૌથી પહેલા સુરત થી બિલિમોરા સુધી 50 કિલોમીટરનો રૂટ ખોલવામાં આવશે. જેના માટે અમે તડામાર તૈયારી કરી રહ્યા છીએ. જ્યારે ઠાણેથી અમદાવાદ સુધીનો આ પ્રોજેક્ટ 2029 સુધીમાં પુરો થઈ જશે.
વધુમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે, મેઈન લાઈન પર ટ્રેનની ગતિ 320 કિલોમીટર પ્રતિકલાકની હશે, જ્યારે લૂપ લાઈનમાં સ્પીડ 80 કિલોમીટર પ્રતિકલાક રહેશે. આ પ્રોજેક્ટમાં અનેક આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલ બુલેટ ટ્રેનના ટ્રેક પર સ્પેશિયલ સેફ્ટી ફિચર લગાવવામાં આવ્યા છે. જેથી ટ્રેન આંધી-વંટોળ અને અચાનક આવેલા ભૂકંપમાં પણ અડીખમ રહી શકશે. સુરત સ્ટેશનનું કામ લગભગ પુરું થઈ ચૂક્યુ છે. અત્યારે ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
