<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રાજકોટના વરિષ્‍ઠ ચિત્રકલા સાધકો સુરેશ રાવલ તથા પ્રા.ભુપત લાડવાનું ગૌરવ પુરસ્‍કારથી સન્‍માન

કામણગારી કલાને કંડારતા કસબી ચિત્રકાર પ્રોફેસર ભૂપતભાઇ લાડવા દ્રશ્‍ય ચિત્રો આલેખી કેનવાસ પર જીવંત કરે છે ચિત્રકાર સુરેશભાઇ રાવલ

૧૧ વર્ષની વયે લોકનાયક જયપ્રકાશ નારાયણ, ડો. રાજેન્‍દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, દિગ્‍ગજ અભિનેતા પૃથ્‍વીરાજ કપૂર વગેરેના ત્‍વરીત સ્‍કેચ દોરીને તેમના હસ્‍તાક્ષરો મેળવી પ્રસંશા પામ્‍યા  :  મુંબઈ રાજ્‍યની ડિપ્‍લોમા ઈન ડ્રોઈંગ એન્‍ડ પેઈન્‍ટિંગની પદવી ઉચ્‍ચ ગુણાંક સાથે નાની વયમાં ડિગ્રી મેળવનાર આખા સૌરાષ્ટ્રમાં ભૂપતભાઇ લાડવા પ્રથમ કલાકાર છે.  :   રાજકોટ, અમદાવાદ, મુંબઈ, દિલ્‍હી, ઉજ્જૈન, અમેરિકાના ઓહાયો સ્‍ટેટ અને છેક નૈરોબી સુધી યોજાયેલાં પ્રદર્શનોમાં એમના ચિત્રો સ્‍થાન અને સન્‍માન પામ્‍યા છે.  :  કેન્‍દ્રિય લલિતકલા અકાદમીની ઓલ ઈન્‍ડિયા ડિરેકટરીમાં સ્‍થાન પામેલા ભૂપતભાઇ લાડવા કેવળ ચિત્રકાર નથી તેઓ કલા મર્મજ્ઞ અને પ્રભાવશાળી વક્‍તા પણ છે.       :   સુરેશભાઇ રાવલે શાળાના અભ્‍યાસ દરમિયાન હોળી દિવાળી, દેવી દેવતાઓ, ઈતિહાસ, શિવાજી, રાણાપ્રતાપ કે દેશની વિભૂતિઓ-રાષ્ટ્રપતિઓ -વડાપ્રધાનો વગેરે અનેક વિષયો ચિત્રો દ્વારા આલેખ્‍યા.  :   ૧૯૭૪ થી સુરેશભાઇ રાવલની ચિત્રકલા લક્ષ્ય અને દિશાઓ વાળી નિજી શૈલીએ ઘડાતી ચાલી- હજુ પણ ચાલી રહી છે.  :   વિજ્ઞાન શાખામાં માસ્‍ટર્સ- એમ.એસ.સી (રસાયણ - ભૌતિક શાષ) અને કોમ્‍યુટરમાં ડીપ્‍લોમાં તથા વ્‍યવસાયે રાજકોટની એકાઉન્‍ટન્‍ટ જનરલ (એ.જી. ઓફીસ) માં જોડાઈને વેલ્‍ફેર ઓફીસર (ક્‍લાસ-વન) સુધી પહોંચ્‍યા.  :  સુરેશભાઇ ઑઈલકલર, વોટરકલર, એક્રાઇલિક માધ્‍યમોમાં રંગ ચિત્રો કે કાળા રેખાંકનોનું અદભૂત સર્જન કરી જાણે છે.  :  ગુજરાત રાજ્‍ય લલિત કલા એકેડમી ગૌરવ પુરસ્‍કાર ઉપરાંત, અમદાવાદના ત્રણ, અમૃતસર ખાતે ત્રણ, નાગપુરમાં એક, પુના ખાતે બે, વિશાખાપટનમમાં પાંચ, રાયપુરમાં ત્રણ વગેરે સહિત અનેક એવોર્ડ-મેરીટ સર્ટીફીકેટ સુરેશભાઇને પ્રાપ્ત થયા છે.  :  તેમના ચિત્રો ગુજરાત રાજ્‍ય લલિત કળા એકેડેમી, કેન્‍દ્રીય લલિત કલા એકેડેમી અને ભારત તેમજ ફ્રાંસ, કેનેડા અને સ્‍કેન્‍ડીનેવીયા દેશોના કલા ચાહકો દ્વારા સંગ્રહિત થયા છે. 

