<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢને ૯ વર્ષના લાંબા ગાળા બાદ નિયમિત રજિસ્ટ્રાર મળ્યા : ડૉ. આર. જી. પરમારની બીજી વખત રેગ્યુલર રજિસ્ટ્રાર તરીકે પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. આર. જી. પરમાર યુનિવર્સિટીના પ્રથમ રજિસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે : પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે કાયમી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં જ આ ઐતિહાસિક નિમણૂક કરી

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ (BKNMU) માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની શરૂઆત થયાના લગભગ નવ વર્ષના લાંબા સમયગાળા બાદ હવે યુનિવર્સિટીને નિયમિત રજિસ્ટ્રાર (કુલસચિવ) મળ્યા છે.
ડૉ. આર. જી. પરમારની બીજી વખત નિમણૂક:
નવનિયુક્ત રજિસ્ટ્રાર તરીકે ડૉ. આર. જી. પરમારની પસંદગી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પરમાર બીજી વખત યુનિવર્સિટીના રેગ્યુલર રજિસ્ટ્રાર બન્યા છે. યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારે ૨૦૧૬ની સાલમાં પણ સરકાર દ્વારા પ્રતિનિયુક્તિથી શ્રી આર. જી. પરમારે જ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ રેગ્યુલર રજિસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
વર્તમાન કાર્યભાર:
નવનિયુક્ત રજિસ્ટ્રાર ડૉ. આર. જી. પરમાર હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની રેગ્યુલર પોસ્ટ પર કાર્યરત છે. જૂનાગઢ યુનિવર્સિટી ખાતે તેઓ વર્તમાન કા.કુલસચિવ ડૉ. મયંક સોની પાસેથી પોતાનો ચાર્જ સંભાળશે. આ નિમણૂક બદલ ડૉ. આર. જી. પરમારના મોબાઈલ નંબર ૯૪૨૬૨ ૪૬૯૦૧ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.
કુલપતિની મોટી સિદ્ધિ:
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સૌથી સફળ અને અનુભવી કુલપતિ તરીકે જાણીતા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા કાયમી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ માત્ર ૧૦૦ દિવસમાં જ અનેક આમૂલ અને હકારાત્મક પરિવર્તનો કર્યા છે, જે પૈકી આ નિયમિત રજિસ્ટ્રારની નિમણૂક સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે.

 

(6:00 PM IST)