News of Tuesday, 30th September 2025
કાલથી બેન્કિંગ, પેન્શન NPSના નિયમોમાં ફેરફાર થશે
રેલવે ટિકિટ માટેના નિયમો પણ બદલાશે આરબીઆઇ બેચ ક્લિયરિંગને બદલે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પદ્ધતિ અપનાવશે

નવી દિલ્હી તા.૩૦: કાલથી અમલી બનનારના કેટલાંક સુધારાને પગલે બેન્કિંગ, પેન્શન, રેલવે તથા પોસ્ટ વિભાગના કેટલાંક નિયમોમાં ફેરફાર થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઓક્ટોબરથી બેચ ક્લિયરિંગને બદલે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પદ્ધતિ અમલમાં મુકશે. આ નવી પદ્ધતિ બે તબક્કામાં લાગુ કરાશે. જેનો પ્રથમ તબક્કો ૪ ઓક્ટોબર, ૨૦૨૫થી જ્યારે બીજો તબક્કો ૩ જાન્યુઆરી, ૨૦૨૬થી લાગુ થશે.
૧ ઓક્ટોબરથી રેલવે ટિકિટ માટેના નિયમો પણ બદલાશે. IRCTCની વેબસાઈટ કે મોબાઈલ એપથી સામાન્ય ટિકિટ ખરીદવા નવી માર્ગદર્શિકા જારી કરાઈ છે. જે મુજબ, ૧ઓક્ટોબરથી આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરાવ્યું હોય તેવા વપરાશકારો જ IRCTCની સાઈટ કે એપ દ્વારા બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટ દરમિયાન જનરલ ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે. સામાન્ય મુસાફરોને રીઝર્વેશન પદ્ધતિનો લાભ મળે અને વચેટિયાઓ લાભ ન લઈ જાય તે હેતુ આ પદ્ધતિનો અમલ શરૂ થશે. જ્યારે પોસ્ટલ વિભાગ દ્વારા ૧ ઓક્ટોબરથી સ્પીડ પોસ્ટના દરોમાં સુધારો લાગુ કરશે.
સ્પીડ પોસ્ટના દરોમાં હવે જીએસટી અલગથી દર્શાવાશે. આ ઉપરાંત વધારાની સુરક્ષા માટે ગ્રાહકો ઓટીપી આધારિત ડિલિવરીનો વિકલ્પ પણ પસંદ કરી શકશે. આ ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ના બિન-સરકારી સભ્યોને હવે ૧ ઓક્ટોબરથી તેમના ફાળાની ૧૦૦ ટકા સુધીની રકમ ઈક્વિટીમાં રોકવાની મંજૂરી અપાશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓ ૩૦ સપ્ટેમ્બર સુધી એનપીએસથી યુપીએસમાં ટ્રાન્સફર લઈ શકશે. આ તારીખ પછી તેમને યુપીએસનો વિકલ્પ પસંદ કરવા નહીં મળે. હાલમાં યુપીએસમાં રહેલાં કર્મચારીઓએ જો એનપીએસનો વિકલ્પ અપનાવવો હશે તો તેમણે તેમની નિવૃત્તિની તારીખ પૂર્વે એનપીએસમાં પરત ફરવાનું રહેશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
