<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગુજરાતને જીએસટી સુધારાને કારણે આવકમાં પાંચ હજાર કરોડનું નુકસાન

ટુ-વ્‍હીલર્સનું વેચાણ વધે તો આ સેગમેન્‍ટમાં સંભવિત નુકસાન સરભર થઈ શકે : બીજા રાજ્‍યોની માફક ગુજરાત સરકારે જોકે આ નુકસાન સામે કોઈ રાહત પેકેજ માગ્‍યું નથી!

નવી દિલ્‍હી,તા.૦૭: કેન્‍દ્ર સરકારે તાજેતરમાં ગુડ્‍ઝ એન્‍ડ સર્વિસ ટેક્‍સ-જીએસટીમાં કરેલા સુધારાને કારણે ગુજરાત સરકારને ૨૦૨૫-૨૬ના વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં અંદાજે રૂ. પ હજાર કરોડનો ફટકો પડવાની ગણતરી છે.

ઉચ્‍ચ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે તાજેતરમાં જીએસટીના દરોનું તાર્કિકીકરણ કરવાને લીધે કેન્‍દ્ર સરકારે તેની જીએસટીની વાર્ષિક આવકમાં રૂ.૪૦ હજાર કરોડના નુકસાનનો અંદાજ બાંધ્‍યો છે અને ગુજરાતને નિસબત છે ત્‍યાં સુધી આ નુકસાન એસજીએસટી તથા સીજીએસટી સાથે ગણતાં આશરે રૂ. પાંચ હજાર કરોડ થવાની ધારણા છે.

રાજ્‍યને જીએસટી આવક ૨૦૨૪- ૨૫માં રૂ.૧,૩૯,૭૪૮ કરોડ રહી હતી, જે આગળના ૨૦૨૩-૨૪ના વર્ષની આવક કરતાં રૂ.૧૧,૫૭૯ કરોડ વધુ હતી. ૩૫૦ સીસીથી ઓછી ક્ષમતાના ટુ-વ્‍હીલર્સમાં તથા ૧૫૦૦ સીસીથી ઓછી ક્ષમતાની મોટરકાર્સમાં જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે તથા સેસ નાબૂદ કરાયો છે. આને કારણે જીએસટી કલેકશનમાં દેખીતી રીતે તો નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આ જીએસટી ઘટાડાને ટુ-વ્‍હીલર્સ તથા નાની મોટરકારોનું વેચાણ મોટાપાયે વધી રહ્યું હોવાના અહેવાલ છે. જો આ વેચાણ વર્ષાન્‍તે વધશે તો જીએસટીમાં થનારું નુકસાન સરભર થવાની ગણતરી નકારી શકાતી નથી. જ્‍યારે અન્‍ય જે ચીજવસ્‍તુઓ તથા સેવાઓ ઉપરનો જીએસટી રેટ ઘટાડીને ૫ ટકા કે ૧૮ ટકા કરાયો છે તેમાં રાજયને નુકસાન થવાનો અંદાજ છે. કેટલાક રાજ્‍યો આ જીએસટીના

દરોના તાર્કિકીકરણને લીધે એમના રાજ્‍યોને થનારા નુકસાન સામે કેન્‍દ્ર સરકાર પાસેથી વળતર માગી રહ્યા છે, ત્‍યારે શું ગુજરાત સરકારે તેને થનારા સંભવિત નુકસાન સામે કોઈ પેકેજની માગણી કરી છે કે કેમ તેવી પૃચ્‍છાનો પ્રત્‍યુત્તર આ સૂત્રોએ નકારમાં આપ્‍યો હતો. આ સૂત્રોએ એવી પણ જાણકારી આપી હતી કેસ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સરકારે ભારત તરફથી યુએસમાં થતી તમામ ચીજોની નિકાસ ઉપર ૫૦ ટકાને જબરજસ્‍ત ટેરિફ લાદ્યો છે, જેને કારણે ગુજરાતના હીરા ઉદ્યોગ, ટેક્‍સ્‍ટાઇલ ઉદ્યોગ તથા એન્‍જિનિયરિંગ ગુડ્‍ઝ ઉદ્યોગને મોટો ફટકો પડશે, જે નુકસાનની રકમની ગણતરી હજી થઈ રહી છે.

(10:45 AM IST)