<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

હવે અભિનેતા વિજયના ઘરને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી

તમિલનાડુઃ કરુર રેલી દુર્ઘટના બાદ

 

 

ચેન્નાઈ તા.૨૯: જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયને રવિવારના રોજ તેમના ચેન્નાઈ સ્‍થિત નિવાસસ્‍થાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. વિજયના નીલંકરાય સ્‍થિત નિવાસસ્‍થાને તાત્‍કાલિક બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને સ્‍નિફર ડોગ્‍સ સાથે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્‍યા હતા. સમગ્ર વિસ્‍તારને સુરક્ષિત બનાવવામાં આવ્‍યો છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ત્‍યારે બની છે જ્‍યારે તાજેતરમાં વિજયની આગેવાની હેઠળની તાજેતરની રાજકીય રેલીમાં મોટી દુર્ઘટના બની છે

નોંધનિય છે કે, ૨૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫ના રોજ કરુર ખાતે તમિલગા વેત્રી કઝગમ (TVK) દ્વારા યોજાયેલી રેલીમાં ભારે નાસભાગ સર્જાઈ હતી, જેમાં અત્‍યાર સુધીમાં મૃત્‍યુઆંક ૪૦ થઈ ગયો છે અને ૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઓછામાં ઓછા બે લોકોની સ્‍થિતિ હજુ પણ ગંભીર છે.

આ દુર્ઘટના અંગે અનેક તારણો સામે આવી રહ્યાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રેલી દરમિયાન વીજળી બંધ થઈ જવાથી અને લોકોના આકસ્‍મિક ધસારા કારણે આ ગંભીર અકસ્‍માત સર્જાયો. કરુર વીજળી બોર્ડના મુખ્‍ય ઇજનેર રાજલક્ષ્મીએ જણાવ્‍યું હતું કે, વિજયના આગમનના પહેલા કલાકોમાં વીજળી ગુલ હતી. અમે જોયું કે, ભીડમાં કેટલાક લોકો ઝાડ અને ટ્રાન્‍સફોર્મર પર ચઢી ગયા હતા. તાત્‍કાલિક પગલાં રૂપે વીજળી બંધ કરી દેવાઈ હતી જેથી વધુ મોટી દુર્ઘટના અટકી શકે. તેઓએ વધુમાં કહ્યું, જ્‍યાં ભીડ અશાંત થઈ રહી હતી ત્‍યાં આપણે પોલીસની મદદથી લોકોને નીચે ઉતાર્યા અને પછી વીજળી પુનઃસ્‍થાપિત કરી.(૩૮.૧૨)

(9:37 AM IST)