News of Tuesday, 30th September 2025
સુનાવણી પહેલા જ ‘સેટલમેન્ટ'...ટ્રમ્પને ૨૧૭ કરોડ આપશે યુટયુબ
એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના કેસમાં હવે યુટયુબે સમધાન કર્યુ

વોશીંગ્ટન, તા.૩૦: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક મહત્ત્વની જીત મળી છે. તેમના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના કેસમાં હવે યુટયુબે સમાધાન કર્યું છે અને તેના ભાગરૂપે ટ્રમ્પને ૨૪.૫ મિલિયન ડૉલર (અંદાજે ૨૧૭ કરોડ રૂપિયા) ચૂકવાશે. યુટયુબ સામે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા કેસના સમાધાન સ્વરૂપે તેમને આટલી મોટી રકમ મળી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આવા જ કેસમાં મેટા અને X તરફથી ટ્રમ્પને કરોડો રૂપિયાનું વળતર પ્રાપ્ત થયું હતું.
વર્ષ ૨૦૨૧માં અમેરિકન સંસદ ભવન પર થયેલા હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ હુમલા દરમિયાન સંસદમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ ઘૂસી ગયા હતા અને ભારે તોડફોડ કરી હતી. આ માટે ટ્રમ્પની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સને જવાબદાર ઠેરવવામાં આવી હતી, જેમાં તેમણે વોટિંગમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા. આ મોટી ઘટના બાદ મેટા, X અને યુટયુબે ઘણા દિવસો માટે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા.
આથી એકાઉન્ટ સસ્પેન્ડ થવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે મેટા, X અને યુટયુબ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસના સમાધાન માટે મેટાએ ૨૫ મિલિયન ડૉલર અને X એ ૧૦ મિલિયન ડૉલર ચૂકવ્યા હતા અને હવે, ગુગલની માલિકીના યુટયુબે સમાધાનના ભાગરૂપે તેમને ૨૪.૫ મિલિયન ડૉલરની રકમ આપી છે. કુલ મળીને, ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં આ કેસ થકી ૮૦ મિલિયન ડૉલરથી વધુ રકમ મળી ચૂકી છે.
કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ, સમાધાનની રકમમાંથી ૨૨ મિલિયન ડૉલર નેશનલ મૉલના ટ્રસ્ટને આપવામાં આવશે અને બાકીના પૈસા અમેરિકન કન્ઝર્વેટિવ યુનિયન સહિત કેસ કરનારા લોકોને મળશે. ટૂંકમાં, ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જંગી વળતર વસૂલ્યું છે.
એકાઉન્ટ સસ્પેન્શન અંગેની સુનાવણી શરૂ થાય તે પહેલાં જ, યુટયુબની માલિક ગૂગલે સમાધાન કરવાનું પસંદ કર્યું. અહેવાલ મુજબ આ કેસની સુનાવણી ૬ ઓક્ટોબરે નિર્ધારિત હતી, પરંતુ ગૂગલે વહેલાસર ૨૪.૫ મિલિયન ડૉલરનું સમાધાન કરી લીધું. જોકે, ગૂગલે આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાનો ઇનકાર કર્યો છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
