<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

હાઈવે પર હવે QR કોડવાળા સાઈન બોર્ડ લાગશે, સ્‍કેન કરતા તમામ જાણકારી મળશે

સરકારની મોટી જાહેરાતઃ QR કોડવાળા બોર્ડ હાઈવેની સાઈડમાં, ટોલ પ્‍લાઝા, ટ્રક પાર્કિંગ, રેસ્‍ટ એરિયા અને હાઈવે સ્‍ટાર્ટ એન્‍ડ પોઈન્‍ટ્‍સ પર લાગેલા જોવા મળશે મુસાફરી કરતા લોકોને મદદ મળશે. ઈમરજન્‍સી સેવાઓની તાત્‍કાલિક જાણકારી આપના મોબાઈલ પર મેળવી શકશો

નવી દિલ્‍હી તા.૪: દેશમાં હવે હાઈવે અને એક્‍સપ્રેસવેની જાળ પથરાઈ રહી છે. નવા હાઈવે તો બની જ રહ્યા છે, પણ જૂના રોડ પણ સરકાર અપગ્રેડ કરી હાઈટેક સુવિધાવાળા બનાવી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા હવે દેશભરમાં હાઈવેને વધારે સ્‍માર્ટ બનાવવા માટે મોટું પગલું ભરવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં હાઈવે પર એવા હાઈટેક સાઇન બોર્ડ લગાવવામાં આવશે, જેના પર QR કોડ હશે. મુસાફરી દરમિયાન જ્‍યારે પણ કોઈ યાત્રી આ QR કોડ પોતાના મોબાઇલમાં સ્‍કેન કરશે તો તરત તેમને બધી જરૂરી જાણકારી મળી જશે.

QR કોડવાળા બોર્ડ હાઈવેની સાઇડમાં, ટોલ પ્‍લાઝા પર, ટ્રક પાર્કિંગ, રેસ્‍ટ એરિયા અને હાઈવેના સ્‍ટાર્ટ/એન્‍ડ પોઈન્‍ટ્‍સ પર લગાવવામાં આવશે. તેનાથી મુસાફરોને સફરમાં મદદ મળશે. ઇમરજન્‍સીમાં તરત જાણકારી મળશે અને હાઈવે પર સુરક્ષા વધશે. હાલમાં મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની જાણકારી લેવા માટે લોકો ઇન્‍ટરનેટ પર સર્ચ કરે છે. ઘણી વાર ઇમરજન્‍સી નંબર અથવા કોઈ અન્‍ય જાણકારી શોધવા જતાં સાઇબર ફ્રોડનો શિકાર પણ થઈ જાય છે. ક્‍યૂઆર કોડ સ્‍કેન કરતા જ હવે તમામ જાણકારી મળી જશે.

હાઈવેના સાઇન બોર્ડ પર લાગેલા ક્‍યૂઆર કોડને સ્‍કેન કરતા જ આપની સામે હાઈવે અને હાઈવે પર આવેલી તમામથી સંબંધિત જાણકારી એક જ જગ્‍યાએ મળી જશે. આ બોર્ડ્‍સને સ્‍કેન કરવાથી યાત્રીઓ આ હાઈવે પ્રોજેક્‍ટ સાથે જોડાયેલી ખાસ જાણકારી મળશે, જેમ કે હાઈવેનો નંબર કયો છે, રોડની લંબાઈ કેટલી છે, તે ક્‍યારે બન્‍યો હતો અને તેમાં રિપેર કામ થયું છે કે નહીં. તેની સાથે જ જરૂરી ફોન નંબર પણ મળી જશે. હાઈવે પેટ્રોલ પંપ, ટોલ મેનેજર, પ્રોજેક્‍ટ એન્‍જિનિયર, ૧૦૩૩ ઇમરજન્‍સી હેલ્‍પલાઇન અને NHAI ઓફિસ નંબર તમે ખાલી કોડ સ્‍કેન કરીને લઈ શકશો.

આ ઉપરાંત નજીકમાં આવેલી સુવિધાઓની પણ જાણકારી QR કોડથી મળી જશે. જેમ કે હોસ્‍પિટલ, પેટ્રોલ પંપ, ટોયલેટ, પોલીસ સ્‍ટેશન, હોટલ-રેસ્‍ટોરન્‍ટ અને ટોલ પ્‍લાઝા ક્‍યાં અને કેટલે દૂર છે. ટ્રક પાર્કિંગ, પંક્‍ચર રિપેર અને ઇ-ચાર્જિંગ સ્‍ટેશન તથા લોકેશન પણ ક્‍યૂઆર કોડ સ્‍કેન કરતા આપના મોબાઇલમાં જોવા મળી જશે.

(9:22 AM IST)