<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ICCએ પાકિસ્તાની ટીમની સ્ટાર બેટ્સમેનને ફટકારી સજા : ભારત સામે શરમજનક કૃત્ય બદલ કાર્યવાહી

ગુસ્સાથી પોતાનું બેટ જમીન પર પછાડ્યું. આ એક્શન ICCને ગમી નહીં અને મેચ રેફરીએ 33 વર્ષીય બેટ્સમેનને સજા કરી.

પાકિસ્તાન ક્રિકેટ માટે સારા સમાચારના કોઈ સંકેત નથી. પુરુષોના એશિયા કપમાં ભારત સામે ફાઇનલ સહિત ત્રણેય મેચમાં કારમી હારનો સામનો કર્યા પછી, ICC મહિલા વર્લ્ડ કપ 2025માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પાકિસ્તાની મહિલા ટીમને ટુર્નામેન્ટમાં તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં ટીમ ઇન્ડિયા સામે બીજી હાર આવી છે. પરંતુ આટલું જ નહીં. આ હાર બાદ ICCએ પાકિસ્તાની ટીમની સ્ટાર બેટ્સમેન સિદરા અમીનને પણ મેચ દરમિયાન શરમજનક કૃત્ય બદલ સજા ફટકારી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ મેચ રવિવાર, 5 ઓક્ટોબરના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે પાકિસ્તાનને 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, પાકિસ્તાન ફરી એકવાર નિષ્ફળ ગયું અને માત્ર 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. અનુભવી બેટ્સમેન સિદરા અમીને એકલા હાથે 81 રન બનાવીને મજબૂત ઈનિંગ રમી હતી અને પોતાની ટીમ માટે કેટલીક આશાઓ જગાવી હતી.

જો કે 40મી ઓવરમાં સિદરાની ઇનિંગનો પણ અંત આવ્યો, કારણ કે ભારતીય સ્પિનર સ્નેહ રાણાએ તેને આઉટ કરી. સિદરા તેની ટીમને વિજય તરફ દોરી જવામાં નિષ્ફળ રહી અને સદી પણ ચૂકી ગઈ. કદાચ આ બંને પરિબળોની નિરાશા એટલી ભારે હતી કે પાકિસ્તાની બેટ્સમેન પેવેલિયન પરત ફરતા પહેલા શરમજનક કૃત્ય કર્યું. આઉટ થયા પછી સિદરા અમીને ગુસ્સાથી પોતાનું બેટ જમીન પર પછાડ્યું. આ એક્શન ICCને ગમી નહીં અને મેચ રેફરીએ 33 વર્ષીય બેટ્સમેનને સજા કરી.

મેચ પછીના દિવસે 6 ઓક્ટોબર, સોમવારના રોજ ICCએ એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરી કે સિદરા અમીને આચારસંહિતાના કલમ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. આ આર્ટિકલ ઈન્ટરનેશનલ મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં અથવા મેદાન પર લાગેલા ઉપકરણો અને અન્ય સામાનો સાથેના દુર્વ્યવહાર સાથે જોડાયેલો છે. ગુસ્સામાં આવીને બેટ પટકાવું એ ક્રિકેટ સાધનો સાથે ગેરવર્તણૂક હતી. મેચ રેફરીએ સિદરા અમીનની હરકતને લેવલ 1 ગુનો જાહેર કર્યો અને તેણે ઠપકો આપ્યો. લેવલ 1 ગુનાને કારણે તેણીની મેચ ફી કાપવામાં આવી ન હોવા છતાં, સિદરાને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

 

(11:19 PM IST)