<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

માણાવદરના દડવા ગામે ગેસ-તેલનો ભંડાર મળવાની શકયતા

જુનાગઢ, પોરબંદર, લોધીકાના ચાંદલી ગામે એક વર્ષ પહેલા અસંખ્‍ય ડ્રીલીંગ બાદ ગેસ અને તેલ મળવાની શકયતા જુનાગઢ જીલ્લામાં ઉદભવી : વર્લ્‍ડ કલાસ મશીનરી સાથે ઓએનજીસી-કેમ્‍બેએ ૧ર કી.મી. વિસ્‍તારમાં બે સ્‍થળે પ્રથમ નોરતાથી શરૂ કર્યુ પૃથ્‍વીના પેટાળ સુધી ડ્રીલીંગ : જુનાગઢથી દરરોજ બસ મારફતે આવતો પ૦ થી ૬૦ લોકોનો સ્‍ટાફ શીફટમાં ફરજ બજાવે છે : માણાવદરની સીમમાં આવેલા કણસાગરા પરિવારના બે ખેતર ઉપર પસંદગી ઉતાર્યા બાદ ઓએનજીસીએ દર મહિને વિઘાના પ૭ હજાર લેખે ૩ વર્ષ માટે કરાર કર્યાની ચર્ચા : દડવાના સરપંચ હિરાભાઇ જલુ સાથે અકિલાની વાતચીત

 

રાજકોટ, તા., ૨ : ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા છેલ્‍લા એકાદ વર્ષથી રાજકોટ, જુનાગઢ, પોરબંદર જીલ્લામાં ગેસ અને તેલ મળવાની શકયતા  તપાસવા સેંકડો સ્‍થળે ડ્રીલીંગ હાથ ધરી એક વર્ષ પહેલા લેબોરેટરીમાં સેમ્‍પલ મોકલવામાં આવ્‍યા હતા. આ કવાયતના અંતે સંભવતઃ માણાવદરના દડવા નજીક   ગેસ-તેલ મળવાની શકયતા જણાતા પ્રથમ નોરતાથી મહાકાય વર્લ્‍ડ કલાસ મશીનરી દ્વારા ઓએનજીસી-કેમ્‍બે દ્વારા ધરતીનું પેટાળ ચીરવાનું મહાભગીરથ કાર્ય શરૂ થયાનું જાણવા મળે છે.

આ બારામાં દડવા ગામના સરપંચ હીરાભાઇ જલુ (મો.નં. ૯૭ર૪૪ ર૪૩૪૬) સાથે અકિલાએ વાતચીત કરતા તેમણે જણાવ્‍યું હતું કે, ગામની સીમમાં આવેલા જગદીશભાઇ મગનભાઇ કણસાગરાના બે ખેતરમાં પ્રથમ નોરતાથી મોટાપાયે ડ્રીલીંગ શરૂ કરવામાં આવ્‍યું છે. આ પહેલા ૩-૪ મહિનાથી ફાઉન્‍ડેશન અને રોડ-રસ્‍તા બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી.  અધિકારીઓ પાસેથી ગ્રામજનોને મળતી માહીતી મુજબ ૪ હજાર ફુટ સુધી મોટા-મોટા બે વેલ (કુવા) ખોદવા મહાકાય ડ્રીલ  કામે લગાડવામાં આવી છે. જુનાગઢની હોટલોમાં રહેતો સ્‍ટાફ શીફટ ડયુટીમાં બસ મારફતે દડવા આવે છે અને ર૪ કલાક મશીનો ધમધમી રહયા છે.  મોટા-મોટા જનરેટરોના ઉપયોગથી ડ્રીલીંગનું કામ ચાલુ છે. જે ૭ થી ૮ મહિના ચાલે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.

દડવાના સરપંચ હીરાભાઇ જલુના જણાવ્‍યા મુજબ જે ખાતેદાર ખેડુતના ખેતરમાં  સંશોધન શરૂ થયું છે. તેની સાથે કંપનીએ  એક વિઘાના મહિને પ૭ હજાર લેખે ૩ વર્ષનો કરાર કર્યાનું જાણવા મળે છે. આ ખાતેદાર ખેડુતને તેમના ખેતરમાં પ્રવેશવાની પરવાનગી નથી. ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશનના અધિકારીઓએ પણ સંશોધન ચાલુ હોવાનું સતાવાર રીતે જાહેર કર્યુ છે.

એકાદ વર્ષ પહેલા રાજકોટના લોધીકાના ચાંદલી, પોરબંદરના ગામો અને જુનાગઢ જીલ્લામાંથી સેંકડો બોર ઉંડે ઉંડે સુધી કરવામાં આવ્‍યા બાદ ઓએનજીસીની સંભવતઃ વડોદરા લેબમાં નમુના મોકલાવાયા બાદ માણાવદરના દડવા ગામે જયાં હાલમાં કામ ચાલી રહયું છે તે સ્‍પોટ નક્કી કરાયાનું  ચિત્ર ઉપસ્‍યું છે. સૌરાષ્‍ટ્રના નશીબ જોગે જો અહિંથી ગેસ-તેલનો જથ્‍થો મળશે તો સોનાનો સુરજ ઉગશે. (૪.

(2:44 PM IST)