News of Wednesday, 1st October 2025
જીએસટી ઘટાડાયો તો કિંમતો પણ ઘટવી જોઇએઃ કોર્ટે કંપનીને ૫ લાખનો દંડ કર્યો
પેકેટનું કદ વધારવું અને ભાવએ રાખવા એ ખોટુ છેઃ કોર્ટ

નવી દિલ્હી તા.૧: જીએસટી સુધારા અંગે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો દરો ઘટાડવામાં આવે છે તો તેનો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડામાં પ્રતિબિંબિત થવો જોઈએ. કંપનીઓ માટે ફક્ત પેકેજનું કદ વધારવું અથવા કિંમતો યથાવત રાખીને પ્રમોશનલ યોજનાઓ ચલાવવી એ ખોટું છે. કોર્ટે આને ગ્રાહક છેતરપિંડી પણ ગણાવી હતી. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે ૨૩ સપ્ટેમ્બરના રોજ આ આદેશ જારી કર્યો હતો, જેમાં કંપની પર ૫.૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને શૈલ જૈનની બેન્ચે જણાવ્યું હતું કે GST ઘટાડવાનો હેતુ માલ અને સેવાઓ સસ્તી બનાવવાનો છે. જો કિંમતો સમાન રહે અને ગ્રાહકની સંમતિ વિના ઉત્પાદનનો જથ્થો વધારવામાં આવે, તો આ છેતરપિંડી છે. આ પ્રથા GST ઘટાડવાના હેતુને જ નકારી કાઢે છે અને તેને મંજૂરી આપી શકાતી નથી. કોર્ટે આને ગ્રાહક પસંદગી પર પ્રતિબંધ ગણાવ્યો. બેન્ચે જણાવ્યું હતું કે કિંમતો ઘટાડવામાં નિષ્ફળતાને એ આધાર પર વાજબી ઠેરવી શકાય નહીં કે જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અથવા ભાવ વધારાને વાજબી ઠેરવવાની યોજના હતી.
કોર્ટ કંપની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કંપનીએ NAPA (નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી) ના ૨૦૧૮ ના આદેશને પડકાર્યો હતો. NAPA એ શોધી કાઢ્યું હતું કે ઉત્પાદન પર ઞ્લ્વ્ ૨૮% થી ઘટાડીને ૧૮% કરવા છતાં, કંપનીએ ગ્રાહકોને લાભ આપ્યો નથી; તેના બદલે, તેણે પ્રતિ યુનિટ કિંમત રૂા.૧૪.૧૧ વધારી અને પેકેજનું કદ ૧૦૦ મિલી કર્યું. તેના આદેશમાં, કોર્ટે NAPAના નિર્ણયને સમર્થન આપ્યું અને કંપનીને ૧૮% વ્યાજ સાથે ગ્રાહક કલ્યાણ ભંડોળમાં રૂા.૫૫૦,૧૮૬ જમા કરાવવાનો આદેશ આપ્યો.
જ્યારે આ મુદ્દો ૨૦૧૭નો છે, ત્યારે GST કાઉન્સિલ દ્વારા અમલમાં મુકાયેલા તાજેતરના GST સુધારાઓને ધ્યાનમાં રાખીને તેનું મહત્વ વધી જાય છે. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી, ૧૨% અને ૨૮% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. ફક્ત બે સ્લેબ, ૫% અને ૧૮%, બાકી છે. લક્ઝરી વસ્તુઓ અને દારૂ પર ૪૦%કર લાગશે.(૩૮.૨૩)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
