News of Friday, 3rd October 2025
ક્રૂરતાની હદ વટાવીઃ ગાડીને મામૂલી ટક્કર મારી તો ડ્રાઈવરે બોલેરો દોડાવી બળદને કચડી નાખ્યો
રાજસ્થાનના સીકર જિલ્લામાંથી માણસાઈને લજવતી એક ક્રૂર ઘટના સામે આવી

સીકર તા.૩: રાજસ્થાનના સીકર જિલ્લામાંથી માણસાઈને લજવતી એક ક્રૂર ઘટના સામે આવી છે. એક લગ્નની જાનમાં બોલેરો SUV સાથે જ્યારે એક બળદ સામાન્ય રીતે ટકરાયો તો ગુસ્સામાં ડ્રાઈવરે હેવાનિયતની હદ પાર કરી નાખી. ડ્રાઈવરે બળદનો પીછો કર્યો અને તેને નિર્દયતાપૂર્વક કચડી નાખ્યો. આ સમગ્ર ઘટના બાજુમાં ઊભેલા લોકોએ કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલેરો ચાલક જાણી જોઈને બળદ પાછળ ગાડી દોડાવે છે અને તેને જોરદાર ટક્કર મારે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બળદની ટક્કરથી વાહનને થોડું નુકસાન થયું હતું, પણ બાદમાં ડ્રાઈવર અને તેના સાથીઓએ બળદ પર હુમલો કર્યો, તે જોઈ ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય.
આ ઘટનાના સમયે ત્યાં હાજર લોકોએ તેમને રોકવાની ઘણી કોશિશ કરી, પણ ક્રૂરતાની હદ વટાવી જનારા આ લોકોએ કોઈની વાત સાંભળી નહીં. વીડિયોમાં પણ લોકો ચીસો પાડતા, આવું કરતા રોકતા જોવા મળે છે.
આ ઘટના બાદ વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. ગો-રક્ષક સંગઠનો, પશુ પ્રેમીઓ અને સ્થાનિક ધાર્મિક સમૂહોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે, તથા દોષિતો પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ મામલે હવે પોલીસે ફરિયાદ પણ નોંધી લીધી છે તથા ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કર્યા છે. જો કે આ લખાય છે, ત્યાં સુધીમાં કોઈ ધરપકડ થઈ નથી. પણ પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે તથા કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
