હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા: સુરત પંથકના બારડોલીના રાયમ ગામના વતની રાકેશ પટેલની હત્યા: બંદૂકધારી હુમલાખોરે અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતા રાકેશ પટેલનું સ્થળ પર જ મૃત્યુ નીપજેલ
મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ અમેરિકામાં સ્થાયી થયા હતા: પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં હાઉસ કિપિંગનું કામ કરતાં હતા

પિટ્સબર્ગ/સુરત: અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાં શનિવારે સવારે એક ગોળીબારની ઘટનામાં મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલની હત્યા કરવામાં આવી છે. તેઓ એક હોટલમાં હાઉસકીપિંગનું કામ કરતા હતા. આ હુમલામાં એક મહિલા અને એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે હુમલાખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતવાર જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે વધુ એક સુરતના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાતા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ ફેલાયો છે.
મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના અને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા રાકેશભાઈ પટેલ નામના યુવકને પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ શહેરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો છે.
શું હતી સમગ્ર ઘટના ?
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ બનાવ શનિવારે (૪ ઓક્ટોબર) સ્થાનિક સમય મુજબ સવારે બન્યો હતો. રાકેશ પટેલ પિટ્સબર્ગના રોબિન્સન ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક હોટલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન એક બંદૂકધારી હુમલાખોરે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ અંધાધૂંધ ગોળીબારમાં રાકેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ અધિકારી અને મહિલા પણ ઘાયલ
હુમલાખોરે માત્ર રાકેશ પટેલને જ નિશાન નહોતા બનાવ્યા, પરંતુ તેણે અન્ય લોકો પર પણ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક પોલીસ અધિકારીને પણ ગોળી વાગી હતી. જોકે, પોલીસે ભારે જહેમત બાદ હુમલાખોરને જીવતો પકડી લીધો હતો અને તેની ધરપકડ કરી હતી.
રાકેશ પટેલના નિધનના સમાચાર તેમના વતન ગામ પહોંચતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ હાલ આરોપીની ધરપકડ કરીને હુમલા પાછળના હેતુ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે, જે તપાસમાં મદદરૂપ સાબિત થશે.
આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં વસતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
