News of Tuesday, 30th September 2025
તરસ્યા યુવાનોનો બળવો! વીજળી-પાણીની તંગીથી કંટાળીને મેડાગાસ્કરમાં સરકાર ઉથલાવી, 22નાં મોત, રાષ્ટ્રપતિએ માફી માંગી!
રાષ્ટ્રપતિ રાજોલીનાએ ટેલિવિઝન પર માફી માંગી, "જો સરકારના સભ્યોએ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પૂરી ન કરી હોય તો અમે સ્વીકારીએ છીએ અને માફી માંગીએ છીએ."

અંતાનાનારિવો: આફ્રિકાના દક્ષિણપૂર્વ કિનારે આવેલા ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં યુવાનોના ગુસ્સાએ એક મોટી રાજકીય ઉથલપાથલ સર્જી છે. માત્ર વીજળી અને પાણીની ભયંકર તંગીથી કંટાળીને યુવાનોએ સરકાર સામે ખુલ્લો બળવો પોકાર્યો, જેના પગલે રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાએ આખી સરકારને વિખેરી નાખવાની ફરજ પડી!
ગયા અઠવાડિયે શરૂ થયેલા આ હિંસક વિરોધ પ્રદર્શનો સોમવારે ચરમસીમાએ પહોંચ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, આ બળવાખોરીમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ ઘાયલ થયા છે. આ આંદોલનની પ્રેરણા યુવાનોને નેપાળ, કેન્યા અને મોરોક્કોમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાંથી મળી હતી, જ્યાં સોશિયલ મીડિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મેડાગાસ્કર (જ્યાં 75% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે) ની યુનિવર્સિટીના સેંકડો યુવાનો હાથમાં બેરોજગારી અને આર્થિક સંકટના પ્લેકાર્ડ લઈને રાજધાનીની શેરીઓમાં ઊતરી આવ્યા હતા. કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી, પોલીસે ટીયર ગેસ છોડ્યો, અને સમગ્ર શહેરમાં લૂંટફાટ ફેલાઈ ગઈ. સુપરમાર્કેટથી લઈને બેંકો અને રાજકારણીઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિની કબૂલાત: યુવાનોના ગુસ્સાને શાંત કરવા માટે, રાષ્ટ્રપતિ રાજોલીનાએ સોમવારે ટેલિવિઝન પર માફી માંગી અને કહ્યું, "જો સરકારના સભ્યોએ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પૂરી ન કરી હોય તો અમે સ્વીકારીએ છીએ અને માફી માંગીએ છીએ." તેમણે વીજળી કટ અને પાણીની તકલીફોને સ્વીકારીને તાત્કાલિક સરકારનું વિસર્જન કરવાની જાહેરાત કરી છે. નિષ્ણાતો માને છે કે આ છેલ્લા વર્ષોમાં રાષ્ટ્રપતિની સત્તા માટે સૌથી ગંભીર પડકાર છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
