તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
દાર્જિલિંગમાં જળપ્રલય: અનરાધાર વરસાદ, ભૂસ્ખલનથી ભયાનક તારાજી, મૃત્યુઆંક ૩૦ નજીક; અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનો અથવા લાપતા હોવાનો ભય: મિરિકમાં ૧૩ મૃતદેહ મળ્યા: સેનાની ત્રણેય પાંખ બચાવકાર્યમાં જોડાઈ: મમતા આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
શનિવાર રાતથી દાર્જિલિંગ, કાલિમપોંગ સહિતના વિસ્તારોમાં શરૂ થયેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત: માત્ર ૧૨ કલાકમાં ૧૨ ઇંચ અનરાધાર વરસાદ: ઠેર-ઠેર ભૂસ્ખલન: અનેક મકાનો દટાઈ ગયા: મુખ્ય માર્ગો બંધ થઈ ગયા: આગામી ૨૪ કલાકમાં પણ ભારે વરસાદની આગાહી : સેનાની ટુકડીઓ દુર્ગમ વિસ્તારોમાં પહોંચીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે: સતત વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી: રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૦ પણ અનેક સ્થળોએ બંધ થઈ ગયો છે. જેના કારણે સિક્કિમનો સંપર્ક તૂટી ગયો: હજારો પ્રવાસીઓ દાર્જિલિંગ, કાલિમપોંગ અને સિક્કિમના જુદા-જુદા વિસ્તારોમાં ફસાઈ ગયા

કોલકાતા/દાર્જિલિંગ: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને પડોશી વિસ્તારોમાં શનિવાર રાતથી વરસી રહેલા મુશળધાર વરસાદે ભયાનક તારાજી સર્જી છે. અનેક સ્થળોએ થયેલા ભૂસ્ખલન અને બાલાસોન નદી પરનો પુલ તૂટી પડવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૮ લોકોના મોત થયાં છે અને ડઝનેક લોકો લાપતા છે. સૌથી વધુ અસરગ્રસ્ત મિરિક વિસ્તારમાં જ ૧૩થી વધુ મૃત્યુ નોંધાયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ટુકડીઓ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે (સોમવારે) અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
વિગતવાર જોઈએ તો દુર્ગા પૂજાના તહેવાર બાદ ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં કુદરતે કહેર વરસાવ્યો છે. શનિવાર, ૪ ઓક્ટોબરની રાતથી દાર્જિલિંગ, કાલિમપોંગ અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માત્ર ૧૨ કલાકમાં ૩૦૦ મિલીમીટર (આશરે ૧૨ ઇંચ) જેટલો અનરાધાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેમાં અનેક મકાનો દટાઈ ગયા છે અને મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે.
ભૂસ્ખલન અને પુલ દુર્ઘટનામાં મોટો મૃત્યુઆંક
આ કુદરતી આફતમાં સૌથી ભયાનક તારાજી દાર્જિલિંગના મિરિક, સુખિયાપોખરી, જોરબંગલો અને માનેભંજન વિસ્તારોમાં થઈ છે. સત્તાવાર આંકડા મુજબ, ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ ૨૮ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની અથવા લાપતા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. મિરિકમાં જ ૧૩ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
આ ઉપરાંત, સિલિગુડીને મિરિક સાથે જોડતો મુખ્ય માર્ગ પર આવેલો બાલાસોન નદી પરનો દુધિયા આયર્ન બ્રિજનો એક મોટો હિસ્સો નદીના પ્રચંડ પ્રવાહમાં તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પણ કેટલાક લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ પુલ તૂટવાને કારણે મિરિક અને આસપાસના ગામોનો સિલિગુડી સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે, જે બચાવ કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી રહ્યું છે.
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી, સેનાની મદદ લેવાઈ
વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક પોલીસ તથા સ્વયંસેવકોની મદદથી કાટમાળ હટાવીને લોકોને બચાવવામાં લાગી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સેનાની પણ મદદ લેવામાં આવી છે. સેનાની ટુકડીઓ દુર્ગમ વિસ્તારોમાં પહોંચીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. સતત વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સિક્કિમનો સંપર્ક કપાયો, પ્રવાસીઓ ફસાયા
ભૂસ્ખલનને કારણે સિક્કિમને દેશના અન્ય ભાગો સાથે જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૦ પણ અનેક સ્થળોએ બંધ થઈ ગયો છે. જેના કારણે સિક્કિમનો સંપર્ક તૂટી ગયો છે અને હજારો પ્રવાસીઓ દાર્જિલિંગ, કાલિમપોંગ અને સિક્કિમના જુદા-જુદા વિસ્તારોમાં ફસાઈ ગયા છે. વીજળી અને સંચાર સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ભૂતાનમાંથી પૂરનો ખતરો
આ કુદરતી આફત વચ્ચે, પાડોશી દેશ ભૂતાનના તાલા હાઈડ્રોપાવર ડેમમાં ટેકનિકલ ખામી સર્જાતા અને ગેટ ન ખુલતા પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. ભૂતાન સરકારે આ અંગે ભારત સરકારને એલર્ટ કરી છે, જેના પગલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને કૂચબિહાર જિલ્લાઓમાં પૂરનો ખતરો વધી ગયો છે. વહીવટી તંત્રે નદી કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સમીક્ષા કરે તેવી શક્યતા છે અને તેમણે મૃતકોના પરિવારોને વળતરની જાહેરાત કરી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
