<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પેરિસનો પ્રસિદ્ધ એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :દેશ ચાલતા વિરોધ પ્રદર્શનના કારણે નિર્ણય

પેરિસ સહિત 200થી વધુ શહેરો અને કસબાઓમાં હજારો લોકોએ માર્ગો પર ઉતરી આવ્યા :જાણો 136 વર્ષના ઇતિહાસમાં એફિલ ટાવરને કેટલી વાર બંધ કરવામાં આવ્યો?

ફ્રાન્સની ઓળખ માનવામાં આવતા એફિલ ટાવરનો ઇતિહાસ 136 વર્ષ જૂનો છે. તેના વગર આજના ફ્રાન્સની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ ફ્રાન્સમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે એફિલ ટાવરને બંધ કરવામાં આવ્યો છે. હકીકતમાં ફ્રાન્સમાં ગુરુવારે વ્યાપક હડતાળ અને વિરોધ પ્રદર્શનોથી રાજકીય માહોલ ગરમાયો છે.

રાજધાની પેરિસ સહિત 200થી વધુ શહેરો અને કસબાઓમાં હજારો લોકોએ માર્ગો પર ઉતરીને સરકારની નીતિઓ સામે વિરોધ કર્યો અને આ વિરોધને જોતા પ્રવાસીઓ માટે એફિલ ટાવરને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માગ હતી કે સામાજિક કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવાની જગ્યાએ અમીર વિભાગોમાં ટેક્સ વધારવામાં આવે.

એફિલ ટાવર તેના નિર્માણ પછીથી અનેક વખત બંધ કરવો પડ્યો છે. તેનું મુખ્ય કારણ વિરોધ પ્રદર્શન, સુરક્ષા સંબંધિત ઘટનાઓ, આરોગ્ય ઇમરજન્સી અને જાળવણીના કામ રહ્યા છે.

ઑગસ્ટ 2018માં, કર્મચારીઓએ કામની નીતિઓનો વિરોધ કરતા ટાવરને બે દિવસ માટે બંધ કરવો પડ્યો હતો. સ્ટાફ મુલાકાતીઓના મેનેજમેન્ટમાં થયેલા બદલાવનો વિરોધ કરી રહ્યો હતો, કારણ કે તેનાથી ભીડમાં વધારો થતો હતો. ફેબ્રુઆરી 2024માં ફરી એકવાર હડતાળને કારણે ટાવર બંધ કરવો પડ્યો. આ વખતે કર્મચારીઓ જાળવણી અને સ્ટાફની સુખાકારી માટે પૂરતું રોકાણ ન થવાને કારણે વિરોધ કરી રહ્યા હતા.

મે 2019માં એક વ્યક્તિ ટાવર પર ચઢી ગયો હોવાથી ટાવરને ખાલી કરાવવો પડ્યો અને મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને અસ્થાયી રીતે બંધ કરવો પડ્યો. ઑગસ્ટ 2024માં, ઓલિમ્પિક્સ સમાપન પહેલાં, ફરી એક વ્યક્તિ ટાવર પર ચઢી જતા તેને ખાલી કરાવવો પડ્યો.

માર્ચ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન, આખા ફ્રાન્સની જેમ એફિલ ટાવર પણ બંધ કરવો પડ્યો હતો.

નવેમ્બર 2015માં પેરિસ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ટાવર બંધ કરવો પડ્યો હતો. ઑગસ્ટ 2017માં એક વ્યક્તિ ચાકૂ લઈને ટાવર પર હુમલો કરવા આવ્યો બાદ સુરક્ષા કારણોસર ટાવરને થોડી વાર માટે બંધ કરવો પડ્યો. ડિસેમ્બર 2023માં ટાવર નજીક જર્મન પર્યટકની હત્યા બાદ સુરક્ષાના કારણોસર ટાવર બંધ કરવો પડ્યો.

સપ્ટેમ્બર 2024માં ઓલિમ્પિક રિંગ્સ હટાવવા અને ટાવરના સમારકામ માટે ટાવરને તાત્કાલિક રીતે બંધ કરવો પડ્યો હતો.

એફિલ ટાવર ઐતિહાસિક સ્મારક હોવા છતાં ઉપર જણાવેલા કારણોસર ક્યારેક તેને બંધ કરવાની ફરજ પડી છે. જો તમે ભવિષ્યમાં આ ટાવર જોવા જવાનું આયોજન કરી રહ્યા હો, તો જતાં પહેલાં તેની અધિકૃત વેબસાઇટ જરૂર તપાસો, જેથી કોઈ બંધ અથવા ફેરફારની માહિતી મેળવી શકાય.

 

 

 

(9:35 PM IST)