 રાજકોટ, તા.૩૦ : ગુજરાત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે વિશીષ્ટ અને ઉચ્‍ચતમ પ્રદાન કરનાર વ્‍યકિત વિશેશોને ‘ગૌરવ પુરસ્‍કાર' થી સન્‍માનીત કરવામાં આવે છે. ગુજરાત રાજય લલીત કલા અકાદમી દ્વારા ૧૯૬૪થી અપાતા આ પુરસ્‍કારના પ્રથમ પુરસ્‍કૃત કલાકાર રાજયના કલાગુરુ રવિશંકર રાવલ હતાં. આ પ્રતિષ્‍ઠીત બે ‘ગૌરવ પુરસ્‍કારો' માટે રાજકોટના જાણીતા ચિત્રકારો પ્રા.ભુપત લાડવા અને સુરેશ રાવલની પસંદગી લલીતકલા અકાદમીની તજજ્ઞ સમીતી દ્વારા કરવામાં આવી હતી. તે અન્‍વયે તા.ર૪/૯ના ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયેલ પુરસ્‍કાર વિતરણ સમારંભમાં રાજયના મંત્રી મુળુભાઇ બેરા (સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ) દ્વારા રાજકોટના આ બંને કલાકારોને ગૌરવ પુરસ્‍કૃત કરવામાં આવેલ છે. સમારંભમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત રાજય લલીતક કલા અકાદમીના અઘ્‍યક્ષ આલોકકુમાર પાંડે, અકાદમીના સચીવ મહેશ દેસાઇ અને રાજયના અનેક પ્રસિઘ્‍ધ કલાકારો તેમજ ગુણીજનોની ઉપસ્‍થિત રહયાં હતા. આ બંને ચિત્ર સાધકોને ગૌરવ પુરસ્‍કારથી રાજકોટનું કલાજગત પણ ગૌરવવંત થયું છે.

