News of Tuesday, 30th September 2025
ગાયક ઝુબીન ગર્ગના શંકાસ્પદ મૃત્યુનું રહસ્ય ખૂલશે: કેન્દ્ર સરકારે સિંગાપોરને 'MLAT તીર' માર્યું, જાણો આ આંતરરાષ્ટ્રીય સંધિ શું છે!
ઝુબીન ગર્ગના મૃત્યુ પાછળનું સત્ય શોધવા આંતરરાષ્ટ્રીય દાવપેચ: મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) એ બે કે તેથી વધુ દેશો વચ્ચે થયેલો એક આંતરરાષ્ટ્રીય કરાર છે

દિલ્હી: સિંગાપોરમાં થયેલા લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના શંકાસ્પદ મૃત્યુના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. શું આ મૃત્યુ પાછળ કોઈ કાવતરું હતું? શું કંઈક છુપાવવામાં આવ્યું છે? આ બધા સવાલોના જવાબ શોધવા માટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતી પર, કેન્દ્ર સરકારે હવે સિંગાપોર સરકારને મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ તપાસ કરવા માટે પત્ર લખ્યો છે.
આ એક મહત્ત્વનું પગલું છે, જેના પછી આસામ પોલીસે આ કેસમાં FIR પણ નોંધી છે. હવે આંતરરાષ્ટ્રીય સંધિના માધ્યમથી ઝુબીનના મૃત્યુનું ખરું કારણ બહાર આવવાની શક્યતા વધી ગઈ છે.
MLAT: તપાસ એજન્સીઓ માટે વિદેશમાં પુરાવા મેળવવાની ચાવી
મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) એ બે કે તેથી વધુ દેશો વચ્ચે થયેલો એક આંતરરાષ્ટ્રીય કરાર છે. સરળ શબ્દોમાં, આ સંધિ ફોજદારી કેસો (ગુના, આતંકવાદ, ડ્રગ્સ, ભ્રષ્ટાચાર) ની તપાસમાં એકબીજાને કાનૂની સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે.
MLAT દ્વારા ભારતને શું મળશે?
જો કોઈ ભારતીય નાગરિકનું વિદેશમાં શંકાસ્પદ મૃત્યુ થાય, તો સામાન્ય રીતે ભારતને ત્યાંની એજન્સીઓ જે માહિતી આપે તેના પર વિશ્વાસ કરવો પડે છે. પરંતુ MLAT સક્રિય થવાથી, ભારતને સિંગાપોરની તપાસ એજન્સીઓ સાથે મળીને તપાસના દરેક પાસાની તપાસ કરવાનો, પુરાવાની ચકાસણી કરવાનો અને કારણો નક્કી કરવાનો કાયદેસર અધિકાર મળે છે.
આ સંધિ હેઠળ, સિંગાપોરની એજન્સીઓ ભારતીય તપાસકર્તાઓને કાયદેસર રીતે ઓટોપ્સી રિપોર્ટ, CCTV ફૂટેજ, બેંક રેકોર્ડ, સાક્ષીઓના નિવેદનો વગેરે જેવી જરૂરી માહિતી તાત્કાલિક પૂરી પાડવા માટે બંધાયેલા છે.
ઝુબીન ગર્ગના કેસમાં હવે શું થશે?
ઝુબીનના કેસમાં હવે આસામ પોલીસ FIR નોંધીને તપાસ શરૂ કરશે. આસામ સરકાર ગૃહ મંત્રાલય દ્વારા સિંગાપોર સાથે MLAT લાગુ કરવા માટે કહેશે. ત્યાર બાદ:
1. કેન્દ્ર સરકાર સિંગાપોરને MLAT હેઠળ સત્તાવાર વિનંતી કરશે.
2. સિંગાપોરની તપાસ એજન્સીઓ ભારતીય એજન્સીઓ સાથે કાયદેસર રીતે પુરાવા શેર કરશે.
3. આ પુરાવાઓના આધારે, આસામ પોલીસ અથવા SIT (જો રચાય તો) ઝુબીનના મૃત્યુના વાસ્તવિક કારણ સુધી પહોંચવા માટે ઊંડી કાર્યવાહી કરી શકશે.
ભારતે સિંગાપોર, યુકે, યુએસ, રશિયા સહિત અનેક દેશો સાથે MLAT કરારો કર્યા છે, જે સાબિત કરે છે કે આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય ગુનાઓ અને શંકાસ્પદ કેસોના ઉકેલ માટે આ સંધિ કેટલી જરૂરી બની ગઈ છે. ઝુબીન ગર્ગના ચાહકોને આશા છે કે આ આંતરરાષ્ટ્રીય સહયોગથી ગાયકને ન્યાય મળશે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
