<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પહેલાં જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરે આશીર્વાદ લીધા

તેમની આ વરણી નિશ્ચિત બનતા વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલે તેમને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું

કેમ્‍પ હનુમાન મંદિરે દર્શનનો લાભ લેતા જગદિશ વિશ્‍વકર્મા :  જગદીશભાઇ વિશ્‍વકર્માજીએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘‘કમલમ'' પહોંચતા    પહેલા કેમ્‍પના હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. જેમાં મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ પ્રેરકભાઇ શાહ પણ તેમની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ).

અમદાવાદ :ગુજરાત ભાજપના સંગઠનાત્મક સુકાન માટે હવે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલનું નામ નિશ્ચિત થઈ ગયું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને, શુક્રવારે બપોરે વિજય મુહૂર્તમાં શ્રી કમલમ ખાતે તેમણે પોતાના 10 ટેકેદારો સાથે પ્રદેશ પ્રમુખ પદ માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. બપોરે જગદીશ પંચાલે કમલમમાં જતા પહેલાં તેમણે અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તેમની આ વરણી નિશ્ચિત બનતા વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલે તેમને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.

ચૂંટણી અધિકારી ઉદય કાનકડેને ઉમેદવારી પત્ર સોંપવામાં આવ્યું હતું, પરંતુ અન્ય કોઈ નેતાએ ફોર્મ ભર્યું નહોતું. સર્વાનુમતે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકેની બિનહરીફ વરણી નક્કી થઈ ગઈ છે, જેને પગલે ચૂંટણી પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા બની રહી હતી. ફોર્મ ભર્યા બાદ તરત જ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

હાઈકમાન્ડે આ વખતે ઓબીસી નેતા પર પસંદગી ઉતારી છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે અને તેમને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે સંગઠનનો બહોળો અનુભવ છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકેની તેમની નોંધપાત્ર કામગીરી પણ પસંદગીનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર ઘોષણા આજે એટલે કે શનિવારે બપોરે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તેઓ પદગ્રહણ બાદ મંત્રી તરીકે રાજીનામું આપે તેવી શક્યતા છે.

(2:55 PM IST)