સૌરાષ્ટ્રના રંગ અને રૂપ થકી ગુલાબ સરીખું ઉભરી આવેલું એક ઝળહળતું નામ એટલે સર્વાંગી કલાકાર પ્રો. ભૂપતભાઇ લાડવા. કલા અને જીવન વચ્‍ચેના સાતત્‍યને ઉજાગર કરી જીવનને ઊર્ધ્‍વગમન તરફ દોરી જનાર અનેક કલાકારોના પ્રેરણામૂર્તિ તેઓ વયસ્‍ક ચિત્રકાર છે. ૭ ઓકટોબર, ૧૯૩૭માં રાજકોટ ખાતે જન્‍મેલા ભૂપતભાઇ લાડવાનો પરિવાર કલા સાથે સંકળાયેલો હતો. પિતાશ્રી ખીમજીભાઈ લાડવા શિલ્‍પકાર હતા અને મોટાભાઈ કાંતિભાઈ ચિત્રકલાના શોખીન. એથી જ કિશોરાવસ્‍થામાં પાંગરેલા કલારસને એમણે એકલવ્‍યની જેમ સ્‍વયં સાધક બની પોષ્‍યો અને હાથવગા સાધનો લઈને ચિત્રકલામાં ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું. સૌરાષ્ટ્રની ચિત્રશાળામાં ખ્‍યાતિ પ્રાપ્ત કલાકાર સ્‍વ. મગનભાઈ ત્રિવેદીના સાંનિધ્‍યમાં કલાની સાધનાનો પ્રારંભ કરી ભૂપતભાઇ લાડવાએ સ્‍વ. રવિશંકર રાવળ, શ્રી સોમાલાલ શાહ અને જગન્નાથ અહિવાસીના પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્‍યા. ૧૧ વર્ષની વયે તેમણે લોકનાયક જયપ્રકાશ નારાયણ, ડો. રાજેન્‍દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, દિગ્‍ગજ અભિનેતા પૃથ્‍વીરાજ કપૂર વગેરેના ત્‍વરીત સ્‍કેચ દોરીને તેમના હસ્‍તાક્ષરો મેળવી પ્રસંશા પામ્‍યા હતા. ૧૯૫૬માં તેમણે મુંબઈ રાજ્‍યની ડિપ્‍લોમા ઈન ડ્રોઈંગ એન્‍ડ પેઈન્‍ટિંગની પદવી ઉચ્‍ચ ગુણાંક સાથે મેળવી, નાની વયમાં આવી ડિગ્રી મેળવનાર આખા સૌરાષ્ટ્રમાં ભૂપતભાઇ લાડવા પ્રથમ કલાકાર હતા. મુંબઈની સર જે. જે. સ્‍કૂલ ઓફ આર્ટમાંથી ૧૬ વર્ષની વયે ફાઈન આર્ટ્‍સ ડ્રોઈંગ એન્‍ડ પેઈન્‍ટિંગની ડિપ્‍લોમા પદવી પ્રાપ્ત કરનાર રાજકોટના તેઓ સૌપ્રથમ કલાકાર હતા.

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન વર્ગમાં તથા માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં તત્‍વજ્ઞાનના પ્રાધ્‍યાપક તરીકે જોડાયા બાદ શિક્ષણ કાર્યની સાથે સાથે તેમના સર્જન (ચિત્રો)માં તત્‍વદર્શન ઉભરાવા લાગ્‍યું. યથાર્થવાદી કલાપ્રવાહો અને મોડર્ન આર્ટના વાદોથી પર થઈને સૌરાષ્ટ્રની ભાતીગળ કળા પર તેમણે વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું. આ કલાકારે સૌરાષ્ટ્રની ધરતીનાં તળપદા કલાતત્‍વને પોતાની રંગરેખાની સૃષ્ટિમાં સાહજીકતાથી આવવા દીધાં છે. તળપદા તત્‍વોને જીવંત સ્‍પર્શ આપીને તેઓ અટક્‍યા નથી પરંતુ કંઈક નવું, કંઈક નયનરમ્‍ય આલેખવાની કલાસૂઝ તેઓએ પોતાની કૃતિઓમાં સાંગોપાંગ દર્શાવી છે. સૌરાષ્ટ્રી વાતાવરણને લય અને લાવણ્‍ય સાથે આલેખ્‍યું છે. ભૂપતભાઇ લાડવાના પાત્ર સર્જનમાં ભારોભાર સ્‍વાભાવિકતા સાંપડે છે.

