News of Saturday, 4th October 2025
‘નવરંગ’ ફેમ અભિનેત્રી સંધ્યા શાંતારામનું ૮૭ વર્ષની વયે દુઃખદ અવસાન: બોલીવુડના એક યુગનો અંત!
સંધ્યા શાંતારામનું અવસાન ભારતીય સિનેમા જગત માટે એક મોટી ખોટ, એક યુગનો થયો અંત: તેમની કલા અને યાદગાર ભૂમિકાઓ કાયમ માટે જીવંત રહેશે

મુંબઈ : બોલીવુડ અને મરાઠી ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમની અદભૂત અભિનય અને નૃત્યકલાથી દર્શકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ અભિનેત્રી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામની પત્ની સંધ્યા શાંતારામનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનને કારણે ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સંધ્યા શાંતારામના અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈના શિવાજી પાર્ક સ્થિત વૈકુંઠ ધામ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
મંત્રીએ આપી શ્રદ્ધાંજલિ:
મહારાષ્ટ્ર સરકારના માહિતી ટેકનોલોજી અને સાંસ્કૃતિક બાબતોના કેબિનેટ મંત્રી આશિષ શેલારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દિવંગત અભિનેત્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે લખ્યું, "ફિલ્મ 'પિંજરા'ની પ્રખ્યાત અભિનેત્રી સંધ્યા શાંતારામના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં પોતાની અદ્ભુત અભિનય અને નૃત્ય કુશળતાથી એક અનોખી છાપ છોડી છે. 'ઝનક ઝણક પાયલ બાજે', 'દો આંખે બારહ હાથ' અને ખાસ કરીને 'પિંજરા' જેવી ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકાઓ હંમેશા દર્શકોના હૃદયમાં જીવંત રહેશે. તેમના આત્માને શાંતિ મળે!"
કલા અને વી. શાંતારામ સાથેનો સંબંધ:
સંધ્યા શાંતારામ તેમની મરાઠી અને હિન્દી ફિલ્મોમાં તેજસ્વી અભિનય અને કુશળ શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતા હતા. તેઓ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના ત્રીજા પત્ની હતા. તેમની પ્રતિભાને વી. શાંતારામે ૧૯૫૧માં તેમની ફિલ્મ 'અમર ભૂપાલી' માટે નવી પ્રતિભાની શોધ કરતી વખતે ઓળખી હતી. સંધ્યાના સુરીલા અવાજથી પ્રભાવિત થઈને તેમને આ ફિલ્મમાં ગાયિકાની ભૂમિકા આપી હતી.
જોકે તેમણે ઓછી ફિલ્મો કરી છે, પરંતુ દરેક ફિલ્મમાં તેમની હાજરી નોંધપાત્ર રહી છે. સંધ્યાને આજે પણ તેમની ક્લાસિક ફિલ્મો જેમ કે "ઝનક ઝનક પાયલ બાજે" (જેણે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા), "દો આંખે બારહ હાથ," રંગીન નૃત્ય-નાટિકા "નવરંગ" અને મરાઠીની બ્લોકબસ્ટર ફિલ્મ "પિંજારા" માટે યાદ કરવામાં આવે છે. "ઝનક ઝનક પાયલ બાજે" માં તેમણે પ્રખ્યાત નૃત્યકાર ગોપી કૃષ્ણની સામે પોતાના નૃત્ય કૌશલ્યનો જાદુ પાથર્યો હતો.
સંધ્યા શાંતારામનું અવસાન ભારતીય સિનેમા જગત માટે એક મોટી ખોટ છે. એક યુગનો અંત થયો છે, પરંતુ તેમની કલા અને યાદગાર પ્રદર્શનો કાયમ માટે જીવંત રહેશે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
