<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીનો જવાબ

નવી દિલ્‍હી તા.૩૦: તાજેતરમાં જ કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુત્ર નિખિલની કંપનીને નફામાં વધારો કરવા માટે નીતિ બનાવી હોવાનો આક્ષેપ લાગ્‍યો હતો, જોકે હવે નીતિન ગડકરીએ તેનો જવાબ આપ્‍યો છે. તેમણે સ્‍પષ્ટ કહ્યું છે કે, એક શક્‍તિશાળી આયાત લોબી આક્ષેપોનું કામ કરે છે, જેઓ મારા નિર્ણયથી નાખુશ છે. તેમણે પોતાની તુલના એક ફળ આપનાર વૃક્ષ સાથે કરતા કહ્યું કે, ‘હું આવા આક્ષેપોનો જવાબ આપતો નથી, કારણ કે આવું કરવાથી તે સમાચાર બની જાય છે. જે વૃક્ષ ફળ આપે છે, લોકો તેના પર જ પથ્‍થર ફેંકે છે. સારું છે કે આપણે તેના પર ધ્‍યાન ન આપીએ.'

ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે, ‘મારી નીતિનો મુખ્‍ય હેતુ ઈથેનોલ મિશ્રણને પ્રોત્‍સાહન આપવા, ખેડૂતોને ઊર્જા ઉત્‍પાદક બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા પર કેન્‍દ્રિત છે. પેટ્રોલ સાથે ઈથેનોલનું મિશ્રણ કરવાની નીતિ લાવવાથી ઈંધણ આયાત કરનારા સ્‍વાર્થી લોકોને આર્થિક નુકસાન થયું છે.'

તેમણે વધુમાં કહ્યું કે, ‘ક્રૂડ ઓઈલની આયાતથી લગભગ ૨૨ લાખ કરોડ રૂપિયા દેશની બહાર જઈ રહ્યા હતા. મારા આ નિર્ણયથી કેટલાક લોકોના વેપારને અસર થઈ છે, જેના કારણે નારાજ થઈને મારા વિરુદ્ધ પૈસા આપીને સમાચાર ચલાવી રહ્યા છે. ‘મેં આજ સુધી કોઈ પણ ઠેકેદાર પાસેથી એક પૈસો લીધો નથી, તેથી ઠેકેદારો મારાથી ડરે છે.'

ગડકરીએ અંતમાં કહ્યું કે, ‘હું મારા કામ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીશે અને ખોટા આરોપોથી પરેશાન નહીં થાવ. કારણ કે આ રાજકારણનો એક સામાન્‍ય અને સ્‍વાભાવિક ભાગ છે. લોકો જાણે છે કે સત્‍ય શું છે. મેં અગાઉ પણ ઘણી વખત આવી પરિસ્‍થિતિઓનો સામનો કર્યો છે.'

ગડકરીનું આ નિવેદન તેમના પુત્ર નિખિલ ગડકરી દ્વારા સંચાલિત કંપની સીઆઇએન એગ્રો ઈન્‍ડસ્‍ટ્રીઝના મહેસૂલ અને નફામાં થયેલા તીવ્ર વધારાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્‍ચે ઘણું મહત્ત્વનું છે. આ કંપની ઈથેનોલ ઉત્‍પાદનના વ્‍યવસાય સાથે જ સંકળાયેલી છે. કંપનીના નાણાકીય ડેટામાં આヘર્યજનક ઉછાળો જોવા મળ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ક્‍વાર્ટરમાં કંપનીનું મહેસૂલ ૧૭.૪૭ કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયગાળામાં વધીને ૫૧૦.૮ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ દરમિયાન કંપનીનો નફો પણ વધીને ૫૨ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. આ ઉપરાંત કંપનીનું શેરનું મૂલ્‍ય પણ સોમવારે BSE પર એક વર્ષ પહેલાંના ૧૭૨ રૂપિયાથી ઉછળીને ૨૦૨૩ રૂપિયા પર પહોંચી ગયું છે.

(9:37 AM IST)