અભ્‍યાસકાળથી જ વિવિધ પ્રદર્શનોમાં તેમની ચિત્રકૃતિઓ પ્રદર્શિત થવા માંડેલી. રાજકોટ, અમદાવાદ, મુંબઈ, દિલ્‍હી, ઉજ્જૈન, અમેરિકાના ઓહાયો સ્‍ટેટ અને છેક નૈરોબી સુધી યોજાયેલાં પ્રદર્શનોમાં એમના ચિત્રો સ્‍થાન અને સન્‍માન પામ્‍યા છે. ભૂપતભાઇ લાડવના ચિત્રોના પ્રદર્શનોમાં ન્‍યૂ દિલ્‍હી-૧૯૫૬, રાજકોટ-૧૯૫૬, નૈરોબી-૧૯૫૮ અને મુંબઈ-૧૯૬૦ માં જહાંગીર આર્ટ ગેલેરી ખાતે તેમના ચિત્રો ખૂબ પ્રશંસા પામ્‍યા છે. કેન્‍દ્ર સરકારની લલિતકલા એકેડેમી દ્વારા ન્‍યુ દિલ્‍હી રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં તેઓની ‘મ્‍યુરલ પેનલ' પુરસ્‍કૃત થઈ હતી અને આ પેઈન્‍ટિંગ પોલેન્‍ડના એમ્‍બેસડરે ખરીદી કરીને તેઓનું બહુમાન કર્યું હતું. તેમનું ખૂબ જાણીતું ચિત્ર એટલે લોકશૈલીની ભાતીગળ કૃતિ ‘ટિપ્‍પણી નૃત્‍ય' જે ખૂબ પ્રસિદ્ધ ‘ધર્મયુગ' સાપ્તાહિકમાં મધ્‍ય પેજ પર મોટી સાઈઝમાં પ્રકાશિત થયું હતું. આ ટિપ્‍પણી નૃત્‍ય' ચિત્ર ગુજરાત રાજ્‍યના સ્‍ટેટ કેલેન્‍ડરમાં તથા સ્‍ટેટ વીઆઈપી ડાયરીમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું હતું. આ અતિ લોકપ્રિય ‘‘ટિપ્‍પણી નૃત્‍યઙ્ઘ કલાકૃતિ થકી સમગ્ર દેશમાં તેમની એક આગવી ઓળખ ઉભી થઈ. સર્જક અને સર્જન એકબીજાથી ઓળખાયા. ઉજ્જૈન ખાતે યોજાયેલ કાલિદાસ કલા-સાહિત્‍ય સમારોહમાં તેમની જાણીતી કૃતિ ‘કુમાર સંભવ' ખૂબ પ્રશંસા પામી અને તત્‍કાલીન ગૃહ પ્રધાન શ્રી ગોવિંદ વલ્‍લભ પંતના હસ્‍તે તેમને પારિતોષિક પણ પ્રાપ્ત થયું. મુંબઈના જહાંગીર આર્ટ ગેલેરીના કલા પ્રદર્શનમાં તેમની એક વિશિષ્ટ કૃતિ ‘વિલેજ ફેર' પુરસ્‍કૃત થઈ અને જમ્‍મુ-કશ્‍મીરના ટ્રાવેલીંગ એક્‍ઝીબીશન માટે એની ખરીદી થઈ તેમજ ત્‍યાંના મ્‍યુઝિયમમાં આજે પણ તે સુશોભિત થઈ રહી છે. તેમની ખૂબ જાણીતી કૃતિઓમાં ‘વિદાયના આંસુ' અને ‘ગોવાલણ' જેવા અપૂર્વ ચિત્રોને કલાગુરૂ રવિશંકર રાવળના હસ્‍તે પારિતોષિક પ્રાપ્ત થયા હતા. દ્વિભાષી મુંબઈ રાજ્‍ય દ્વારા બૃહદ રાજ્‍ય કલા પ્રદર્શનમા ‘રાંદલ માતાના લોટા'ને ‘ભારતીય દ્રષ્ટિ' પુરસ્‍કાર પ્રાપ્ત થયો હતો.

