તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
દશેરાએ જ ફાફડા-જલેબી કેમ ખવાય છે? એ ખાવાની પરંપરા ક્યાંથી શરૂ થઇ હતી
રાવણને માર્યા બાદ જલેબી ખાઈને રામસેનાએ જીતની ઉજવણી કરી હોવાનું કહેવાય છે

નવી દિલ્હી તા.૨: અસત્ય પર સત્યના અને આસૂરી શક્તિઓ પર ઇશ્વરીય શક્તિની જીત માટે મનાવવામાં આવતા દશેરાના વિજય પર્વે શષાપૂજા અને વાહનપૂજાની ઉત્કૃષ્ઠ પરંપરા છે, પરંતુ એ સાથે આ વિજયપર્વે ફાફડા-જલેબીની જ્યાફતનું ચલણ પણ આજકાલ વધી ગયું છે. આમાં સૌને એ સવાલ થતો હોય છે કે દશેરાએ જ ફાફડા-જલેબી કેમ ખવાય છે? ભગવાન શ્રીરામે આ દિવસે દૈત્યરાજ રાવણને માર્યો હતો, એનો વિજય મનાવાય છે, પણ આમાં ફાફડા-જલેબી ક્યાંથી આવ્યા એનો સવાલ થયા વિના રહેતો નથી. આજે તોય દેશવિદેશમાં જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર બની ગયો છે.
ભગવાન રામને શાશકુલી નામની મીઠાઈ ખૂબ જ પસંદ હતી એવી એક માન્યતા છે. શાશકુલી હવે જલેબી તરીકે ઓળખાય છે. રાવણને માર્યા બાદ જલેબી ખાઈને રામસેનાએ જીતની ઉજવણી કરી હોવાનું કહેવાય છે. આથી જ ભગવાન રામના વિજયની ઉજવણી કરવા રાવણદહન પછી જલેબીનો આનંદ માણવામાં આવે છે પ્રાચીન સમયમાં જલેબીને કર્ણશસ્કુલિકા કહેવામાં આવતી હતી. ૧૭મી સદીના મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ રઘુનાથે તેનો ઉલ્લેખ કુંડલિની નામથી કર્યો છે.
ભોજન કુટુહાલ નામના પુસ્તકમાં જલેબીનું બીજું નામ શશકુળી તરીકે દર્શાવવામાં આવ્યું છે અને એવું કહેવાય છેકે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે સમગ્ર રાજ્યમાં શશકુળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે જલેબી અને ફાફડાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ દશેરા દરમિયાન તેને ખાવાની પરંપરાને મજબૂત બનાવે છે. દશેરા પર જલેબી-ફાફડા ખાવા પાછળ એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે. વાસ્તવમાં, દશેરા એવી ઋતુમાં આવે છે જ્યારે દિવસ ગરમ હોય છે અને રાત ઠંડી હોય છે. વિજ્ઞાન અનુસાર આ સિઝનમાં જલેબીનું સેવન કરવું સારું ગણવામાં આવે છે. ગરમ જલેબી અમુક અંશે માઈગ્રેનની સારવારમાં અસરકારક છે. તે જ સમયે, આ તમને ખરાબ કાર્બોહાઈડ્રેટ્સથી પણ બચાવે છે.
ફાફડા સાથે જલેબી ખાવાની પ્રથા ક્યાંથી શરૂ થઇ
ફાફડા-જલેબીનો નાસ્તો ગુજરાતવાસીઓનો પ્રિય કેવી રીતે બન્યો એની પણ એક ગાથા છે. ફાફડા-જલેબીના કોમ્બિનેશનનું મૂળ અમદાવાદ અને ત્યાંની ઐતિહાસિક ચંદ્રવિલાસ હોટલ હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનથી આવેલા ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ પર ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. ચંદ્રવિલાસની ચા ખૂબ વખણાતી. અમદાવાદમાં એ વખતે ધમધમતા મિલ ઉદ્યોગને કારણે ચંદ્રવિલાસમાં નાસ્તારૂપે ફાફડા બનાવવાનું શરૂ થયું હતું. અહીંની ચા પણ ખૂબ વખણાતી. જેને માટે મણના હિસાબે દૂધ આવતું. ચા બનનાવવા માટે મોર્ટો બંબો (બોઇલર) હતો. ચા બનાવતાં પહેલાં દૂધ ઉકાળાતું. તેની મલાઇ ખૂબ ઉતરતી. જેમાંથી કેટલાકે માવાવાળી જલેબી બનાવવાનું સૂચન કર્યું ને માલીકોએ તેને અપનાવ્યું, બસ, ત્યારથી ફાફડાની સાથે જલેબીની જ્યાફત માણવાની પ્રથા શરૂ થઇ છે, ને તે આજે વણથંભી પરંપરા બની ગઇ છે. દશેરાએ ગુજરાતમાં કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી લોકો ખાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
