<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

આવતા ગુરૂવારથી રાષ્‍ટ્રપતિ રાજકોટ-સૌરાષ્‍ટ્રની ત્રણ દિવસની મૂલાકાતેઃ રાજકોટમાં રાત્રી રોકાણઃ સરકીટ હાઉસ આખુ બુક

રાષ્‍ટ્રપતિ એઇમ્‍સ તથા સૌરાષ્‍ટ્ર યુનિ.ના કાર્યક્રમમાં જાય તેવી શકયતાઃ ફાઇનલ શેડયુલ હવે આવશે Ñ સિવીલ હોસ્‍પીટલ ખાતે સ્‍પે. બોર્ડઃ તમામ પ્રાંત-મામલતદારોને જવાબદારીઃ કલેકટર તંત્ર ઉંધામાથે

 

 

રાજકોટ, તા. ૩: ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આગામી તા. ૯-૧૦-૧૧ એમ ત્રણ દિવસ માટે રાજકોટ-સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્‍ટ્રપતિ મુર્મુ ૯ તારીખના રોજ દિલ્‍હીથી સીધા જ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે વિમાન દ્વારા ઉતરાણ કરશે. જયાં કલેકટર સહિત તમામ મહાનુભાવો સ્‍વાગત કરશે.

અધિકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રાષ્‍ટ્રપતિ મુર્મુ બાય રોડ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્‍યાં રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ, તેઓ વહેલી સવારે સાસણ જવા માટે રવાના થશે.

રાષ્‍ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમમાં સાસણ ખાતે સિંહ દર્શન અને સોમનાથ મહાદેવના દર્શનની શકયતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત, રાષ્‍ટ્રપતિ મુર્મુ રાજકોટમાં પણ એકાદ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા જોવાઈ રહી છે. જેમાં એઇમ્‍સ ખાતે પદવીદાન સમારોહ તથા સૌરાષ્‍ટ્ર યુનિ. ખાતેના કાર્યક્રમની વિગતો ઉપસી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્‍યું હતું કે, તેઓ ૯ તારીખે બપોર બાદ હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યા બાદ, તેઓ રાજકોટ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્‍ટર મારફત સાસણ જવા માટે રવાના થશે. રાષ્‍ટ્રપતિના આ મહત્‍વપૂર્ણ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્‍ટ્રપતિના રોકાણ માટે સર્કિટ હાઉસ સંપૂર્ણ બુક કરી દેવામાં આવ્‍યું છે. તમામ ૩પ રૂમ તા. ૮ થી બુક કરાશે સલામતીના ભાગરૂપે સિવિલ હોસ્‍પિટલમાં એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્‍યો છે. જેમાં તમામ પ્રકારના ડોકટરો હાજર રહેશે.

પ્રવાસની તૈયારીઓ માટે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. સુરક્ષા અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.(૬.૧૩)

 

(2:34 PM IST)