 ગુજરાત રાજ્‍ય અસ્‍તિત્‍વમાં આવતાની સાથે જ ૧૯૬૦માં અમદાવાદના સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે યોજાયેલ સર્વ પ્રથમ કલા પ્રદર્શનમાં ‘પાળીયાની પૂજા'ને એ સમયે સ્‍પેશ્‍યલ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને તે ખરીદીને બાલવાટીકાના ગ્‍લાસ હાઉસમાં સુશોભિત કર્યું હતું. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટી, રાજકોટ શાખા દ્વારા ૧૯૬૮માં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં રાજકોટના ‘ભક્‍તિનગર સ્‍ટેશન' અને ‘લોકમેળા'નું ચિત્ર રાત્રિ દ્રશ્‍ય ચિત્રોમાં વિશેષ પ્રશંસા પામ્‍યા હતા. ગુજરાતના લબ્‍ધપ્રતિષ્‍ઠિત સામાયિક ‘કુમાર'માં ‘શરણાઈના સૂર', ‘રાંદલમાતા' અને ‘પ્રેમયાત્રા' જેવી તેમની કૃતિઓ એક સમયે મુખપૃષ્‍ઠ પર સ્‍થાન પામી હતી. કેન્‍દ્રિય લલિતકલા અકાદમીની ઓલ ઈન્‍ડિયા ડિરેકટરીમાં સ્‍થાન પામેલા ભૂપતભાઇ લાડવા કેવળ ચિત્રકાર નથી તેઓ કલા મર્મજ્ઞ પણ છે. ચિત્રકલાના વિવિધ વાદો ઉપર તથા જીવનને સ્‍પર્શતા તત્‍વદર્શન વિષયક પ્રભાવશાળી વક્‍તા પણ છે. ટૂંકમાં ભૂપતભાઇ લાડવા કલાની ક્‍યારીમાં તત્‍વજ્ઞાનનું કેસર છે. તેઓનું ગુજરાત સરકારે ગૌરવ પુરસ્‍કાર આપી સન્‍માન કર્યું તે સમગ્ર કલાજગત માટે ગૌરવપૂર્ણ ઘટના છે.

મૂળ હળવદ (સુરેન્‍દ્રનગર જીલ્‍લો) ના ચિત્રકાર સુરેશભાઇ પરશુરામ રાવલનો જન્‍મ  તા. ૨ જુલાઇ ૧૯૫૩ માં થયો હતો. ચોથા ધોરણથી ચિત્રો વિશે જાણવામાં તેઓને રસ પડ્‍યો હતો. પાઠ્‍ય પુસ્‍તકમાં દોરેલા મકાનો, ટેબલ, ખુરથી - પેટીઓ વગેરેના અસંખ્‍ય ચિત્રો પેન વડે પાટી માં દોર્યા હતા. જે કંઇ નવુ જુએ તેના તેના રેખાંકનો કે રંગ ચિત્રો તેઓ દોરતા.  સુરેશભાઇ રાવલે શાળાના અભ્‍યાસ દરમિયાન હોળી દિવાળી, દેવી દેવતાઓ, ઈતિહાસ, શિવાજી, રાણાપ્રતાપ કે દેશની વિભૂતિઓ-રાષ્ટ્રપતિઓ -વડાપ્રધાનો વગેરે અનેક વિષયો ચિત્રો દ્વારા આલેખ્‍યા. સુરેશભાઇના પિતાશ્રી પરશુરામભાઈ રાવલને અંગ્રેજી વિષયમાં વ્‍યાખ્‍યાતા તરીકે રાજકોટ આવવાનું થયું. પહેલા કોટક સાયન્‍સ કોલેજ અને પછીથી ધર્મેન્‍દ્રસિંહજી આર્ટસ કોલેજ માં તેઓએ અંગ્રેજી વિષયના વ્‍યાખ્‍યાયા તરીકે સેવાઓ આપી ને નિવૃત થયા. આમ ઘરમાં એંગ્રેજી નું વાતાવરણ હોવાથી સુરેશભાઇને તે ભાષાનું જ્ઞાન સ્‍વાભાવિક રીતે મળ્‍યું. ત્‍યાર સુધી તેમણે સૌરાષ્ટ્ર ચિત્રશાળામાંથી ચિત્ર વિષયની ઈન્‍ટરમીડિએટ પરીક્ષા પાસ કરી લીધેલી.

