News of Saturday, 4th October 2025
જામનગરમાં ૧૦૦ કરોડથી વધુનું જીએસટી કૌભાંડ બહાર આવવાની સંભાવના
આજે સતત બીજા દિવસે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની કુલ સાત ટીમો દ્વારા સર્ચ ઓપરેશન : CA અલ્પેશ પેઢડિયા દ્વારા બેનામી હિસાબો ચલાવવાની આશંકા : BRAHM એસોસિએટેડ પેઢીના સંચાલકો દરોડા શરૂ થતાં જ તાળા મારી નાસી ગયા!

જામનગરઃ જીએસટી એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. રાજકોટ, ભાવનગર અને જુનાગઢની ત્રણ ટીમ સહિત ૭ ટીમ દ્વારા જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ધંધાર્થી અને સીએ અલ્પેશ પેઢડીયાની ઓફિસે તાળા અને ઘરે એક ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાઇ રહ્યું છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર) (૯.૧૯)
(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, તા. ૪: GST વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ જામનગર શહેરમાં મોટી અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GST એન્ફોર્સમેન્ટ ટીમે એકસાથે ૨૫ જેટલી પેઢીઓમાં ચકાસણી શરૂ કરતાં વેપારી આલમમાં હડકંપ મચી ગયો છે. બિલ્ડર અને બ્રાસના સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે.
કાર્યવાહીના મુખ્ય મુદ્દાઓઃ
આ કાર્યવાહીમાં અમદાવાદની GST ટુકડીઓ સહિત રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમો મળીને કુલ સાત ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
જામનગરના સીએ અલ્પેશ પેઢડિયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા છે. અલ્પેશ પેઢડિયાની એસ્પાયર ઇનકોર્પોરેશન સહિતની ફર્મ્સ પણ તપાસના દાયરામાં છે.
એક મહત્ત્વની પેઢી BRAHM એસોસિએટેડ સામે કાર્યવાહી શરૂ થતાં જ તેના સંચાલકો તાળા મારીને નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો મુજબ, તપાસ દરમિયાન કેટલીક પેઢીઓના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જ વ્યવહારો કરવામાં આવતા હતા.
પ્રાથમિક આશંકા મુજબ, આ સમગ્ર કૌભાંડ રૂા.૧૦૦ કરોડથી વધુનું મોટું GST ક્રેડિટ ઇનપુટ કૌભાંડ હોઈ શકે છે.
આ કાર્યવાહીમાં કેટલીક બોગસ પેઢીઓ પણ ચાલી રહી હોવાની શકયતા વ્યક્ત કરાઈ છે, જેના કારણે આગામી પાંચ દિવસ સુધી ચાલનારી આ તપાસમાં મોટા માથાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
