<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ગુજરાત પર બેવડું સંકટ? અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થવાની તૈયારીમાં, ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી

રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવા સંભવ: ૪૮ કલાક દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે: વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે : જાણો સમગ્ર દેશમાં કેવું રહેશે હવામાન

અમદાવાદ : ગુજરાત નજીક અરબી સમુદ્ર પર હવાનું ઊંડું દબાણ સર્જાયું છે. બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થવાની તૈયારીમાં છે આગામી ૪૮ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે માછીમારોને દરિયો ન ખેડવા ભારતીય હવામાન વિભાગની ચેતવણી છે 

 રાજ્યમાં નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યા બાદ પણ મેઘરાજા શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ભારતીય હવામાન વિભાગ  અને અન્ય ખાનગી હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા નિમ્ન દબાણનું ક્ષેત્ર (ડીપ ડિપ્રેશન) સક્રિય થયું છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ્સ આકાર લઈ રહી છે, જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત માટે આગામી ૪૮ કલાક ભારે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટાપાયે ભેજ પ્રવેશી રહ્યો છે. જેના પગલે આગામી ૪૮ કલાક, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 
કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ શક્યતા છે. 
રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
દેશભરમાં વરસાદી માહોલ
આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે
 રાજસ્થાન: પૂર્વી અને દક્ષિણ-પશ્ચિમી જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે.
 મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા: આ રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
 દક્ષિણ ભારત: મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પણ વરસાદી ગતિવિધિઓ તેજ બનશે.
 ઉત્તર ભારત: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨ ઓક્ટોબરથી સિસ્ટમ્સ ઉત્તર તરફ આગળ વધશે. જેના કારણે બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો નવો દોર શરૂ થઈ શકે છે. ૩ ઓક્ટોબર આસપાસ દિલ્હી, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 પૂર્વોત્તર રાજ્યો: આગામી બે દિવસ બાદ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતો અને તંત્રને સાવચેત રહેવા સૂચના:
પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગરના પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે. સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે અને માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને પણ નદી-નાળા અને જર્જરિત મકાનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ઇન્સેટ તસ્વીર: અહીં અહીં ઉપર રાત્રે ૧૦.૩૦ વાગે લેવામાં આવેલ ઇનસેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીરમાં ગુજરાત સૌરાષ્ટ્રની બાજુમાં અરબી સમુદ્રમાં ભારે વાદળાઓ જોવા મળે છે.

(10:40 PM IST)