અંગ્રેજી ભાષા તેમને ચિત્ર કારકિર્દીમાં ખુબજ મદદરૂપ થઈ. રાજકોટની ચારેય લાઈબ્રેરીઓ - લાખાજીરાજ, રામકૃષ્‍ણ, ડીસ્‍ટ્રીક્‍ટ અને લેંગમાં ઊપલબ્‍ધ અનેક ચિત્રકલા વિષયક પુસ્‍તકો અંગ્રેજીમાંજ હતા તે બધા ચીવટ પૂર્વક વાંચી નોંખ્‍યા. જેનો ફાયદો તેમને એ મળ્‍યો કે વૈશ્વીક સ્‍તરે ચાલતી ચિત્ર શૈલીઓ, પヘમિી ઈતિહાસ, પ્રસિધ્‍ધ દિગ્‍ગજ ચિત્રકારો અને તેમનાં ચિત્રો તેમજ જીવન સાથે વણાયેલી વિચારધારાઓનો અંતરંગ પરીચય મળ્‍યો. આ સઘન અને જાગૃતિપૂર્વકના અભ્‍યાસથી તેમની ચિત્રકળામાં નિખાર આવ્‍યો. એ સમજાયું કે સર્જક ને પોતાની આસપાસની સૃષ્ટિ બાબત વિચારો, ઊર્મિઓ, કલ્‍પનો વગેરે હોવા જોઈએ અને તે કલાત્‍મક રંગ-રૂપ-રેખાઓ વડે ચિત્રોમાં એવી રીતે ઊત્તરવા જોઈએ કે લોકોને હાર્દસમા લાગે. ત્‍યારથી - એટલેકે ૧૯૭૪ થી સુરેશભાઇ રાવલની ચિત્રકલા લક્ષ્ય અને દિશાઓ વાળી નિજી શૈલીએ ઘડાતી ચાલી- હજુ પણ ચાલી રહી છે. તેમણે કલાવિદ્યાલયોનો અભ્‍યાસ નહીં થયાની ખોટ ક્‍યારેય વર્તાઇ નથી.

સુરેશભાઇ રાવલે કોલેજ અભ્‍યાસ વિજ્ઞાન શાખામાં માસ્‍ટર્સ- એમ એસ સી (રસાયણ - ભૌતિક શાષ) અને કોમ્‍યુટરમાં ડીપ્‍લોમાં તથા વ્‍યવસાયે રાજકોટની એકાઉન્‍ટન્‍ટ જનરલ (એ.જી. ઓફીસ) માં જોડાઈને વેલ્‍ફેર ઓફીસર (ક્‍લાસ-વન) સુધી પહોંચ્‍યા. આ વર્ષોમાં પણ સુરેશભાઇની ચિત્રકળા નિજાનંદ, ખંત અને રસપૂર્વક ચાલુ રહી શકી. તેમની આગલી પેઢીનાં રાજકોટનાં વરીષ્‍ઠ કલાકારો સર્વશ્રી સનત ઠાકર, મનહર મકવાણા, અશ્વિન વ્‍યાસ, બળવંત જોશી અને મહદ્‌ અંશે પ્રેમજી નકુમ સાથેનો તેમનો પરીચય અંતરંગ રહ્યો છે અને તેઓ સર્વે દ્વારા સુરેશભાઇની ચિત્રકલાને શુભાશિષો મળતા રહ્યા છે. જોકે વ્‍યક્‍તિગત રીતે તેઓ ચિત્રકળામાં કોઇના વિદ્યાર્થી કે શિષ્‍ય રહી શક્‍યા નથી.

