<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

RBI એ કર્યા નિરાશ : વ્‍યાજદરો યથાવત : EMI નહિ ઘટે

રિઝર્વ બેંકના ગર્વનરે MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી : રેપોરેટ ૫.૫૦ ટકા યથાવત : વિકાસદર વધશે : મોંઘવારી ઘટશે રિઝર્વ બેંકે મોંઘવારીનું અનુમાન ૩.૧ ટકાથી ઘટાડી ૨.૬ ટકા કર્યુ : જીડીપીનો અંદાજ ૬.૫ ટકાથી વધારી ૬.૮ ટકા કર્યો

નવી દિલ્‍હી, તા.૧: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જનતાને  મોટો ફટકો મારતા તેની MPC બેઠકમાં સતત બીજી વખત તેના પોલિસી રેટમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ કે તમારી લોન EMI પર કોઈ અસર થશે નહીં. RBI ના છમાંથી પાંચ સભ્‍યોએ રેપો રેટ ઘટાડવાની વિરુદ્ધમાં મતદાન કર્યું. હાલમાં, RBI રેપો રેટ ૫.૫૦ ટકા છે. અગાઉ, RBI એ ઓગસ્‍ટમાં તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ઘણા અર્થશાસ્ત્રીઓએ અપેક્ષા રાખી હતી કે RBI રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને બધાને આશ્‍ચર્યચકિત કરશે. જોકે, એવું થયું નહીં.MPC એ નાણાકીય નીતિનું વલણ ‘તટસ્‍થ' રાખવાનો પણ નિર્ણય લીધો. RBI ગવર્નરે જણાવ્‍યું હતું કે GST તર્કસંગતકરણ ફુગાવા પર મધ્‍યમ અસર કરશે અને વપરાશ અને વૃદ્ધિને વેગ આપશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટ ૫.૫% પર યથાવત રાખ્‍યો હતો. ગ્રાહકો તહેવારોની મોસમ દરમિયાન તેમના લોન EMI પર રાહતની આશા રાખતા હતા, પરંતુ RBIના નિર્ણયથી આઘાત લાગ્‍યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ૧ ઓક્‍ટોબર, ૨૦૨૫ ના રોજ તેની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (FY26) માટે વાસ્‍તવિક GDP વૃદ્ધિનો અંદાજ ૬.૫% થી વધારીને ૬.૮% કર્યો.

RBI ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે GST ના તર્કસંગતકરણથી ફુગાવાને અમુક અંશે કાબુમાં લેવાની અપેક્ષા છે.

ફુગાવા અને ટેરિફને કારણે વૃદ્ધિમાં સંભવિત ઘટાડા સહિત RBI ને ઘણા કારણોનો સામનો કરવો પડ્‍યો, જેના કારણે રેપો રેટમાં ઘટાડો થઈ શકયો હોત. જોકે, નિષ્‍ણાતો કહે છે કે રેપો રેટમાં ઘટાડો ન કરવાનો નિર્ણય વ્‍યૂહાત્‍મક હતો. આનું એક કારણ છેઃ દર ઘટાડાથી આ નાણાકીય વર્ષમાં કોઈ વૃદ્ધિ લાભ થતો નથી. RBI ગવર્નરના ભાષણમાં ડિસેમ્‍બરમાં દર ઘટાડાનો સંકેત આપવામાં આવ્‍યો હતો. RBI MPC એ આ વર્ષે રેપો રેટમાં ૧%નો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં ૨૫-૨૫ બેસિસ પોઈન્‍ટનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો, જ્‍યારે જૂનમાં ૫૦ બેસિસ પોઈન્‍ટનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો.

ફુગાવાનો અંદાજ ઘટાડ્‍યો : RBI MPC એ ફુગાવાનો અંદાજ નોંધપાત્ર રીતે ઘટાડ્‍યો છે. RBI ગવર્નરે જણાવ્‍યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ૦.૫૦ ટકા ઘટાડી દેવામાં આવ્‍યો છે, જેના કારણે દેશનો ફુગાવાનો અંદાજ ૨.૬ ટકા થયો છે. ઓગસ્‍ટની બેઠકમાં, આ અંદાજ ૩.૧ ટકા નક્કી કરવામાં આવ્‍યો હતો, જે અગાઉ ૩.૭ ટકા હતો. આ સૂચવે છે કે RBI સતત તેના ફુગાવાના અંદાજને ઘટાડી રહી છે.

વૃદ્ધિમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી : બીજી તરફ, વૃદ્ધિ દરમાં કોઈ ફેરફારની શકયતા નથી. ઓગસ્‍ટની નીતિ બેઠકમાં, ય્‍ગ્‍ત્‍ એ ચાલુ નાણાકીય વર્ષ માટે ૬.૫ ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્‍યો હતો. ઓગસ્‍ટની નીતિ બેઠકમાં કોઈ ફેરફાર જોવા મળ્‍યો ન હતો. ચારેય ત્રિમાસિક ગાળા માટે વૃદ્ધિ આગાહી અંગે માહિતી આપતી વખતે, ય્‍ગ્‍ત્‍ એ કહ્યું હતું કે વૃદ્ધિ દર પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૬.૫ ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં ૬.૭ ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૬.૬ ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં ૬.૩ ટકા હોઈ શકે છે.(૨૩.૧૪)

(10:49 AM IST)