<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રાષ્ટ્રીય સુરક્ષા કે અમેરિકાનું દબાણ? 26/11 હુમલા પર ચિદમ્બરમની 'બિગ કબૂલાત': "કોન્ડોલીઝા રાઇસે યુદ્ધ ન કરવા કહ્યું હતું, અને અમે ઝૂક્યા!"

વર્ષો પછી ખુલાસો: કોન્ડોલીઝા રાઇસનો સીધો આદેશ!: અમેરિકાના કહેવા પર પાકિસ્તાન સામે પગલું ન લેવાયું!: ભાજપનો પલટવાર: "આ વાત દેશ પહેલેથી જ જાણતો હતો!"

વર્ષ 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા અંગે વર્ષો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે UPA સરકારે અમેરિકાના ભારે દબાણ સામે ઝૂકીને પાકિસ્તાન વિરુદ્ધ બદલો લેવાની લશ્કરી કાર્યવાહી નહોતી કરી!

ચિદમ્બરમે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ હુમલા પછી સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય દિલ્હી પર ઉતરી પડ્યો હતો અને ભારતને યુદ્ધ શરૂ ન કરવાની વિનંતી કરી રહ્યો હતો.

કોન્ડોલીઝા રાઇસનો સીધો આદેશ!
ચિદમ્બરમે તત્કાલીન અમેરિકન વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું: "મુંબઈ હુમલાના બે-ત્રણ દિવસ પછી રાઇસ મને અને વડા પ્રધાનને મળવા આવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'કૃપા કરીને બદલો ન લો.' રાઇસે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતે બદલો ન લેવો જોઈએ. મેં જવાબ આપ્યો કે તે સરકારનો નિર્ણય હશે."

ચિદમ્બરમે સ્વીકાર્યું કે પાકિસ્તાન સામે બદલો લેવાના કેટલાક પગલાંનો વિચાર તેમના મગજમાં આવ્યો હતો અને સરકારની અંદર વ્યાપક ચર્ચા પણ થઈ હતી. જોકે, વિદેશ મંત્રાલય (MEA) અને ભારતીય વિદેશ સેવા (IFS) ના પ્રભાવ હેઠળ તેમજ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આખરે લશ્કરી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ચિદમ્બરમની આ કબૂલાતથી દેશના રાજકારણમાં તરત જ ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશ પહેલાથી જ જાણતો હતો કે વિદેશી શક્તિઓના દબાણને કારણે મુંબઈ હુમલાના કેસમાં કોંગ્રેસ સરકારે યોગ્ય રીતે પગલું ભર્યું ન હતું.

નોંધનીય છે કે 26 નવેમ્બર 2008 ના રોજ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ મુંબઈના સીમાચિહ્નો પર હુમલો કરીને વિદેશી નાગરિકો સહિત 166 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ હુમલા બાદ જ તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલના રાજીનામા પછી પી. ચિદમ્બરમ નાણા મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાં આવ્યા હતા.

 

(9:20 PM IST)