સુરેશભાઇ કહે છે, રાજકોટનાં સાહિત્‍ય સર્જેકો સંજુવાળા, મહેન્‍દ્ર જોશી, વસંત જોશી, દિલીપ જોશી, લલિત ત્રિવેદી, અમિત વ્‍યાસ, મનોજ શુક્‍લ વગેરે સાથેના મારા પરિચય અને ચિત્ર સાહિત્‍ય વિશેની વાતોથી મારી ચિત્રકલાને સાહિતીક દ્રષ્ટીકોણથી મુલવવા તકો મળી છે. સુરેશભાઇ રાવલ ઑઈલકલર, વોટરકલર, એક્રાઇલિક માધ્‍યમોમાં રંગ ચિત્રો કે કાળા રેખાંકનોનું અદભૂત સર્જન કરી જાણે છે. તેઓ પ્રકૃતિપ્રેમી હોવાથી ગ્રામ્‍ય પરિસરો, ખેતરો, વાવ, કૂવાઓ, લહેરાતા પાકો, કૃષિજીવન, શેરીઓ અને વૃક્ષો-બાગ-બગીચા અને ઋતુ પલટાઓ અનુંસારની મોસમી કૃતિઓ તેમના ચિત્રોમાં ભરપુર માત્રામાં ઊતરી આવી હોય તેવુ અનુભાયુ છે. સુરેશભાઇ રાવલ સ્‍થળ પર દ્રશ્‍ય ચિત્રો આલેખવાના આગ્રહી છે.

ગુજરાત રાજ્‍ય લલિત કલા એકેડમી ગૌરવ પુરસ્‍કાર ઉપરાંત, અમદાવાદના ત્રણ, અમૃતસર ખાતે ત્રણ, નાગપુરમાં એક, પુના ખાતે બે, વિશાખાપટનમમાં પાંચ, રાયપુરમાં ત્રણ વગેરે સહિત અનેક એવોર્ડ-મેરીટ સર્ટીફીકેટ સુરેશભાઇને પ્રાપ્ત થયા છે. ગુજરાતકલા પ્રતિષ્‍ઠાન (સુરત) નો કલા રત્‍ન એવોર્ડ તેમજ તે સંસ્‍થાના સુરત ખાતેના રાજ્‍ય વ્‍યાપી પ્રદર્શનો તેમજ આંતર રાજ્‍ય કલા શિબિરોમાં સાપુતારા, સુરત, નારગોલ, ઇડર, ભાણવડ, પાલીતાણા, વડનગર, સોમનાથ, વડતાલ, નાસિક, ભરૂચ અને પોરબંદરની કલા શિબિરોમાં પણ દસ જેટલા એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. સુરેશભાઇએ તેમની ચિત્રકળાના વાંકાનેર અને રાજકોટ ખાતે બે એકલ પ્રદર્શનો સ્‍પોનસર થઈને યોજાયા છે. ઉપરાંત રાજકોટની આર્ટ ગેલેરીમાં યોજાયેલ ૨૩ ગ્રુપ શો. જેમાંના ત્રણ રાજકોટ કોર્પોરેશન દ્વારા, તદ ઉપરાંત પચાસ જેટલા ગ્રુપ શો  અમદાવાદ - વડોદરા - મુંબઈ - લખનવ - ગુવાહાટી - ચંદિગઢ - સુરત - નવી દિલ્‍હી વગેરે શહેરોમાં યોજાયા છે. તેમના ચિત્રો ગુજરાત રાજ્‍ય લલિત કળા એકેડેમી, કેન્‍દ્રીય લલિત કલા એકેડેમી અને ભારત તેમજ ફ્રાંસ, કેનેડા અને સ્‍કેન્‍ડીનેવીયા દેશોના કલા ચાહકો દ્વારા સંગ્રહિત થયા છે. તેઓનું ગુજરાત સરકારે ગૌરવ પુરસ્‍કાર આપી સન્‍માન કર્યું તે સમગ્ર કલાજગત માટે ગૌરવપૂર્ણ ઘટના છે.

 પ્રા. ભુપતભાઇ લાડવાનો

સંપર્કઃ ૯૪૦૮૭૧૭૧૯૯ / ૯૪૨૭૭૨૦૪૦૪

 

સુરેશભાઇ રાવલનો

સંપર્કઃ ૯૮૭૯૧૫૯૪૭ / ૯૨૬૫૮૯૯૮૯૨

(3:47 PM IST)