<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનનું 'શરમજનક કૃત્ય'! સૂર્યકુમાર યાદવનો ચોંકાવનારો ખુલાસો: "મોહસિન નકવી ટ્રોફી લઈને ભાગી ગયા, ભારતીય ટીમનું અપમાન!"

જીતની રાત પર કાળો ધબ્બો: પાકિસ્તાનનો અણછાજતો વ્યવહાર!: ભારતીય બોર્ડ આગામી ICC મીટિંગમાં મોહસિન નકવી ની આ ગેરવર્તણૂક સામે કડક ફરિયાદ નોંધાવવાની તૈયારી

નવી દિલ્હી: એશિયા કપ 2025 ની ફાઇનલમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારતે પાકિસ્તાનને હરાવીને નવમી વખત ટ્રોફી જીતી, પરંતુ આ ભવ્ય જીત બાદ જે ડ્રામા થયો તેણે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો કર્યો છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પછીની 'કાળી રાત'નો પર્દાફાશ કરતા ચોંકાવનારો દાવો કર્યો છે.

સૂર્યાએ આરોપ લગાવ્યો છે કે વિજય બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને ACCના વડા મોહસિન નકવી તેમની નજર સામે જ ટ્રોફી લઈને મેદાનમાંથી ભાગી ગયા હતા, જેના કારણે ભારતીય ટીમને ટ્રોફી વિના જ ઉજવણી કરવાની ફરજ પડી હતી!

'તેઓ ટ્રોફી લઈને ભાગી ગયા, મેં એ જ જોયું': સૂર્યાનો ખુલાસો
ફાઇનલ બાદ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય ટીમે ACCના અધિકારી અને પાકિસ્તાનના આંતરિક મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

સૂર્યકુમારે દ્રશ્યનું વર્ણન કરતા જણાવ્યું: "અમે કોઈને એવોર્ડ સમારંભ માટે રાહ જોવા કહ્યું ન હતું. તેઓ (પાકિસ્તાની પ્રતિનિધિઓ) ટ્રોફી લઈને ભાગી ગયા, મેં એ જ જોયું. અમે ત્યાં ઊભા હતા. અમે કોઈને અવગણવાનો નિર્ણય જાતે લીધો હતો."

સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય મેદાન પર ખેલાડીઓએ લીધો હતો, તેમાં BCCI કે સરકાર તરફથી કોઈ દખલ નહોતી. જોકે, તેમના દાવા મુજબ, જ્યારે સ્ટેજ પર ગરમાગરમી ચાલી રહી હતી, ત્યારે ભીડમાંથી કોઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને તરત જ મોહસિન નકવીનો માણસ ટ્રોફી લઈને મેદાન છોડીને ચાલ્યો ગયો!

BCCI આકરા પાણીએ: ICCમાં ફરિયાદની તૈયારી
આ હાઇ-પ્રોફાઇલ ડ્રામા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આકરા પાણીએ છે. રિપોર્ટ્સ અનુસાર, BCCI સચિવ દેવજી સૈકિયાએ જણાવ્યું છે કે ભારતીય બોર્ડ આગામી ICC મીટિંગમાં મોહસિન નકવીના આ ગેરવર્તણૂક સામે કડક ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ વિવાદે એક ભવ્ય ક્રિકેટ ફાઇનલ પર રાજકીય કલંક લગાવી દીધો છે, જ્યાં ભારતે તિલક વર્માની શાનદાર 69 રનની ઇનિંગ્સના દમ પર રોમાંચક જીત મેળવી હતી, પરંતુ વિજયની રાત્રે ટ્રોફી વિના ઉજવણી કરવી પડી.

 

(9:21 PM IST)