<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

"ભારતીય ટીમને ટ્રોફી કેમ નહીં આપી? ટ્રોફી કોઈની ખાનગી મિલકત નથી: નકવીએ ખુલાસો કર્યો પણ BCCI કરશે ફરિયાદ

ACCની મીટિંગમાં BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ નકવીને સીધા સવાલો કરીને લલકાર્યા જેને કારણે ક્રિકેટ વિશ્વમાં તણાવ વધ્યો: BCCIએ આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો

એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભારતે રેકોર્ડ 9મી વખત ટાઇટલ જીત્યું, પરંતુ મેચ એવોર્ડ સેરેમનીમાં વિવાદ થયો. ACC પ્રમુખ અને PCB વડા મોહસિન નકવીએ ટ્રોફી આપવાનો ઇનકાર કરતાં ભારતીય ટીમે તેને નકારી કાઢી, અને નકવી ટ્રોફી લઈને જતા રહ્યા. આજે ACCની મીટિંગમાં BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ નકવીને સીધા સવાલો કરીને લળકાર્યા, જેને કારણે ક્રિકેટ વિશ્વમાં તણાવ વધ્યો છે. BCCIએ આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો છે

   29 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. મેચ 10:30 વાગ્યે પૂરી થઈ, પરંતુ મેચ એવોર્ડ સેરેમની 90 મિનિટ વિલંબથી રાત્રે 12 વાગ્યે શરૂ થયો. ACCના વેબસાઇટ પર જણાવાયું હતું કે નકવી વિજેતા ટીમને ટ્રોફી આપશે, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેને નકારી કાઢ્યો. કુલદીપ યાદવ, અભિષેક શર્મા અને તિલક વર્માએ વ્યક્તિગત એવોર્ડ્સ લીધા, પરંતુ ટ્રોફી માટે સ્ટેજ પર આવ્યા નહીં. ભારતીય સમર્થકોએ નકવીને બુઆઈંગ કરી, અને પાકિસ્તાન કેપ્ટન સલમાન આઘાએ રનર્સ-અપ ચેક લીધો. આખરે નકવી ટ્રોફી અને મેડલ્સ લઈને જતા રહ્યા, જેથી ભારતીય ટીમ ટ્રોફી વિના જશ્ન મનાવીને દેશ પરત ફરી. 

  દુબઈમાં થયેલી ACC મીટિંગમાં BCCIના પ્રતિનિધિઓ રાજીવ શુક્લા અને આશિષ શેળારે આ મુદ્દે તીખો વિરોધ નોંધાવ્યો. શુક્લાએ નકવીને સીધા કહ્યું, "વિજેતા ટીમને ટ્રોફી કેમ નહીં આપી? આ ACCની ટ્રોફી છે, કોઈ વ્યક્તિની ખાનગી મિલકત નથી. તેને ઔપચારિક રીતે વિજેતા ટીમને આપવી જોઈએ હતી. ACCએ આ મુદ્દાને તાત્કાલિક હલ કરવો જોઈએ." BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, "અમે નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમણે તેને લઈ જવાનો અધિકાર નથી. જો ACC ના સાંભળે તો ICCમાં ફરિયાદ કરીશું." શુક્લાએ નકવીને લળકારતા કહ્યું કે આ પ્રકારની ઘટના ક્રિકેટના માનદંડોનું ઉલ્લંઘન છે.

   નકવીએ સફાઈ આપતા કહ્યું, "હું તો કોઈપણ કારણ વગર કાર્ટૂનની જેમ ઊભો હતો. ACCને લેખિતમાં ક્યાંયથી સૂચના નહોતી આપવામાં આવી કે ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી નહીં લે." જ્યારે ભારતીય પ્રતિનિધિઓએ કડક સવાલો કર્યા ત્યારે નકવીએ કહ્યું, "આ મુદ્દે ચર્ચા અન્ય મંચ પર થશે, અહીં નહીં." પાકિસ્તાન કેપ્ટન સલમાન આઘાએ પણ કહ્યું, "જો નકવી ACC પ્રમુખ છે તો તેઓ જ ટ્રોફી આપશે. તમે ન લો તો ટ્રોફી કેવી રીતે મળશે?" આ વિવાદનું કારણ નકવીના સોશિયલ મીડિયા પોસ્ટ પણ છે, જેમાં તેઓએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્લેન ક્રેશ જેસ્ચરનું શેર કર્યું, જેને ભારતીયો 'ઓપરેશન સિંદૂર' સાથે જોડે છે.

    BCCIએ ટીમને 21 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું, અને સૈકિયાએ કહ્યું, "આ એશિયા કપ જીત 'ઓપરેશન સિંદૂર' જેવી છે." જો ACC તુરંત ટ્રોફી અને મેડલ્સ ન આપે તો નવેમ્બરમાં ICC બોર્ડમાં વિરોધ નોંધાવાશે. આ વિવાદે ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોને વધુ તણાવડો આપ્યો છે, અને ક્રિકેટ વિશ્લેષકો કહે છે કે ACCએ તુરંત કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના જ જશ્ન મનાવ્યો, પરંતુ આ ઘટના ક્રિકેટના ન્યાય અને પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા કરે છે.

(10:36 PM IST)